(1)બિલાડી રસ્તો કાપે તો અપશુકન કેમ ગણાય છેં?

ચાંદની એમ. ધાનાણી  ( અમદાવાદ )

બિલાડીને પૂછો. એને મારા કરતાં વધારે ખબર હશે.

(2)લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. એવું કેમ ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

હવે લગ્ન કોણ કરે છે? હવે બધા મેરેજ કરે છે. અને લાડવો કોઈ ખાતું નથી એટલે એના બદલે દાબેલી રાખો. નિરાંતે ખાય તો ખરા!

(3)હું આગામી ચૂંટણીમાં ઉભો રહેવા માગું છું. કેમ થશે?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

તમે બિનહરીફ ઉભા રહેશો તોય હારી જશો!

(4)મારે સમાજને શાંતિનો સંદેશો આપવો છે.કઈ ભાષામાં આપું?

રમાબેન પટેલ(અમદાવાદ)

મૌનની ભાષામાં.

(5) મારી પાસે પાંચ રૂપિયાનો જૂનો કટાઈ ગયેલો સિક્કો છે. એ બજારમાં ચાલી જાય એ માટે કોઈ રસ્તો બતાવશો?

રામભાઈ પટેલ (સુરત)

દુકાનેથી પાંચ રૂપિયાનું કાટ કાઢવાનું લિકવિડ ઉધાર લઈ આવો. સિક્કો એમાં બોળી રાખો. કાટ જતો રહે પછી એ સિક્કો દુકાનદારને આપી ઉધારી ચૂકવી દેજો.

(6) ‘ખાલી કરવાના ભાવ’ એવી જાહેરાતનો મતલબ શું?

જય દવે (ભાવનગર)

ગ્રાહકના ખિસ્સા ખાલી કરી નાખે એવો ભાવ!

(7)તમે કદી કયારેય કોઈથી છેતરાયા છો?

ડાહ્યાભાઈ  આદ્ગોજા (લીલિયા મોટા)

એપ્રિલફુલના દિવસે મને ફોન આવ્યો કે આજે સાંજ સુધીમાં અમારા શો રૂમમાંથી કોઈપણ વસ્તુ ખરીદો તો એ અર્ધી કિંમતે મળશે. એપ્રિલફુલ માનીને હું ન ગયો. બીજા દિવસે ખબર પડી કે ઓફર સાચી હતી.

(8) ભીમ અગિયારસ નામ કેમ નામ પડ્યું હશે?

કટારીયા આશા એચ. (કીડી)

અત્યારથી રમવાનું ચાલુ કરી દીધું કે શું?

(9)તમારા હાથમાં તીર-ધનુષ્ય આવે તો પહેલું તીર કોના પર ચલાવશો ?

નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)

તમે બીક રાખો મા!

(10) પતિનાં લલાટે, વિધાતાએ શું બિનજરૂરી ટકટક જ સાંભળવાનું લખ્યું હશે કે?

કનુભાઈ લિંબાસિયા  ‘કનવર’ (ચિત્તલ)

લલાટની બાજુમાં જ  વિધાતાએ બે કાન પણ આપ્યા છે. એકથી ટકટક સાંભળો બીજાથી કાઢી નાંખો.

(11)સાદી દાળને તડકામાં રાખીને ખાવાથી દાળ તડકા નો સ્વાદ આવે?

આસિફ કાદરી (રાજુલા)

પુરીબેન પાણીનો ગ્લાસ ભરી આપે તો કાંઈ પાણીપુરીનો સ્વાદ ન આવે!

(12) મારી આજુબાજુમાં કુલ દસ છગનભાઈ રહે છે.એટલે ઘણીવાર તકલીફ પડે છે. શું કરવું?

મુકેશભાઈ ધીરુભાઈ (અમરેલી)

તમે અમેરિકા કરતાંય આગળ નીકળી ગયા. ત્યાં ગન કલ્ચર છે તમારે ‘છ’ગન કલ્ચર છે!

(13) આ ચોમાસાં વિશે તમારું શું કહેવું છે?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

આ વખતે પણ જન્માષ્ટમી અને રક્ષાબંધન એ બન્ને તહેવારો  ચોમાસામાં જ આવશે(ગયા વખતે મારી આ આગાહી સો ટકા સાચી પડી હતી,પણ જરાય ઘમંડ નહિ!).

(14) તમારું વજન કેટલું છે?

પારસ ચંદ્રેશભાઈ (જાળિયા)

એટલું ઓછું કે હું અગાશીમાંથી કૂદકો મારું તો ભફ દઈને નીચે આવવાના બદલે પીંછાની જેમ ફરતો ફરતો આવું.

(15) લાઇટબીલ ઓછું આવે એ માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી.હવે તમે કોઈ રસ્તો બતાવો.

હિતેશ પટેલ( લાઠી)

બીલ બનાવવાવાળો આવે ત્યારે જોરજોરથી રડવા માંડવું. કદાચ એને દયા આવી જાય તો ફરક પડે.