“અરે મા! તું? તું ઉઠીને….??’’
અત્યારે એ એટલું તો માંડ બોલી શકી અને છુટ્ટા મોઢે રડી પડી. હારબંધ ડૂસકાં રૂમની દિવાલે અથડાઈને પાછાં વળ્યા!! અને કરપીણ દર્દ બંનેના હૈયાને વહેરતું રહ્યું..
‘‘સાહેબ, સગી જનેતા ઉઠીને… નામકકર ગઈ!!’’ રૂપાના ડૂસકા પાછાં વળ્યા:…કહે કે તમારે જેમ કરવું હોય એમ કરવાની છૂટ છે.’’
‘‘..અમે ’’બીજું કરશું….મારી સાસુએ કહ્યુંઃ તો મારી માં એ આંખો છલકાવીને કહ્યું:‘‘ છૂટ છે…’’
અને પછી તો..
– હું ત્રણ ઓરડાવાળાની પડખે રહેલા અવાવરૂ ભેંત્યામાં ધકેલાઈ ગઈ! જ્યાં કીડી મકોડા અને જીવજંતુંનો કોઈ પાર નહોતો.આખી રાત મને ચટકા ભરતા રહેતા. પણ કાળજે તો ડંખ હવે પછી લાગવાના હતા એવી ખબર નહોતી.
આ તરફ મારી માની લીલી ઝંડી મળી એટલે એ ગેલમાં આવી ગયા. એમના સૌના મનના મનસૂબા તો એમણે તૈયાર જ રાખ્યા હશે,આ તો ખાલી દેખાડો હતો.મારી મા આંસુભરી આંખે મારી સામું જોતી જોતી મારું આંગણું છાંડી ગઈ એ ભેળાં જ એમણે…
રૂપા ના ગળામાંથી એક ડૂસકું વછૂટયું.અને આનંદ કંપી ઉઠ્‌યો.
રૂપાએ ગળતે કંઠે ફરીવાર પોતાની આપવીતી કહેવી શરૂ કરીઃ
– ખબર નહોતી કે આ તો એ જ હતી. જેને એ પ્રેમ કરતો હતો. ઘરમાં ‘‘બેસાડવાની’’ તો એને જ હતી, પણ તેની મા આગળ બોલી શક્યો નહોતો.
– જેની હાર્યે એને ‘લાગઠું’ થયેલું એ જ છોકરી મારી જ હાજરીમાં મારી શોક્ય બનીને આવી.!!
– બંધ કમાડની પાછળ, બંધ ઓરડામાં આખીરાત કાંબી, કડલાં, અને બંગડી, ખખડતા રહેતા, કાચની બંગડીઓની હુંસાતુંસી બોલતી રહેતી અને ..બીજા બધા કેટલાય અવાજ આવતા રહેતા.મારાથી સંભળાય એવા અને ન પણ સંભળાય એવાય અવાજો..! મારા કાનમાંથી જાણે કીડા ખરતા રહેતા હતા..અને ભેંત્યામાં પડી પડી હું આંસુ સારતી રહેતી!
– ધરતી મારગ આપે તો સમાઈ જાઉં. એવી સ્થિતિ હતી. પણ મારા કાકાજીનો દીકરો- મારો દીયર વિરમ મારી પરિસ્થિતિ જાણતો હતો. પણ અમારો કુટુંબી દુશ્મન હતો. સગે સગા કાકા-દાદાના ભાઈઓ વચ્ચે જમીનનો ખટરાગ ઘણા સમયથી ચાલતો હતો.અને હવે ભાયું ભાયું સામસામે કોર્ટે ચડ્‌યા હતા.આ ખટરાગ લાંબા સમયથી હતો.ક્યારેક ક્યારેક આ બાબતે બોલાચાલી અને ઝઘડો થતો. પણ છાને છપને ખૂણે વીરમ મને ‘ભાભી’ કહીને મીઠા મ્હોંએ બોલાવતો ત્યારે લાગતું કે કોઈક તો મારું છે.!!
જીવતરના ખારાધૂસ જેવા દરિયામાં ક્યાંક તો મીઠી વીરડી છે! .
ઘરમાં મારી શોક્ય આવી પણ એના હાથમાં તો જાણે મહેંદી મૂકેલી હતી.એટલે સીમનું અને ઘરનું કામકાજ મારે માથે જ રહ્યું.એને નાની વહુ જેવા માનપાન મળે અને મને મળે જૂતિયા !!
મારી શોક્યને તો રાંધવાનું જ નહીં. ખાલી સજીધજીને તૈયાર- રહેવાનું…! બાકી ઘરનું બધું જ કામ મારે કરવાનું…!!
આખો દિવસ અને રાત ગધેડીની જેમ કામ કરતી પણ મારે જમવાનું સૌથી છેલ્લે રહેતું. થાકી પાકી ને સંધાય ની રાહ જોતી બેઠી રહેતી કે હવે સૌ કોઈ ખાઈ લે તો મને બટકું રોટલો મળે! કેમ કે આખો દિવસ કામ.કરી કરીને હું થાકી તો ગઈ જ હોઉં પણ પેટમાં ભૂખથી એટલા લોચા વળે કે હમણાં હું ક્યાંક પડી જઈશ એવું લાગે.આખરે મારું તપ જાણે પાકે.બધાજ ‘‘ઓહિયા’’..‘‘ઓહિયા..’’ કરતા ઓડકાર ખાતા ખાતા બહાર નીકળે અને હું ભેંત્યાંમાંથી રસોડામાં જાઉં.! …પણ જાઉં તો શું જાઉં? બટકું રોટલો પડ્‌યો હોય! બાકી બધું સફાચટ થઈ ગયું હોય! અને શાક નું તો નામ નિશાન જ ના હોય.મારે ફરી વખત.રાંધવાનું નહીં.જે વધ્યું ઘટયું હોય એ મૂંગે મોઢે ખાઇ લેવાનું..! પણ તપેલીમાં કાઈ હોય તો ખાયને? પછી મીઠું મરચું અને અવાજ નો થાય એમ તેલની ટબુડી માંથી એકાદ પાવળું તેલ લઈને મીઠું મરચું અને તેલની ચટણી કરીને વધ્યો ઘટ્યો રોટલો ખાઇ લઉં..બાકી ,શેરા પૂરી ની તો વાત જ શું કરવી??
વાર પરબ આવે ત્યારે મારે રસોડામાં પગ જ નહીં મૂકવાનો.મારી સાસુ,અને શોક્ય પરબમાં શેરા પૂરી બનાવી નાખે.પછી બધું સાફસૂફ થાય પછી મને એક ગાળ દઈને કહે કે,‘થજા,હવે તું ગળચી લે..!’’
અત્યાર લગી આવતી શીરા પુરીની સોડમે હું રસોડામાં જાઉં પણ ત્યાં શીરા ,પૂરી કે દૂધપાકનો એક દાણો પણ પડ્‌યો ના હોય.મારી માટે પાણી નાખી દીધેલી દાળ નો એક વાટકો.હોય અને આગલી રાતનો વધેલો રોટલો હોય!
હું રોતી રોતી ખાઇ લઉ..!
એમાં એક દિવસ શાકમાં મીઠું વધારે પડી ગયું . ને મારી સાસુએ મેણાં માર્યા મારા બાપુની વિશેષ જેમ ફાવે એમ બોલવા લાગ્યાં.
મેં કહ્યું કે બાઈજી, મને જે કહેવું હોય એ કહો પણ મહેરબાની કરીને મારા બાપુને એક શબ્દ કહેતા નહીં ઃ’’
– અને મારી સાસુએ ઘરગજાવ્યું.
– મારા ધણિ ને તો આ મોકો જ જોતો હતો.
ગાંડાબાવળની સૂળ બાળેલી લાકડી લીધી. અને મને અવળી કરી. અને પછી..??
એક પછી એક….એની લાકડી ના ફટકા અને મારો વાંહો!
અવળા સવળી પડતા લાકડીના ફટકા એ મારી ચામડી ઉતરડી લીધી!
દીપડો જેમ કોઈ બેજીવસોતી હરણીને પકડે એમ મને પકડી હતી. અને સબાસબી… એક પછી એક ઘા મારી પીઠ ઉપર પડતા હતા અને મારા મોઢામાંથી ચીસો નીકળતી હતી. મારા ડખામાં આડોશ પાડોશ સાંભળતો જ હતો .પણ માઈનો લાલ મને કોઈ છોડાવવા ના આવ્યો.બધા બારણા બંધ કરી કરીને મારા બોકાહા સાંભળતા હતા પણ કોઈમાં રામ રહ્યા નહોતા!
પણ પછી સામેના ફળિયામાં રહેતો મારો દીયર વિરમ ન જોઈ શકયો અને આવીને એક જ ધકકે મોહનને પાડી દઈ ઉપર ચડી બેઠો.
અને મારી સાસુએ રાડ પાડી.
આ તરફ મારા સસરા, મારા સગા બેય જેઠ અને મારો દીયર દોડ્‌યા અને વિરમને ખેંચ્યો. પણ એ કહેતો હતો : “બિચારી ગવરી ગાય જેવી બાઈ ઉપર હાથ ઉગામતા તારા હાથમાં એક દિ’’ કાંટા ઊગવાના છે. કાંટા! એવા પાપના પોટલા તમે બધાય ભેગા મળીને બાંધો છો પણ યાદ રાખજો ,એક દિવસ કાળા માથાળાં જીવડા તમારી દેઈમાં(શરીરમાં) ના પડે તો મને કહેજો.”
– પણ કાળ કોઈનો રોકાતો નથી. વિરમના શબ્દો સાંભળીને મારા જેઠને કાળ ચડયો એણે ખૂરપીનો એક ઘા વિરમ ઉપર કર્યો. સારૂ કર્યું ખૂરપી માથામાં ન વાગી પણ ખભો લોહીઝાણ કરીને ગઈ!
વિરમને મેં હાથેપગે લાગીને કહ્યું: મારા વીરા, તું અત્યારે ને અત્યારે વહ્યો જા. નહિંતર મારી જીંદગી ઉપર એક બીજી કાળીટીલી બેસી જશે.”
પણ એ દાટી મારતો ગયો: “ખબરદાર, હવે જો કોઈએ રૂપા ભાભીને કશું કહ્યું છે તો તમારી કોઈની ખેર નથી.’’
‘‘તો પછી, તું એને તારા ઘરમાં જ બેસાડી દે. એટલે તારૂ કામેય ફતેહ થાય અને એનીય ભૂખ ભાંગે.”
મારી મા જેવી સાસુ એક ઘા ને બે કટકા જેવા વેણ બોલવા લાગી.. વેણ સાંભળીને ફરમટી મારીને વિરમ પાછો વળ્યો. પણ મેં એને હાથ જોડયા.
– એ જ રાત્રે મને ઘરમાંથી બધાએ ભેગાં મળીને કાઢી મૂકી. ગામને આથમણે પાદર મારા પિયરની સગાઈએ મારા ગામની દીકરી અને અહીં પરણાવેલી ચંપાએ મને આશરો આપ્યો.
હવે મારેને એ ઘરને કોઈ સગપણ, સંબંધ કે નાતો રહ્યા નહીં.!!
**
પણ પિયરનું પાનેતર પહેરીને હું જેની સાથે ચોરી ના ચાર ફેરા ફરીને આવી હતી એ જણ તો હતો જ ને?
મને થયું ક્યારેક મને તેડવા આવશે અને કહેશે કે “હાલ, આવતી રહે.”
ભલે પત્નીનું સ્થાન ન આપે. પણ હું દાસી બનીને પડી રહેત! પણ એવા તો કેટલાયે સૂરજ ઊગ્યા ને ડૂબ્યા. એકવાર સાંકડી શેરીમાં હું કોઈની વાડીએથી દાડી કરીને પાછી વળતી હતી. ત્યાં જ એ બેય જણાં આવતા હતા. મનમાં હોંશ ઉપજી કે એનું મોઢું જોઈ લઉં. પણ જેવી હું સામે આવી કે મારી શોકયે બાવડું ખેંચીને પાછો ફેરવી લીધો અને પીઠ ફેરવી ગયા. મને થયું કે, ઓહ… જેને હું હજી મારો પતિ, મારો પુરૂષ માનતી હતી એને તો હું કશું લાગતી વળગતી જ નથી. મારું કાળજુ કરવતે કરવતે વહેરાઈ રહ્યું. જેની સાથે ચોરીના ચાર ફેરા એ આદમી ફર્યો હતો એ સ્ત્રી સાથે તમામ સગપણ એણે છોડી દીધા હતા. પણ હું હજી એનાથી છુટી પડી નહોતી. પણ એતો મારો ભરમ હતો. !એ ભરમના પરપોટા એક પછી એક આ રીતે ફૂટતા હતા સાહેબ ! મને એમ થયું કે મારી જીંદગીનો હેતું શું હતો? હું કોના માટે જીવતી હતી અને શા માટે જીવતી હતી ? (ક્રમશઃ)