મણિપુરમાં ગયા વર્ષથી હિંસા ચાલુ છે. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ યુદ્ધને શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. હિંસામાં ઉપયોગમાં લેવાતા હથિયારોને રિકવર કરવા માટે ૧ માર્ચથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.
ગુપ્ત માહિતીના આધારે આસામ રાઈફલ્સે મોરેહ સ્થિત ઈલોરા હોટલના સામાન્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ ૮ પિસ્તોલ, ૧૦ દેશી બનાવટના, ત્રણ હેન્ડ ગ્રેનેડ અને દારૂગોળો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળો પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જા આપવાની માંગના વિરોધમાં ૩ મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું તે પછી અથડામણો શરૂ થઈ હતી. ત્યારથી રાજ્યમાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.