ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું આજે અમદાવાદની ઝાયડસ હાસ્પીટલમાં સારવાર દરમિયાન નિધન થયુ છે. આશાબેનની તબિયત લથડતા તેમને ઝાયડસમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલેલે જણાવ્યું હતું. આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે. આશાબેનના નિધન પર તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
આશાબેનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા ટ્‌વીટ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યું- ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્‌ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી…?
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર આશાબેન પટેલે પોતાના ટિવટર પેજ પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો.