છેલ્લા કેટલાક મહિનાઓથી વાતાવરણ જાણે માણસો સાથે સંતાકૂકડી રમી રહ્યુ હોય તેવો માહોલ છે. ક્યારેક વાદળો આવી જાય છે, તો ક્યાંક ઠંડી આવી જાય છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીનો આ મહિનો ભારે ઉથલપાથલ વાળો રહ્યો. ત્યારે હવે ગરમી માટે પણ તૈયાર રહેજા. ચાલુ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. એટલુ જ નહિ, ૨૦૨૪ નું ચોમાસું પણ સામાન્ય તેમજ ગત વર્ષ કરતા સારું રહે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું કે, આ વર્ષે અલ નીનો કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે. અલ નીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે. વર્ષ ૨૦૨૪ ની શરૂઆતથી જ અલ નીનોની મજબૂત અસર જાવા મળી છે. પરંતુ આ અસર મે-જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે.
વર્ષ ૨૦૨૪ ની શરૂઆતથી જ અલ નીનો મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યું છે. જે મે-જૂન સુધી રહેશે. આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અલ નીનોની ઘટનાને અનુરૂપ છે. તેથી ગરમી વધારે અને ચોમાસું સારુ જશે. અલ નીનોને કારણે જ સામાન્ય કરતા વધુ સારુ ચોમાસું જાવા મળશે. તો કેટલાક વૈજ્ઞાનિક અલ નીનો બાદ લા નીનોની અસરની પણ આગાહી કરી રહ્યાં છે. ખાનગી એજન્સીએ જણાવ્યું કે, લા નીનો અસર સપ્ટેમ્બર આસપાસ જાવા મળશે. જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી વધારે રહેવા પર અલ નીનોનું સર્જન થાય છે. જ્યારે કે, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય સરખામણીમાં ઓછું થાય છે ત્યારે લા નીનોનું નિર્માણ થાય છે.