વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બદલાયેલા સ્વરૂપ મુજબ રાજ્ય સરકાર પહેલીવાર ચાર ઝોનમાં રીજિયોનલ સમિટ યોજી રહી છે. સરકારના આયોજન મુજબ, પ્રથમ રિજિયોનલ સમિટ ઉત્તર ગુજરાત ઝોન માટે ૯ અને ૧૦ આૅક્ટોબર-૨૦૨૫એ મહેસાણા જિલ્લાના માંડલ-બેચરાજી એસઆઇઆર ખાતે યોજાશે.

આ ઉપરાંત બીજી સમિટ ૮-૯ જાન્યુઆરી-૨૦૨૬એ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન માટે રાજકોટ ખાતે, ત્રીજી સમિટ ૯-૧૦ એપ્રિલ-૨૦૨૬એ દક્ષિણ ગુજરાત ઝોન માટે સુરતમાં અને ચોથી સમિટ ૯-૧૦ જુલાઈ-૨૦૨૬એ મધ્ય ગુજરાત ઝોન માટે વડોદરા ખાતે યોજાશે. આ ચારેય ઝોનલ સમિટમાં સામેલ જિલ્લાઓના વેપાર-ધંધા અને ઉદ્યોગોને અનુલક્ષીને ઉદ્યોગપતિઓ સાથે રોકાણ માટે સમજૂતી કરાર કરવામાં આવશે. આયોજન મુજબ, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં યોજાનારી પહેલી રિજિયોનલ સમિટ માટે મહેસાણામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીં સુઝુકી મોટર્સના આગમનને કારણે દેશ-વિદેશના અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદકો આકર્ષાઈ રહ્યાં છે. સુઝુકી મોટર્સ-ગુજરાતે ૭.૫ લાખ કાર યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાતને વૈશ્વીક ઓટો હબ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. સાથે જ, મહેસાણા આસપાસ ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગોમાં પણ મોટા પાયે રોકાણ આવ્યાં છે. સુઝુકી મોટર્સે ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને વધારવા માટે રૂ. ૩૨ અબજનું રોકાણ કરીને ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ઇલેક્ટ્રીક વાહનોમાં નવા રોકાણ પણ નજર કરીએ તો, બેટરી પ્લાન્ટ માટે રૂ. ૭,૩૦૦ કરોડ તથા ઈફ ઉત્પાદન માટે રૂ. ૩,૧૦૦ કરોડનું રોકાણ મળ્યું છે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ વાઈબ્રન્ટ સમિટ બાદ ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન,યુએઈ અને ચિલી સહિતના દેશોમાં લગભગ રૂ. ૩,૪૫૯ કરોડના ઓટોમોબાઇલની નિકાસ કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂ. ૨૯,૭૦૦ કરોડનું રોકાણ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં ૧૬.૪% દર્શાવે છે.

ખાસ વાઈબ્રન્ટ સમિટને આટલો સારો પ્રતિસાદ મળ્યા બાદ સરકારે માઈક્રોલેવલે પ્લાનિંગ કરીને આ વર્ષથી રાજ્યના વિવિધ ચાર ઝોનમાં આ સમિટને યોજવાનો નિર્ણય કર્યો છે. સરકારના દાવા મુજબ, આ બદલાયેલા મોડલ હેઠળની રિજિયોનલ સમિટો રાજ્યના દરેક ઝોનમાં ઉદ્યોગ-વેપારને પ્રોત્સાહન આપશે અને ગુજરાતને ઓટોમોબાઇલ તેમજ ઇલેક્ટ્રીક વાહનોના વૈશ્વીક હબ તરીકે મજબૂત બનાવશે.