આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ સવારથી શ્રીભૂમિ જિલ્લામાં સ્થળાંતર કામગીરી ચલાવી રહ્યું છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે બે જિલ્લાઓમાં ‘શહેરી પૂર’થી ૩,૩૪૮ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર રહી અને ૧૬ જિલ્લાઓમાં ૪.૪૩ લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પીડાઈ રહ્યા છે, જ્યારે બ્રહ્મપુત્રા સહિતની મુખ્ય નદીઓનું પાણીનું સ્તર ઘટી રહ્યું છે. દિવસ દરમિયાન પૂરને કારણે કોઈ મૃત્યુ થયું નથી, જાકે કામરૂપ (મેટ્રો) માં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા છે.
પૂરના કારણે ૧૬ જિલ્લાઓના ૫૪ મહેસૂલ વર્તુળો હેઠળના ૧,૨૯૬ ગામડાઓ પ્રભાવિત થયા છે અને ૧૬,૫૫૮.૫૯ હેક્ટર ખેતીલાયક જમીન હજુ પણ પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે ૨,૯૬,૭૬૫ પશુધન વર્તમાન પૂરનો ભોગ બની રહ્યા છે. ઓછામાં ઓછા ૪૦,૩૧૩ વિસ્થાપિત લોકો ૩૨૮ રાહત શિબિરોમાં રહી રહ્યા છે, જ્યારે ૧,૧૯,૦૦૧ લોકોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાપિત વિતરણ કેન્દ્રોમાં રાહત પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ અઠવાડિયે બીજી વખત બરાક ખીણની મુલાકાત લેશે. રાજ્યના આ દક્ષિણ ભાગમાં આવેલા ત્રણ જિલ્લાઓ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે,
એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂરથી વન્યજીવન પણ પ્રભાવિત થયું છે અને મોરીગાંવ જિલ્લામાં પોબિટોરા વન્યજીવન અભયારણ્યનો લગભગ ૭૦ ટકા ભાગ ડૂબી ગયો છે. પૂરના કારણે ગેંડા અને અન્ય વન્યજીવોને આશ્રય માટે ઊંચા સ્થળોએ જવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે વન વિભાગે વન્યજીવોના રક્ષણ માટે અનેક પગલાં લીધા છે, જેમાં ખોરાક પૂરો પાડવો અને શિકારીઓ પરિસ્થિતિનો લાભ ન લે તેની ખાતરી કરવી શામેલ છે. તેમણે કહ્યું કે અભયારણ્યમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, ખાસ કરીને રાત્રે.







































