ઇઝરાયલી દળોએ ગાઝામાં એક નવું ભૂમિ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, સેનાએ ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસ અને આસપાસના નગરોના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. લશ્કરી પ્રવક્તા અવિચાય એડ્રેઈએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આદેશ પોસ્ટ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે સમગ્ર વિસ્તારને ‘ખતરનાક યુદ્ધ ક્ષેત્ર’ ગણવામાં આવશે. આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ વધુ તીવ્ર બનાવી દીધું છે.

દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ ઇઝરાયલની જાહેરાત વચ્ચે થયા છે કે તે લગભગ ત્રણ મહિનાના નાકાબંધી પછી ગાઝામાં મર્યાદિત માનવતાવાદી સહાયને મંજૂરી આપશે. ખાદ્ય સુરક્ષા પરના વૈશ્વીક નિષ્ણાતોએ દુષ્કાળની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ ઇઝરાયલે આ પ્રકારનું પગલું ભર્યું છે.

નોંધનીય છે કે હમાસે ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં, આતંકવાદીઓએ લગભગ ૧,૨૦૦ લોકોને મારી નાખ્યા, જેમાં મોટાભાગે નાગરિકો હતા, અને ૨૫૧ લોકોને બંધક બનાવ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં ૫૨,૦૦૦ થી વધુ પેલેસ્ટીનિયનો, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે. ઘાયલોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ગાઝા કાટમાળમાં ફેરવાઈ ગયું છે.