એવિએશન મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજીવ બંસલે કહ્યું કે લાંબા સમયથી પ્રભાવિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન વર્ષના અંત સુધીમાં નોર્મલ થઈ શકે છે. કોરોના મહામારીના કારણે ગત માર્ચમાં શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્‌સને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
જોકે પ્રતિબંધોમાં ઢીલ અને કોરોના વેક્સિનેશનનું કવરેજ વધવાની સાથે ભારતે કેટલાક દેશોની સાથે એર બબલ એરેન્જમેન્ટ અંતર્ગત ફ્લાઈટ શરૂ કરી છે. હાલ ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ સહિત ૩૧ દેશોની સાથે એર બબલ એરેન્જમેન્ટ કરી છે.
સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હું ગૃહ અને સ્વાસ્થ્ય જેવા કેન્દ્રીય મંત્રાલયોની સાથે શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સને ફરીથી શરૂ કરવાના મુદ્દા પર કામ કરી રહ્યો છું. કેટલાક દેશોમાં કોવિડના મામલા ફરીથી વધવાને કારણે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આશા છે કે ઝડપથી અંતર-મંત્રાલયની ચર્ચા કોઈ નિર્ણય પર પહોંચી જશે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સની જેમ જ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ પણ લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી. જોકે બે મહિનાના બ્રેક પછી મે ૨૦૨૦માં લિમિટેડ કેપેસિટીની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ગત મહિને જ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌ને પુરી ક્ષમતાની સાથે ઉડાનની પરવાનગી આપવામાં આવી છે.
કોરોના આવતા પહેલા એક દિવસમાં ઘરેલુ રૂટ પર ૪ લાખ મુસાફરો યાત્રા કરતા હતા. ૨૫ મે ૨૦૨૦ના રોજ જ્યારે ફ્લાઈટ શરૂ થઈ તો ૩૦ હજોર યાત્રી રોજ યાત્રા કરતા હતા. હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ૩૦ નવેમ્બર સુધી સસ્પેન્ડ છે.
શેડ્યૂલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાંબા સમયથી સસ્પેન્શનના કારણે મોટાભાગની એરલાઈન્સની નાણાંકીય સ્થિતિને અસર થઈ છે. વિસ્તારાએ કહ્યું હતું કે એવિએશન ક્ષેત્રના રિવાઈવલની તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. એ કહેવું વહેલુ ગણાશે કે એવિએશન ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે સંકટમાંથી બહાર આવી ચૂકી છે.