આસામના નગાંવ જિલ્લામાં બટાદ્રવા પોલીસ સ્ટેશનને આગ લગાડવાના મામલામાં ૬માંથી ૫ આરોપીઓ વિરૂદ્ધ યુએપીએ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે કહ્યું હતુ કે, આગ લગાડવાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં મૃતક માછલીના વેપારી સફીકુલ ઈસ્લામની પત્ની અને સગીર પુત્રીનો સમાવેશ થાય છે.
એ યાદ રહે કે શનિવારે ટોળાએ નગાંવના બટાદ્રવા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. નગાંવના એસપી લીના ડોલેના જણાવ્યા અનુસાર, વીડિયો ફૂટેજમાં મૃતકની પત્ની અને પુત્રી બંને પોલીસ સ્ટેશનને આગ લગાવતા જોઈ શકાય છે. ધરપકડ કરાયેલા લોકો પણ મૃતકના સંબંધીઓ છે. ડોલે કહ્યું હતું કે, સગીરને કિશોર ન્યાય નિયમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ડોલે કહ્યું હતું કે, ઘટના બાદ ૩ કેસ નોંધવામાં આવ્યા હતા. પહેલો કેસ સફીકુલના કસ્ટોડિયલ મૃત્યુના સંબંધમાં અકુદરતી મૃત્યુ, બીજો પોલીસ સ્ટેશન આગનો અને ત્રીજો યુએપીએ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પહેલા ૨ કેસ બટાદ્રાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે અને ત્રીજો યુએપીએનો કેસ ધિંગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
ડોલે કહ્યું હતું કે અમને આરોપીઓની ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી છે. આતંકવાદી સંબંધોની પૃષ્ટિ કરવા માટે તેમણે બારપેટા અને બોંગાઈગાંવ જિલ્લાઓમાં પોલીસનો સંપર્ક કર્યો છે.
ડોલાએ જણાવ્યું હતું કે, શનિવારે ટોળું પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યું હતું. સફીકુલના મૃત્યુનો ફોરેન્સિક રિપોર્ટ હજુ તૈયાર નથી. અમે તેના મૃત્યુની પણ તપાસ કરી રહ્યા છીએ. પોલીસે શુક્રવારે રાત્રે કથિત રીતે દારૂના નશામાં સફીકુલની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે, તેમનું મૃત્યુ અસ્વસ્થતાને કારણે થયું હતું. સફીકુલના પરિવારનો આરોપ છે કે, પોલીસે તેને છોડાવવા માટે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ અને એક બતકની માંગણી કરી હતી. ત્યારબાદ તેને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. શનિવારની ટોળાની હિંસા અને આગચંપી બાદ અધિકારીઓએ રવિવારે પોલીસ સ્ટેશનને કથિત રીતે આગ લગાડનારા લોકોના ઘરો તોડી પાડ્યા હતા. તેમાં મૃતક સફીકુલનું ઘર પણ સામેલ હતું.