આૅપરેશન સિંદૂર (જે હજુ ચાલુ જ છે તેમ સત્તાવાર રીતે વિદેશ ખાતા અને ભારતીય સેનાએ કહ્યું છે, તેમ છતાં એક તબક્કો ૧૦ મેએ પૂરો થયા પછી)ની યશોગાથા લઈને વડાપ્રધાન મોદી જે રીતે ગુજરાત, બિહાર વગેરેમાં રાડ શા કરી રહ્યા છે તે જોતાં હજુ પણ મોદીને પૂરેપૂરે ઓળખવામાં થાપ ખાતા અથવા તેમના અંધવિરોધીઓને એવું લાગે કે હવે ચૂંટણીમાં આનો લાભ ઉઠાવાઈ રહ્યો છે. પ. બંગાળમાં તો મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એવું કહ્યું પણ ખરું કે આૅપરેશન સિંદૂરની રાજનીતિ કરી રહ્યા છે અને તેમ છતાં ભાજપ પ. બંગાળમાં જીતી શકશે નહીં.
પરંતુ વડાપ્રધાન મોદી પાસે ‘વેલકમ’માં આરડીઍક્સની ગન જેવી ગન છે. તેઓ તીર એક દિશામાં છોડે છે જે ફંટાઈને કઈ બાજુ જાય છે તેની માત્ર તેમને જ જાણ હોય છે. અને તેઓ ચારે દિશામાં દૃષ્ટિ રાખીને ફટાફટ ઍક્શન લેવા જાણીતા છે. એટલે જ, એક બાજુ, કેન્દ્રીય
ગૃહ પ્રધાન અમિત શાહ ૨૮ મેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા છે. બીજી તરફ, દિલ્લી, ગુજરાત, મુંબઈ વગેરેથી બાંગ્લાદેશીઓને પકડી-પકડીને દેશપાર કરવામાં આવી રહ્યા છે. એક જણાએ તો એવી યાચિકા સર્વોચ્ચમાં કરી હતી કે રોહિંગ્યા મુસ્લિમોને પકડીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા. સર્વોચ્ચે આને ફગાવી દીધી.
ત્રીજી તરફ, પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરતા લોકો પણ એક પછી એક પકડાઈ રહ્યા છે. પાકિસ્તાન સામે યુદ્ધની સંભવિત સ્થિતિ હજુ ઊભી જ છે ત્યારે આ કામ તો બહુ પહેલેથી કરવા જેવું હતું અને અમુક અંશે બીએસએફ વગેરેમાંથી પકડાતા પણ હતા, પરંતુ અત્યારે તેની તીવ્રતા વધુ છે. એટલે પકડાયેલા જાસૂસોનાં નામોઃ ૧. અરમાન (નૂંહ, હરિયાણા) ૨. ગુજાલા (મલેરકોટલા, પંજાબ) ૩. યામીન મોહમ્મદ (મલેરકોટલા, પંજાબ) ૪. શહજાદ (રામપુર, ઉત્તર પ્રદેશ) ૫. પલક શેર મસીહ
(અમૃતસર, પંજાબ) ૬. સૂરજ મસીહ (અમૃતસર, પંજાબ), ૭. નૌમાન ઇલાહી (કૈરાના, ઉત્તર પ્રદેશ) ૮. દેવેન્દ્રસિંહ ઢિલ્લોં (કૈથલ, હરિયાણા) ૯. જ્યોતિ મલ્હોત્રા (હિસાર, હરિયાણા) ૧૦. શકૂર ખાન (જૈસલમેર, રાજસ્થાન). આમાં સૌથી ચોંકાવનારો કિસ્સો જ્યોતિ મલ્હોત્રાનો છે કારણકે તે યુટ્યૂબર હતી અને પાકિસ્તાનનાં સ્થળોનો પ્રવાસ એક વ્લાગર (વીડિયો બ્લાગરને વ્લાગર કહે છે) તરીકે બતાવતી હતી અને તે એક પાકિસ્તાનના દૂતાવાસના અધિકારી અહસાન ઉર રહિમ ઉપાખ્યે દાનિશના સંપર્કમાં આવીને પ્રેમમાં પડીને જાસૂસ બની ગઈ હતી.
હવે એવું લાગે છે કે માત્ર યુદ્ધના સમયે જ આવી કાર્યવાહી કેમ? અને નાની માછલીઓ ક્યાં સુધી પકડશો? ૨૦૨૦માં અભિનેતા આમીર ખાન બરાબર ૧૫ આૅગસ્ટે જ પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ તુર્કીમાં કરવાના બહાને ત્યાં ગયો હતો. તમે વિચારો કે આવા તો ઘણા સિતારા શૂટિંગ કરવા એકબીજા દેશમાં જતા હશે, પરંતુ તેને રાષ્ટ્રપ્રમુખનાં પત્નીની ઍપાઇન્ટમેન્ટ મળી જાય? હિન્દી કહેતાં ઉર્દૂવુડના શાહરુખ ખાન અને સલમાન ખાનનાં અગાઉ ૨૬ નવેમ્બર ૨૦૦૮ કે બીજા ત્રાસવાદી આક્રમણો વખતનાં નિવેદનો સાશિયલ મીડિયામાં ફરે છે જેમાં તેઓ પાકિસ્તાનના ગાયકો અને ખેલાડીઓ તો સારા હોવાનું કહે છે. એટલું જ નહીં, આજે પણ દિલજીત દોસાંજ, રણવીર અલાહાબાદિયા, સુષ્મિતા સેનને પાકિસ્તાનના કલાકારો સારા લાગે છે અને તક મળશે તો તેઓ પાકિસ્તાનમાં કાર્યક્રમ કરશે, ફિલ્મ શૂટિંગ કરશે તેમ કહે છે ! આ લોકો સામે કાર્યવાહી ક્યારે થશે? આમ તો આ લોકો રાફામાં હમાસના ત્રાસવાદીઓ વિરુદ્ધ ઇઝરાયેલની કાર્યવાહી સામે ‘ઍક્સ’ (ટિ્વટર) પર અભિયાન ચલાવે છે કે ‘આૅલ આય્ઝ આૅન રાફા’. પણ આૅપરેશન સિંદૂર પર મૌન કેમ છે? આ તો રીતસરની આડોડાઈ જ કહેવાય કે અમે પાકિસ્તાનની તરફેણમાં ન બોલી શકીએ તો કંઈ નહીં, પણ વિરુદ્ધેય નહીં જ બોલીએ.
અમિતાભ બચ્ચન (જેનાં પત્ની જયા બચ્ચન સમાજવાદી પક્ષનાં સાંસદ છે અને અમિતાભની પોતાની પણ નિકટતા સમાજવાદી પક્ષ સાથે છે) અનેક દિવસ ‘-‘ (એટલે કે ડેશ) પાસ્ટ કર્યા રાખ્યું. અર્થાત્ પોતે મૌન છે. અને જ્યારે લખ્યું ત્યારે વડાપ્રધાન પછી ખાલી જગ્યા રાખી. એટલે કે મોદીનું નામ ધરાર ન લખ્યું. કેમ ભાઈ? વડાપ્રધાન છે તો તેમનું નામ લખવામાં પેટમાં કેમ ચૂંક આવે છે?
હજુ પણ પાકિસ્તાનના કલાકારોને આ ઉર્દૂવુડવાળા કેમ કામ આપે છે? ૨૦૦૮ના મુંબઈ આક્રમણ પછી જ આ બંધ થવું જોઈતું હતું, પરંતુ હજુય આ ક્રમ યથાવત (બદસ્તૂર, આપ સમજે !) ચાલુ છે. એ તો આૅપરેશન સિંદૂર થયું એટલે ફવાદ ખાનની ‘અબીલગુલાલ’ ફિલ્મ મોકૂફ રખાઈ. ‘રઈશ’ના સંગીત કવરમાંથી માહિરા ખાન અને ‘સનમ તેરી કસમ’ના સંગીત કવરમાંથી માવરા હોકાનેનું ચિત્ર દૂર કરવામાં આવ્યું. એટલું જ નહીં, ‘વાયર’ના વાયડા વૃદ્ધ પત્રકાર કરણ થાપર તો પાકિસ્તાનની જ ભાષા બોલે છે અને મધુ ત્રેહાન નામનાં મહિલા પત્રકાર જે ‘ઇન્ડીયા ટૂડે’ના સ્થાપક અરુણ પુરીનાં બહેન છે, તેમણે તો પૂછી લીધું કે કરણ થાપર પાકિસ્તાનના જાસૂસ છે જેના હેન્ડલરો પાકિસ્તાનમાં છે. આ જ રીતે ભૂતકાળમાં ભાજપમાં રહીને નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે મલાઈ ખાનારા યશવંતસિંહા (વર્તમાનમાં તૃણમૂલ કાંગ્રેસના નેતા) રાજનેતા કમ ત્રાસવાદીઓ/અપરાધીઓના ધારાશાસ્ત્રી કમ યુટ્યૂબર કપિલ સિબલને એક પ્રોડકાસ્ટમાં કહે છે કે પહેલગામમાં આક્રમણ તો ચૂંટણી જીતવા વડાપ્રધાન મોદીએ કરાવ્યું હતું !
પરંતુ આૅપરેશન સિંદૂર પછી દેશને કરેલા સંબોધનમાં મોદીજીએ જે નવો સિદ્ધાંત અપનાવ્યો તે ખૂબ જ આવકાર્ય અને આક્રમક છે. ૧. આતંકવાદીઓને સમર્થન કરતી સરકાર અને આતંકવાદીઓ બંને વચ્ચે કોઈ ભેદ કરવામાં નહીં આવે. ૨. પરમાણુ શસ્ત્રોની ધમકીથી ડરી નહીં જઈએ. (ફારુક અબ્દુલ્લા, મણિશંકર અય્યર અને શરદ પવાર જેવા સેક્યુલર નેતાઓ અને કેટલાક સેનામાં જઈ આવેલા સામ્યવાદીઓ જે રક્ષા વિશેષજ્ઞ બનીને ટીવી પર આવતા હોય છે તેઓ આવું આક્રમણ થતું ત્યારે દર વખતે ભારતને ડરાવવા લાગી પડતા) ૩. હવે કોઈ પણ ત્રાસવાદી આક્રમણ થશે તો તેને યુદ્ધનું કૃત્ય જ ગણવામાં આવશે.
એટલું જ નહીં, તે પછી ભૂજમાં ૨૬ મેએ એક જનસભાને સંબોધતાં મોદીજીએ જે કહ્યું તે પાકિસ્તાનમાં જનતાનો વિદ્રોહ જગાવવા પૂરતું છે. તેમણે પાકિસ્તાનની જનતાને કહ્યું કે આજે ભારત વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બની ચૂક્યું છે ત્યારે તમે લોકો ક્યાં છો? તમે આતંકવાદ ફેલાવીને શું મેળવ્યું? તમારી સરકાર અને સેના આતંકવાદીઓને સાથ આપી રહી છે. પાકિસ્તાનની જનતાએ નક્કી કરવાનું છે અને (સરકાર અને સેના સામે) આગળ આવવું પડશે. સુખશાંતિની જિંદગી જીવો, રોટી ખાવ, નહીં તો મારી ગોળી તો છે જ.
અર્થાત્ તમે જો આ આતંકવાદીઓને સમર્થન કરતી સરકાર અને સેના સામે નહીં પડો, તેમને નહીં કાઢો તો પછી તમારા આતંકવાદના કારણે અમે કાર્યવાહી કરીએ અને તેમાં તમારો મરો થાય, કહેવાતા નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થાય તો અમને દોષ ન આપતા. મોદીજીનો આ સંદેશ વિશ્વ માટે પણ હતો.
એક જબરદસ્ત પગલું મોદીજીએ સર્વપક્ષીય સંસદીય મંડળને વિદેશમાં મોકલીને ભર્યું છે. આનાથી કાંગ્રેસમાં આંતરિક કલહ પણ થયો છે. શશિ થરૂર જેવા નિવડેલા રાજદ્વારી અને અસદુદ્દીન ઓવેસી જેવા હાડોહાડ વિરોધી, જે આૅપરેશન સિંદૂર વખતે અને તે પહેલાં ખુલીને મોદી સરકારના સમર્થનમાં આગળ આવ્યા, તેમના સહિતના સાંસદોને વિદેશમાં પાકિસ્તાનને ઉઘાડું પાડવા મોકલ્યા. કાંગ્રેસ કહે છે કે શશિ થરૂર ભાજપના અઘોષિત પ્રવક્તા બની ગયા છે, તેના ઉત્તરમાં ભાજપે કહ્યું કે કાંગ્રેસ પાકિસ્તાનની વિરુદ્ધ બોલવાના બદલે પોતાના જ નેતા પર મિસાઇલ દાગી રહી છે.
પણ શશિ થરૂરે પનામા દેશમાં જઈને જે કહ્યું તે કાંગ્રેસ માટે લપડાક સમાન તો છે જ, કાંગ્રેસની ઇકા સિસ્ટમના ભાગ અને ભાજપમાં પણ દૂધદહીંની જેમ પગ રાખતા નકલી ગાંધીવાદીઓ માટે પણ છે. શશિ થરૂરે પનામામાં જઈને કહ્યું કે ગાંધીનો દેશ હવે માર ખાવા બીજો ગાલ આગળ નહીં ધરે. ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ કહ્યું હતું કે કોઈ તમને એક લાફો એક ગાલે મારે તો બીજો ગાલ આગળ ધરવો. ‘લગે રહો મુન્નાભાઈ’માં ટપોરી ગાંધીવાદી (આમેય ગાંધીજીને ટાંક્યા રાખતા અને મોહન નામ કામન હોવાના કારણે શ્રી કૃષ્ણ સાથે મોહનદાસ ગાંધીને સરખાવતા કલમઘસુઓ ટપોરી જેવા જ હોય છે- ગાળાગાળી કર્યા રાખે, અશ્લીલતા ફેલાવે રાખે) મુન્નો બે ગાલ પર લાફા પડે છે પછી કહે છે કે ગાંધીજીએ એ નથી કહ્યું કે ત્રીજો લાફો પડે તો શું કરવું? અને સામે એક જોરદાર લપડાક મારે છે. એ તો ફિલ્મની વાત થઈ. યુપીએ સરકારમાં બુઝાઈ ગયેલા બોદા ગાંધીવાદને ફરીથી જગાવવા માટે હિન્દુ વિરોધી રાજકુમાર હિરાણીએ (અંગત રીતે એની મેકિંગ સ્ટાઇલ, સંગીત ગમે છે, પરંતુ તે પૂરતું નથી) ‘લગે રહો મુન્નાભાઈ’ બનાવી હતી. પણ શશિ થરૂરે કહ્યું તે પણ નવો સિદ્ધાંત – ડાક્ટ્રાઇન જ છે, કે હવે ભારત વિરુદ્ધ કોઈ પણ હિંસક કાર્યવાહી થશે તો ભારત ગાંધીવાદને અપનાવીને ચૂપ નહીં બેસી રહે.
આ બધાની વચ્ચે પૂર્વમાં પણ શું બની રહ્યું છે તે જોવું આવશ્યક છે. જ્યારે પાકિસ્તાન સામે આૅપરેશન સિંદૂર (ચરણ-૧) થઈ રહ્યું હતું ત્યારે બાંગ્લાદેશના નિવૃત્ત સેના અધિકારી આલમ ફઝલુર રહમાને બાંગ્લાદેશ સરકારને સલાહ આપી હતી કે જો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ કરે તો બાંગ્લાદેશે પણ પાકિસ્તાનને સાથ આપી, ઈશાન (એટલે કે ઉત્તર-પૂર્વ) રાજ્યો પર ચડાઈ કરીને તે પડાવી લેવાં જોઈએ. એવું ન માનવું કે બાંગ્લાદેશના પૂર્વ અધિકારી તો બફાટ કરે. અમેરિકાના ડેમોક્રેટ બાઇડેન સત્તામાં હતા ત્યારે અમેરિકી રાજદ્વારીઓએ ભજવેલી ભૂમિકાના કારણે શૈખ હસીના સામે વિદ્રોહ પછી તેમના માનીતા લેફ્ટ-લિબરલ અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનૂસ સત્તામાં બેઠા પછી બે વાર ભારતનાં સાત ઈશાન રાજ્યોને સ્વતંત્ર ગણાવવાની કુચેષ્ટા (ગુસ્તાખી, આપ સમજે !) કરી ચૂક્યા છે. એક વાર, તેમણે ચીનને બાંગ્લાદેશની આ સીમાએ મૂડીરોકાણ કરવા આહ્વાન કર્યું હતું અને તે પછી નેપાળની સંસદના ઉપાધ્યક્ષ સાથે બેઠકમાં આ કહ્યું.
બાંગ્લાદેશમાં યુનૂસે શૈખ હસીના અને તેમના પક્ષ અવામી લીગ સામે તો જબરદસ્ત ભરડો લઈ પ્રતિબંધ મૂકી દીધો છે, પણ શૈખ હસીનાનાં હરીફ પક્ષ બીએનપી અને યુનૂસના પોતાના સાથીઓ યુનૂસને નચવી રહ્યા છે, સેના પણ યુનૂસથી પ્રસન્ન નથી, જેના લીધે યુનૂસે ત્યાગપત્રની ધમકી આપી હતી. શિક્ષકો પણ ત્યાં રસ્તા પર આવી આંદોલન કરી રહ્યા છે. કહેવાની આવશ્યકતા નથી કે જો અમેરિકા અને ચીન બાંગ્લાદેશમાં ખેલ પાડી શકતા હોય તો ભારત પણ ખેલ પાડતું જ હોય. આટલાં વર્ષોમાં કાંગ્રેસ-ભાજપની વિવિધ સરકારો સમયે ભારતમિત્ર શૈખ હસીના બાંગ્લાદેશમાં સતત ચૂંટાતાં હોય તો એ ખેલ સમજી શકાય તેમ છે.
પરંતુ ખેલ બાંગ્લાદેશમાં જ નથી ભજવાઈ રહ્યો, ભારતની અંદર પણ સાવચેતીના પગલાં તુરંત લેવાઈ રહ્યાં છે. તાજેતરમાં (૨૩ મેએ) નવી દિલ્લીના ભારત મંડપમ્માં ‘રાઇઝિંગ નાર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૫’ બોલાવાઈ હતી. તેમાં વડાપ્રધાન મોદીએ ઈશાન ભારતના વિકાસની વાત કરી. અને રિલાયન્સના મૂકેશ અંબાણી, અદાણી સમૂહના ગૌતમ અદાણી અને વેદાંતના અધ્યક્ષ અનિલ અગરવાલ એ ત્રિપુટીએ સાથે મળીને રૂ. ૧.૫૫ લાખ કરોડના મૂડીરોકાણની ઘોષણા કરી. આમ, ચીન સાથે મળીને યુનૂસ બાંગ્લાદેશમાં ઈશાન ભારતને છૂટું પાડવા મૂડીરોકાણનું સ્વપ્ન હજુ તો જોતા હતા ત્યાં મોદીજીએ મૂડીરોકાણનું આવરણ મૂકી દીધું.
આ તરફ, બાંગ્લાદેશની સીમાએ આવેલા એક રાજ્ય આસામમાં તો ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી, વિશેષતઃ કાંગ્રેસમાંથી આવેલા હેમંત વિશ્વ શર્મા મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી, ત્યાં મદરેસાઓ, કટ્ટરવાદ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. (ગુજરાતમાં એ ક્યારે થશે?) પરંતુ તાજેતરમાં તેમણે જે પગલું ભર્યું તે જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૮-૯૯માં એનડીએ સરકાર હતી ત્યારે કેન્દ્રીય
ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ભરેલાં પગલાંનું સ્મરણ કરાવે છે. અડવાણીજીએ ત્યારે કાશ્મીરમાં સ્વ રક્ષા સમૂહો એટલે કે સેલ્ફ ડીફેન્સ ગ્રૂપો ઊભાં કરેલાં. એટલે કે સ્થાનિક નાગરિકોને શસ્ત્રનું પ્રશિક્ષણ આપી તેમને શસ્ત્રો આપેલાં. આ કામ મોદી સરકારનાં ૧૧ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં નથી થયું. થવું જોઈતું હતું. પરંતુ હેમંત વિશ્વ શર્માએ આસામના બાંગ્લાદેશ સીમા પાસે આવેલા મૂળ નિવાસી લોકોને શસ્ત્રો આપવાનો નિર્ણય કરી જબરદસ્ત અને આવકાર્ય પગલું ભર્યું છે. આ કામ અત્યારે યુદ્ધની સ્થિતિ છે ત્યારે ભારતના સીમાવર્તી રાજ્યોમાં કરવા જેવું છે.
આ ઉપરાંત હેમંત વિશ્વ શર્માએ જે નિવેદન કર્યું છે તે પણ ભારતની નવી આક્રમક નીતિ બતાવે છે. તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશના યુનૂસ જો ભારતને ચિકનનેક (મરઘાની ડોક જેવા આકારના સિલિગુડી)થી તોડવાનું સપનું જોતા હોય તો સમજી લે કે બાંગ્લાદેશમાં પણ બે-બે ચિકનનેક છે. હેમંતદાએ તેનો નકશો પણ મૂક્યો છે. આ ચિકનનેક છે- ઉત્તર બાંગ્લાદેશ કારિડાર. આ જગ્યા પ. બંગાળ અને મેઘાલય વચ્ચે ૮૦ કિમી લાંબો જમીનનો ટુકડો છે. બીજું છે ચટગાંવ કારિડાર. એટલે કે ભારત પણ બાંગ્લાદેશના ત્રણ ટુકડા કરી શકે છે. આવનારા દિવસો ભારતીય ઉપખંડનો નકશો અને ઇતિહાસ બદલી નાખનારા રહેશે, તેમ લાગે છે.
ભારતીય ઉપખંડમાં, ઘણાં ઘટનાક્રમો એવા બની રહ્યા છે જે આવનારા દિવસોમાં તેનો નકશો અને ઇતિહાસ બદલી નાખનારા બની રહેશે. એક તરફ, મોદીજીએ પાકિસ્તાન (= આતંકવાદ)ના સંદર્ભમાં નવો સિદ્ધાંત અપનાવ્યો છે તો બીજી તરફ, તેમણે મોકલેલા શશિ થરૂરે વિદેશમાં જઈને કહ્યું છે કે ગાંધીજીનો દેશ હવે બીજા ગાલે તમાચો નહીં ખાઈ લે.
jaywant.pandya@gmail.com











































