ઈજીપ્તમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ઇજિપ્તના પૂર્વોત્તર વિસ્તારમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજિપ્તના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ ઘટના આઈન સોખના હાઈવે પર બની હતી.
બસ સુએઝની ગલાલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી, જેઓ આઈન સોખના હાઈવે થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે અકસ્માતનું કારણ જાહેર કર્યું નથી. અકસ્માત બાદ ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત અંગે તાત્કાલિક પોલીસ વિભાગને માહિતી આપવામાં આવી હતી.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૨૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને સુએઝ મેડિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કેવી છે ઘાયલોની હાલત? આ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
તમને જણાવી દઈએ કે ઈજીપ્તમાં દર વર્ષે હજારો લોકો જીવલેણ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામે છે. અહીં પરિવહન સલામતીનો રેકોર્ડ ખૂબ જ નબળો છે. મોટાભાગના અકસ્માતો ઝડપ, ખરાબ રસ્તા અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના કારણે થાય છે.