“આવ બકા આવ. આ તારી આંખો રાતીચોળ જેવી કેમ છે !? તૂં ય તે ..”
“ના બોસ ના. તમે હમજો છો, એવું કાંઈ નથી અને તમને મારા પર ભરોસો નથ.”
“બકા, આજકાલ ભરોસાની ભેંસ જ પાડો જણે છે અને તારી આંખો બિલકુલ એના જેવી જ છે એટલે મને થયું તૂં ય..”
“ના બોસ. પણ હા, આજકાલ નવરાત્રી હાલે છે ને, એટલે મોડી રાત સુધી ગરબામાં હોઈએ. પછી એકાદ કલાક આંટાફેરા મારીયે. ઘરે આવીએ ત્યાં પરોઢિયુ થઈ ગયું હોય. બપોર સુધીમાં કેટલીક ઊંઘ થાય ? ”
“હા પણ, બકા તમે આખી રાત ન્યા કરો શું? ”
“લો કર લો બાત!! બોસ..! ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. નવ દિવસના આવડા મોટા ફેસ્ટિવલની અસર પુરા વિશ્વ ઉપર ફરી વળી છે. બધાની નજર આ નવ દિવસ ઈન્ડિયા ઉપર હોય છે.”
“ઈ વિશ્વ બિશ્વને મેલ તડકે. મને એમ કે, ઘરે હળી ભાંગીને બેય કરતાં નથી અને ન્યા આખી રાત ઠેકડા મારે છે. આ બધું શું છે!?”
“બોસ બોસ ! તમે હજી આજકાલની હાઈટેક ગરબી જોઈ જ નથી. ન્યા લાખો રૂપિયાના સાઉન્ડ હોય. લાખો રૂપિયા આપીને કલાકારો લાવ્યા હોય. લાખો રૂપિયા લાઈટિંગમાં લગાવ્યા હોય અને અને..”
“બસ બસ બસ ! આ તું લાખો રૂપિયાને રવાડે કયારથી ચડી ગ્યો. ગુજરાતમાં ખાધા વગરના કેટ કેટલાંય બાળકો ભૂખ્યા સૂઈ જાય છે અને કુપોષણનો ભોગ બને છે ઈ કોઈને નજરમાં છે ??”
“ગરબાની તો તમને શું વાત કરુ બોસ.
આ વખતે તો..,આખા દેશમાં પ્રથમ વાર જ સુરતમાં જર્મન ટેકનોલોજીથી ટ્રાન્સપરન્ટ ડોમ બનાવાયો છે. અંબાલાલ ગમે એટલો વરસાદ વરસાવે તોય અંદર આઠ હજાર ખેલૈયાઓ ડાંડિયાની રમઝટ બોલાવતાં હશે અને હા, આ બધાને વરસાદ દેખાશે ખરો પણ, પાણીનું ટીપું ‘ય અંદર આવશે નહીં.”
“ઓ હો હો હો !! આઠ હજાર ખેલૈયાઓ? પણ, આ બધો ખરસો કરશે કોણ?”
“બોસ, આમાં તો રૂપિયાના ઢગલાં થાય ઢગલાં. એક જણાના પંદર વીસ હજાર ગણો તોય. સોળ કરોડ તો ઈ થ્યા. જાહેરાતના આવે ઈ નોખાં અને બોસ, આ તો એક જ આયોજનની વાત છે. આવાં તો હજારો આયોજનો. તમે આંકડા માંડો તો કેલ્સી ‘ય ના પાડે.અને ગમે એવો મોંઘો મોબાઈલ પણ હેંગ થઈ જાય. કેટ- કેટલાં ડ્રેસ, કેટ કેટલાં બ્યુટીપાર્લરના ખરસા અને પેટ્રોલનો ઘૂમાડો.”
“બકા બકા, આજકાલ તું હિસાબ માંડતો થઈ ગયો. આવા કામમાં હિસાબ માંડે એ ગુજરાતી ના હોય.”
“તમારી વાત ખરી છે. હિસાબ માંડે એ ગુજરાતી ના હોય.પણ, મને એક વાત હમજાતી નથ.
આવડો મોટો ખરસો કર્યા પછી રાત ‘દિ ઠેકડા માર્યા પછી શું ખરેખર માતાજી રાજી થતાં હશે!??”
“બકા, આવા અઘરા પ્રશ્નનો જવાબ તો કદાચ! માતાજી પાસેય નહીં હોય તો પછી..મારી પાસે તો ક્યાંથી હોય!! હા, એના આયોજકો પાસે કદાચ જવાબ ઝડી જાય.”
“હા પણ, એના લગણ પોગવુ ઈ આપણું ગજુ નથ.”
“તને યાદ દેવડાવુ બકા. નવરાત્રી અને ગરબી કોને કહેવાય ? પેલાં ગામડાં ગામના ચોરે, ભગવાનની હામે ચોકમાં નાના મોટા હૌ ભેગા મળીને વચ્ચે માતાજીને પધરાવે અને ફરતાં હૌ રાસ રમે.
ગાવા વાળા ગામના, વગાડવા વાળા ગામના અને રમવા વાળા ય ગામના. આવી ગરબીમાં માતાજી રાજી રાજી થાય એ નક્કી હતું.
હવે તારે કંઈ કેવું છે??”
“બોસ, મેં હાંભળ્યું છે કે, નવરાત્રી પછીય ઘણા બધાને અણધાર્યો ખરસો વધી જાય છે. આવી નવરાત્રી ક્યાં સુધી હાલશે ?”
અભણ અમથાલાલ ક્યારના બેઠા બેઠાં હાંભળતા હતાં. હવે બોલ્યા વગર ના રહેવાયું.
“આ તમે બેય જણા કયારના નેગેટિવ નેગેટિવ વાતો કરીને આપણા પવિત્ર તહેવારને હળવો કરો છો.
પણ, તમે આંખ અને કાન ખુલ્લા રાખો તો તમને હારૂય દેખાય અને હંભળાય.”
“ઓ હો… એવું હારૂ વળી હું છે ?”
“જૂઓ.., રાજકોટમાં લેઉવા પટેલ દ્વારા ચાર જગ્યાએ નવરાત્રી કરવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં આ ચારેય જગ્યાએ જે પણ ફંડ ભેગું થાય એ બધું જ ફંડ કેન્સરના દર્દીઓ માટે વાપરવાનું છે.
અને આયોજક ખોડલધામ તરફથી રાજકોટના અમરેલી ગામમાં ૪૩ એકરમાં કેન્સરની મોટી હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે.
આવા કામથી નાના નાના માણસોને ફાયદો થાય.
હવે તમે જ કહો.., આવા કામથી નવદુર્ગા રાજી થાય કે નહીં..!!