આજે કચ્છને કોઈ ઓળખની જરૂર નથી. સમગ્ર વિશ્વમાં કચ્છ તેની કળાને લીધે જેટલું પ્રસિદ્ધ છે તેટલું જ પ્રસિદ્ધ તેની ભૌગોલિક પરિસ્થિતિને લીધે છે. કચ્છનું સફેદ રણ અત્યારે સૌનું હોટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓને આ રણોત્સવ આકર્ષી રહ્યું છે. ૨૦૦૬થી શરૂ થયેલો રણ ઉત્સવ કચ્છની ઓળખ બન્યો છે. રણોત્સવના કારણે કચ્છના પ્રવાસનને વેગ મળી રહ્યો છે. દરેક વર્ષે વિવિધ થીમ ઉપર રણ ઉત્સવ કે રણોત્સવ યોજાય છે. હજારો સંખ્યામાં પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણની વ્યવસ્થાનો લાભ પણ લઈ રહ્યા છે.
ડિસેમ્બરની શરૂઆત સાથે જ રણ ઉત્સવ ધમધમી ઉઠે છે. રણ ઉત્સવની શરૂઆત થતાની સાથે જ ટેન્ટ સિટીનું બુકિંગ શરૂ થઈ જાય છે. આ ટેન્ટ સિટીમાં વિવિધ ગેમ્સનું આયોજન કરાયેલું છે, જેનો આનંદ જે પ્રવાસીઓએ ટેન્ટ બુકિંગ કરાવે છે, તે પ્રવાસીઓ માણે છે. અન્ય પ્રવાસીઓ પણ એક્ટીવિટીનો લાભ લઇ શકે, તે હેતુથી એ માટે પણ વિવિધ ગેમ્સનું અને એક્ટીવિટીસનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં ચાલતી એક્ટીવિટીનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લે છે અને પોતાના પ્રવાસને યાદગાર બનાવે છે. લોકોના પ્રવાસને વધુ યાદગાર બનાવવા હાલ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪ – ૨૫માં રણ ઉત્સવ ૧૧ નવેમ્બરથી શરૂ થઈ ૧૫ માર્ચ સુધી ચાલશે. જેમાં આ વર્ષે એડવેન્ચર એક્ટીવિટીઝમાં ઘણી નવી એક્ટીવિટીનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ઉંમર મુજબ અને અલગ અલગ એક્ટીવિટી મુજબ ભાવ રાખવામાં આવેલા છે.
વિવિધ એક્ટીવિટીના ભાડાની વાત કરીએ, તો રેપ્લીંગ તથા રોક ક્લાઇમ્બીંગ કરવા માટે ૨૦૦ રૂપિયા રાખે છે. હાઈ રોપ ક્રોસિસ તથા ગ્લાઈન્ટ પેન્ડુલમનું ભાડું રૂપિયા ૪૦૦ છે. સ્કાય ઝીલાની બધી એક્ટીવિટીના ૧૫૦૦ રૂપિયા છે. આ વર્ષે રણ ઉત્સવમાં તમે ૫૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીના વિવિધ એડવેન્ચર્સને માણી શકશો. જેમાં હોટ એર બલૂન, કેમલ રાઇડ, સાયકલિંગ, આર્ટ એક્ટીવિટી, બાઈક રેસિંગ, કાર રેસિંગ વગેરે લોકપ્રિય છે. આ વખતે તમને રણ ઉત્સવમાં તીરંદાજી, બોડી ઝો‹બગ, બુલ રાઇડનું ભાડું ૫૦ રૂપિયા તો એર ગન શૂટિંગ, ટ્રેમ્પોલિન, ટેન્ડમ સાયકલ, વોટર વાકિંગ બોલ, મૂન વોકર વગેરેનું ભાડુ ૧૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. ઝિપ લાઈનનું ભાડું ૫૦૦ રૂપિયા અને પેઇન્ટ બોલ અને સેગવેનું ભાડું ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પેરામોટરનું એક રાઉન્ડનું ભાડું ૩૦૦૦ રાખવામાં આવ્યું છે. દરેક એક્ટીવિટી માટે ચોક્કસ મિનિટ ફાળવવામાં આવેલ છે. દરેક વયજૂથને ધ્યાનમાં રાખીને આ એક્ટીવિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે વિવિધ ઇન્ડોર ગેમ્સની મજા પણ અહીં માણવા મળશે. ઇન્ડોર ગેમ્સમાં કેરમ, લુડો, ચેસ, ટેબલ ટેનિસ જેવી ગેમ્સ છે. રણોત્સવમાં કુદરતી સૌંદર્યનો આનંદ ઉઠાવવાની સાથે લોકો આવા એડવેન્ચરનો લાભ લઇ રણોત્સવને યાદગાર બનાવી રહ્યા છે.