(1)રાજાની આગળ ના ચાલવું ને ઘોડાની પાછળ ના ચાલવું એ કહેવત કેમ પડી હશે?

હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા તા:લીંબડી)

ચાલી જુઓ એટલે સમજાઈ જશે.

(2) દિલ ઢુંઢતા હૈ ફિર વો હી ફુરસત કે રાત દિન…આ ગીત કોણે ગાયું છે?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

તાજા નિવૃત્ત થયેલા કોઈ ક્લાર્કએ ગાયું હોય એમ લાગે છે !

(3) નવો બિઝનેસ ચાલું કરવો છે. કયો કરું?

જ્યંતીભાઈ દેવમુરારી(જૂનાગઢ)

હવે જે કરવાનો બાકી રહી ગયો હોય એ.

(4) આ કમોસમી વરસાદ વિશે શું કહેશો?

રાજુ પટેલ (ધરમપુર)

હવે વરસાદ કાયમી ગણી લો. ટાઢ અને તડકો કમોસમી પડે છે એવું માની લો.

(5) ચા બનાવવાને બદલે ભૂકી જ ખાઈ લઈએ તો ન ચાલે?

જય દવે (ભાવનગર)

એમ તો ભૂકી લાવવાને બદલે  રૂપિયાની નોટ જ મોઢામાં મૂકી દઈએ તો પણ ચાલે.

(6) કરુણતાનું આ સિવાયનું બીજું કોઇ ઉત્તમ  ઉદાહરણ હશેં કે પછીં પરણેલ પુરુષનું જીવન એ જ કરુણતાનું ઉત્તમ ઉદાહરણ ગણાતું હશેં?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’  (ચિત્તલ)

હશે, જવા દોને.. હવે પસ્તાવો કર્યે શું વળવાનું?

(7) પતિપત્નીના આટલા બધા જોક્સ કેમ બનતા હશે?

વૈદેહી.એલ.પરમાર (અમરેલી)

પતિ પત્ની પણ એટલા જ બને છેને ?!

(8) આ કોલમમાં પંદર જ સવાલો કેમ?..સવાલની સંખ્યા વધારોને!

દીપ્તિ ભટ્ટ (ધંધુકા)

રંગના છાંટણા હોય, કુંડા ન હોય.

(9) તમને નથી લાગતું કે હવે કોરોનાએ જવું જોઈએ?

ઉન્નતિ મહેતા(રાજકોટ)

લાગે છેને !

(10) મેં સોનાની વીંટી બનાવડાવી છે. મારે એ જાણવું છે કે સોનામાં સુગંધ કઈ રીતે ભળે?

રામભાઈ પટેલ (સુરત)

સોનાની વીંટી લીધી એનો પ્રચાર કરવાની ખૂબ સુંદર પ્રયુક્તિ તમે શોધી કાઢી.

(11) તમે બાળપણથી અત્યાર સુધી સતત સાંભળતા આવ્યા હો એવું વાક્ય કયું?

રમાબેન પટેલ (અમદાવાદ)

મોંઘવારી બહુ વધી ગઈ છે.

(12) ઘડિયાળના ત્રણ કાંટા ભેગા થાય ત્યારે શું વાત કરતાં હશે?

દીપક સોલંકી (ઉપલેટા)

એ લોકો ભેગા થાય ત્યારે આપણી જેમ વાતો ન કરે, કામ કરે!

(13) ગુલાબના છોડને કાંટા હોય એ સમજાયું પણ બાવળને કાંટાની શું જરૂર હશે?

દ્રષ્ટિ તન્ના (જામનગર)

તમે ગુલાબની ડાળખી પકડી એ સમજાયું પણ બાવળ પકડવાની શું જરૂર પડી?

(14) છાપામાં આવતા સમાચાર પર વિશ્વાસ નથી આવતો. શું કરવું?

નનુભાઈ ગણાત્રા (અમરેલી)

છાપાં પાછાં મોકલી દેવાં.

(15) દેખાતું ન હોય એ કોઈ સાથે ભટકાઈ જાય એ બરાબર પણ દેખાતો માણસ કોઈ સાથે ભટકાય ત્યારે શું સમજવું?

દલપત સાંગાણી ( મહુવા)

આમાં એ સ્પષ્ટ ન થયું કે પેલો માણસ તમારી સાથે ભટકાયો કે તમે એની સાથે ભટકાયા?