ભારતે પહલગામ આતંકવાદી એટેકના જવાબમાં ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ અંગે મોરારીબાપુએ ચાલુ કથા દરમિયાન પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારત સરકાર અને ભારતીય સેનાઓની ત્રણેય પાંખને બિરદાવી છે. મોરારીબાપુ બાપુએ કહ્યું કે, આ ઘટનામાં હું હુમલો શબ્દ નહીં વાપરું કારણ કે, આ ભારત પર આતંકી હુમલો કરનારા સામે માત્ર એક પ્રયોગ છે. ભારતીય સેનાએ જે પ્રયોગ કર્યો છે તે પાકિસ્તાન કે પાકિસ્તાનની સેના પર નહિ પરંતુ આતંકવાદી અને તેમના આકાઓ પર પ્રયોગ કર્યો છે.

આમ કહીને મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી ભારત સરકાર અને ભારતીય સેનાઓની ત્રણેય પાંખને બિરદાવતા વ્યાસપીઠ પરથી કહ્યું કે, આજ સવારે પાંચ વાગ્યે મને જાણકારી મળી કે, ભારતે આતંકનો નાશ કરવા માટે અને તેને સપોર્ટ કરવા વાળા પર રાતે ૧-૨ વાગ્યે એક પ્રયોગ કર્યો. જેમાં સૌનું સુખ છે. આ પ્રયોગ માટે આપણા વિર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રીને હું અભિનંદન પાઠવું છું.સાથે જ આપણા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ, સંપૂર્ણ કેબિનેટ તથા ખાસ આપણા દેશની આર્મીની ત્રણેય પાંખ નેવી, હવાઈ અને થલ સેનાને સાથે સંપૂર્ણ દેશને હું એક સાધુ હોવાની કારણે કહું છું કે, ‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રિતાય’ના સિદ્ધાંત આધારે થયેલા આ પ્રયોગ( હું હુમલો શબ્દ નહીં વાપરુ) છે. જે દેશ, કાળ અને પાત્રને જોઈને કરવો જેવો પ્રયોગ છે.

વધુમાં તેમણે કહ્યું કે, જે ઘટનામાં સુખ ન હોય કે, દુઃખ ન હોય તેને જ આનંદ કહેવાય છે.  મેં જે રીતે સાંભળ્યું એ મુજબ, આ પ્રયોગ કોઈ દેશ કે કોઈ દેશની આર્મી ઉપર નથી, આ ફક્ત આતંકવાદ અને આતંકવાદીઓના આકાઓ પર જ કરાયો છે. જેથી આપણા દેશના રાષ્ટ્રીય નાયકોએ ગંભીરતાથી દિવસો વિતાવ્યા, તેમને તેમની ધીરતા, વિરતા અને ગંભીરતાને બિરદાવવા લાયક છે.

ઉલ્લેખનિય છે કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ લશ્કરે તૈયબાથી જોડાયેલા પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં ભારતીય પ્રવાસીઓ પર હુમલો કરી ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરીકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે જવાબમાં જ્યાંથી આતંકવાદીઓ આવ્યા હતા, એ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી સ્થિત ૯ જેટલા આતંકવાદી લોન્ચ પેડ અને તેમના કેમ્પને ભારતીય સેનાએ ગત રાતે ૧-૨ વાગ્યાના સમયે નષ્ટ કરી નાખ્યા છે.