“આવ બકા આવ.. દિવાળી પછી ઓછો કાં દેખાણો. ”
બોસે હાથમાં મસાલો મસળતાં બકાને આવકારો આપ્યો.
“બોસ, હમણા ક્યાં નવરાઈ જ મળે છે. ધંધે લાગી ગયા છીએ.”
“કેમ કેમ ? આવડું મોટું શું કામ પાડ્યું છે? કાંઈ સરકારી બરકારી કામ રાખ્યું છે?? જોજે હો..! મારું કમીશન ભુલાઈ નઈ.”
“તમને લાગે છે કે.., સરકારી કામ આપણા હાથમાં આવે ? અને આપણે એવા રૂપિયા ખાયને દખી થાવું ય નથી. અર્ધો રોટલો ખાવો પણ નિરાંતનો ખાવો.”
“તો પછી આટલો કામમાં કેમ છો?”
“અપડેટ્સ અપડેટ્સ..! આ સરકાર ધીમે ધીમે હંધૂય અપડેટ્સ કરાવે છે. રેશન કાર્ડને અપડેટ્સ કરો. ફાર્મર હોય તો ખેતીના ચોપડા અપડેટ્સ કરાવો. વિગેરે વિગેરે..”
“અરે પણ આ બધું અપડેટ્સ કરીને જાવું છે ક્યાં??”
“દવાખાને. બીજે વળી ક્યાં.”
“કેમ દવાખાને? ન્યા વળી કોને અપડેટ્સ કરવાં છે !??”
“માણસને… માણસ જુનો થાય તો એને ય અપડેટ્સ કરવો પડે ને ..!!”
“બકા ..! તું વળી આ નવું લાયો. ભગવાન સિવાય માણસને કોણ અપડેટ્સ કરે ?”
“લો કર લો બાત!! ખ્યાતિ હોસ્પિટલ જેવી ગુજરાતમાં અનેક હોસ્પિટલ છે. એ માણસને અપડેટ્સ કરી રહી છે. અને એય તે પાછું મફતમાં.”
“ઓહોહો..! ગુજરાતનું મેડિકલ સાયન્સ ઘણું આગળ વધ્યું. માણસને ય અપડેટ્સ કરવાં સુધી પહોંચી ગયું. મોદી સાહેબ દિલ્હી ગયા પછી ગુજરાતે ઘણી પ્રગતિ કરી હોં.
પણ..! બકા મને ઊંડે ઊંડે શંકા છે કે .., માણસ એવું પ્રાણી છે. એને ભગવાન સિવાય કોઈ અપડેટ્સ ના કરી શકે. તો પછી..! આ અપડેટ્સની રેસિપી આપણાં ડોક્ટરો લાવ્યાં ક્યાંથી ??”
“એમાં બોસ એવું છે કે, આ કામ એકલાં ડોક્ટર ના કરી શકે. એટલે એમણે જાણી જોઈને નેતાઓને ભેળવ્યા. જે નેતા પાસે કોથળામાં પાંચશેરી છે. એ હંધાયને ભેગા લીધા.”
“બકા બકા. મને કાંઈ સમજાય એવું બોલ. નકર મારે ય હવે અપડેટ્સ થવાં જાવું પડશે.
પણ આ અપડેટ્સ વાળું છે હું??”
“બોસ બોસ. મોદી સરકારને હંધૂય આંગળીને ટેરવે લાવી દેવું છે. તમે એક આંગળી મૂકોને થઈ થાવાનું એ કઈ દેહે.”
“તો તો બકા ભારે કરી. આપણે આવું અપડેટ્સ નથી કરવું.”
“તમારે અપડેટ્સ કરવું હોય કે ના કરવું હોય. તમે ઈ બાજું નજર કરી કે તમારું નામ લખાય જાય.
તમારો મફતમાં ચેક અપ થઈ જાય. જાત જાતના અને ભાત ભાતના રિપોર્ટ બની જાય. તમને નાનકડી બીમારી હોય ઈ તો આવે તો આવે. પણ તમને કોઈ જાતની બીમારી ના હોય ઈ પેલાં આવે.
એડવાન્સમાં એને ખબર પડી જાય. આવી તો એની પાંહે અદ્યતન મશીનરી છે.”
“હા પણ..! આપણે ન્યાં સુધી જાવું તો પડે ને..!!
તો આ બધું બતાવે ને.”
“ના ના ના બોસ. તમારે ન્યાં જાવાની કોઈ જરૂર જ નથી. એ લોકો જ તમારી પાહે આવે. સેવા કોને કહે. તમારી આજુબાજુ આવો સેવાનો કેમ્પ ગોઠવાય. મોટા મોટાદ્ ડોક્ટરો ? ના બોર્ડ લાગે.
નેતાઓ મતના બદલામાં તમારી સેવા ચાકરી કરવા તમને આમંત્રણ આપે.”
“ઓ હો હો હો. મતદારોનું સરકાર આટલું બધું ધ્યાન રાખે છે. ઈ પેલી વાર હાંભળ્યુ.”
“તમે બોસ વારે વારે સરકારનું નામ ના લો. આમાં સરકાર કાંઈ કરતાં કાંઈ કરતી જ નથી.
સરકારનાં નામે આ લોકો જ ચરી ખાય છે. સરકારને ચૂનો ચોપડીને રૂપિયા બનાવે છે.”
“બકા. મને હજીય કાંઈ હમજણનો ટપો પડતો નથ.
તું કાંઈ ફોડ પાડીને વાત કર તો હૂજકો પડે.”
“જૂઓ.., મોદી સરકારની નાના માણસો માટે દવાખાનાની એક હારી યોજના છે. (પી એમ જય)
આમાં દર્દીને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં થાય છે.
હવે આ કેટલાક કસાઈ. સોરી સોરી ડોક્ટરોએ નેતાજી સાથે મળીને નોટ છાપવાનું મશીન બનાવી નાખ્યું.
ઠેક ઠેકાણે આવી હોસ્પિટલો ઊભી થઈ ગઈ.
દર્દી આવ્યો નથી ને ચીર્યો નથી.
ઠેક ઠેકાણે સર્વ નિદાન કેમ્પ થાય. હાસા ખોટા રિપોર્ટ બને. શેરમાં લઈ જાય કારણ વગરના ઓપરેશનો કરે અને સરકાર પાંહેથી રૂપિયા પડાવે.
આવી હોસ્પિટલો લગભગ દરેક શહેરમાં ફૂટી નીકળી છે. અભણ જેવો માણસ જાય તો જાય ક્યાં??”અભણ અમથાલાલ ક્યારના બધું હાંભળી રહ્યા હતા.
“બકા !! આ ભોળા માણસો ડોક્ટરને ભગવાન પછીનો બીજો દરજ્જો આપતાં હતા. ભલે બધા આવા નથી પણ જેટલાં છે એ આવા હલકાં ધંધા કરે ઈ હારું ના કેવાય. અને સરકારની એક હારી યોજનાનો ગેરફાયદો ઉઠાવે એ પણ ખરાબ કેવાય. આવા ડોક્ટરોને ભગવાન આવતા ભવે દર્દી બનાવે.”