આર્યન ડ્રગ્સ કાંડનો ધ એન્ડ આવી ગયો.
હિંદી ફિલ્મોના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન અંતે નિર્દોષ જાહેર થઈ ગયો. 20121માં ગાંધી જ્યંતિ એટલે કે 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જતી લક્ઝૂરિયઝ ક્રૂઝ પરની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે રેડ કરીને આર્યન ખાનને પકડ્યો ત્યારે ભારે ઉહાપોહ થયેલો.
હવે સાત મહિના પછી એનસીબીએ કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં આર્યનનું નામ જ નથી. એક સમયે આર્યન ખાન ડ્રગ્સનો બંધાણી હોવાનું ચિત્ર ઉભું કરનારી એનસીબીએ જ આર્યનને ક્લીન ચીટ આપી છે. આર્યને પાસેથી ડ્રગ્સ નથી મળ્યું કે ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલો હોવાના પુરાવા નથી મળ્યા એવું પણ કહ્યું છે. આ કેસની તપાસ મુંબઈ એનસીબી પાસેથી લઈને દિલ્હી એનસીબીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપાયેલી. આ ટીમે શંકા વ્યક્ત કરી છે કે, આર્યન ખાનને ફસાવવા માટે ખોટો કેસ ઉભો કરાયો હોઈ શકે છે.
આર્યન ઝડપાયો ત્યારે સમીર વાનખેડે મુંબઈમાં એનસીબીના ઝોનલ ડિરેક્ટર હતા. પછી તેમની બદલી ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)માં કરી દેવાયેલી. આ કેસમાં એનસીબીએ કરેલી કહેવાતી ભૂલો બદલ વાનખેડે સામે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે તેના કારણે એવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે કે, વાનખેડેએ આર્યનને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હતું.
///////////
આર્યન કાંડમાં ખરેખર વાનખેડે જ વિલન છે ?
એનસીબીની ટીમ 2021માં 2 ઓક્ટોબર ને ગાંધી જ્યંતિની રાત્રે મુંબઈથી ગોવા જતી લક્ઝૂરિયઝ ક્રૂઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ ત્રાટકી ને દરોડામાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ઝડપાયો ત્યારથી આ સવાલ ઉઠતો રહ્યો છે. વાનખેડે સામે આક્ષેપો થતા રહ્યા છે અને હવે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાનખેડે સામે ખાતાકીય તપાસના આદેશ આપી દીધા છે.
આ તપાસમાં શું બહાર આવશે એ ખબર નથી પણ વાનખેડેનું વર્તન શંકાસ્પદ છે જ. સૌથી પહેલાં તો વાનખેડેએ આ દરોડામાં એનસીબીના ના હોય એવા લોકોને કેમ સામેલ કર્યા એ મોટો સવાલ છે. ભાજપના કાર્યકર મનિષ ભાનુશાળી અને પ્રાઈવેટ ડીટેક્ટિવ કિરણ પી. ગોસાવીની આ કેસમાં ભૂમિકાના કારણે વાનખેડે પહેલેથી શંકાના દાયરામાં છે.
એનસીબીને દાવો કરેલો કે, ભાજપના કાર્યકર મનિષ ભાનુશાળીએ ડ્રગ્સ પાર્ટીની માહિતી આપી પછી એનસીબીએ ખાનગી ડીટેક્ટિવ કે.પી. ગોસાવીને આર્યન ખાન સહિતના નબિરાઓ પાછળ લગાવી દેવાયેલા.
સવાલ એ છે કે, વાનખેડેએ એનસીબીના માણસોને બદલે ખાનગી ડીટેક્ટિવને આ કામ કેમ સોંપ્યું ?
આ સવાલનો કોઈ જવાબ મળતો નથી. કે.પી. ગોસાવીની શાહરૂખના દીકરા આર્યન સાથેની સેલ્ફી વાયરલ થઈ છે એ જોતાં વાનખેડેએ કામ સોંપ્યા પહેલા જ ગોસાવી આર્યનને ઓળખતો હોવાની શંકા છે. આર્યન ડ્રગ્સ લેતો હતો તેમાં શંકા નથી. આ સંજોગોમાં વાનખેડેએ આર્યનને રંગે હાથ પકડવા ગોસાવી સહિતના તેના નજીકના માણસોને સાધ્યા હોવાની શક્યતા છે.
આ ગોસાવી સામે પણ આક્ષેપ થયા છે.
ગોસાવીનો પર્સનલ બોડીગાર્ડ હોવાનો દાવો કરતા પ્રભાકર સૈલનો દાવો છે કે, એનસીબીના વાનખેડે સહિતના અધિકારઓ અને ગોસાવી વચ્ચે આર્યનને ફસાવવા સોદાબાજી થઈ હતી. વાનખેડેએ ગોસાવીને પૈસા આપ્યા હતા. સૈલે એફિડેવિટ કરી છે કે, પોતે ગોસાવીની સતત સાથે રહેતો તેથી તેણે અધિકારીઓ સાથેન તેની વાતચીત પરથી જાણેલું કે, આ સોદો 18 કરોડ રૂપિયાનો હતો. શાહરૂખના છોકરાને નહીં ફસાવવા સમીર વાનખેડેએ 25 કરોડ રૂપિયાની લાંચ માગી હતી એવા આક્ષેપો પણ થયા છે.
આ વાતોની તપાસ થઈ જ નથી.
////////////////////
વાનખેડે બીજી રીતે પણ શંકાસ્પદ છે.
હાલમાં દાઉદ ઈબ્રાહીમ સાથેના સંબંધોના કારણે જેલની હવા ખાઈ રહેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિકે વાનખેડે સામે શ્રેણીબધ્ધ આક્ષેપ કરેલા. વાનખેડેનો આક્ષેપ છે કે, વાનખેડે ડ્રગ્સના મોટા કેસમાં પોતાના પરિવારના મિત્ર ફ્લેચર પટેલને જ સાક્ષી બનાવે છે કે જેથી તોડ થાય ત્યારે પટેલ ફરી જાય. આ રીતે પટેલને ડ્રગ્સના ત્રણ કેસમાં સાક્ષી બનાવ્યા હોવાનો દાવો કરીને મલિકે બંને વચ્ચેના સંબંધોના તપાસની માગણ કરેલી. સમીર વાનખેડે મુસ્લિમ છે અને બોગસ દસ્તાવેજોના જોરે નોકરી લીધી છે તેનો પણ વિવાદ છે.
વાનખેડેના પિતા મુસ્લિમ હતા ને તેમનું નામ ધ્યાનદેવ નહીં પણ દાઉદ છે એવા આક્ષેપો થયા હતા. વાનખેડેના પિતાએ ચોખવટ કરી હતી કે, સમીરની માતા ઝાહિદા મુસ્લિમ હતી પણ હું હિંદુ છું, મારું નામ પણ ધ્યાનદેવ જ છે, દાઉદ નથી. મારો પરિવાર પણ હિંદુ છે.
સમીરે પણ સ્પષ્ટતા કરી હતી કે, તેના પિતા ધ્યાનદેવ કચરૂજી વાનખેડે રાજ્યના એક્સાઈઝ ડીપાર્ટમેન્ટમાં પૂણેમાં સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર હતા, 2007ના જૂન મહિનામાં રીટાયર્ડ થયા હતા.મેં 2006માં ડો. શબાના કુરેશી સાથે લગ્ન કરેલાં ને દસ વર્ષ પછી 2016મા પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા એ પહેલાં દીકરો થયો તેના બર્થ સર્ટિફિકેટમાં પણ પિતાનો ઉલ્લેખ ધ્યાનદેવ તરીકે જ હતો. સમીરે 2017માં એક્ટ્રેસ ક્રાન્તિ રેડકર સાથે લગ્ન કરેલાં. રેડકરે પણ પોતાનો આખો પરિવાર હિંદુ હોવાનું કહ્યું છે.
આર્યન કેસ સાથે આ વાતોને કોઈ સીધો સંબંધ નહોતો કેમ કે આ અંગત વાતો છે. અલબત્ત આ વાતોના કારણે વાનખેડેનું કેરેક્ટર શંકાસ્પદ હોવાનું ચોક્કસ લાગે જ. જે માણસ પોતાની ઓળખ છૂપાવવા પ્રયત્ન કરે ને ખોટું બોલે એ માણસ આર્યનને ફસાવવા ખોટું પણ કરી જ શકે.
///////////////
વાનખેડે સામે શંકા માટે બીજું પણ કારણ છે.
આર્યનની ધરપકડ પછી વાનખેડેએ બોલીવુડના સ્ટાર ચંકી પાંડેની દીકરી અનન્યાને પણ લપેટવા પ્રયત્ન કર્યો હતો. લક્ઝૂરિયઝ ક્રૂઝ પર દરોડા વખતે એનસીબીની ટીમે આર્યનનો ફોન તપાસ્યો હતો. ફોનમાં આર્યન ખાનની અનન્યા સાથેની ચેટ હતી. તેમાં ડ્રગ્સનો ઉલ્લેખ હોવાનો દાવો કરીને એનસીબીએ અનન્યાના મુંબઈના બાંદ્રા તથા પાલી હિલમાં આવેલા ઘરે દરોડા પાડીને તેના મોબાઈલ, લેપટોપ સહિતનાં ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ કબજે લીધાં હતાં.
એનસીબીની ટીમ અનન્યાના ઘરે પહોંચી ત્યારે અનન્યા ગાયબ હતી તેથી એનસીબીએ તેને બીજા દિવસે એનસીબીની ઓફિસે હાજર થવા ફરમાન કરેલું. અનન્યા આ ફરમાનને ઘોળીને પી જઈને હાજર ના થઈ.
અનન્યા સામે એ પછી કશું ના થયું. એનસીબીએ અનન્યા સામે ના કોઈ કેસ કર્યો કે ના તેની પૂછપરછ કરી. સવાલ એ છે કે, અનન્યા ડ્રગ્સ રેકેટમાં સામેલ હોય તો તેની સામે કેમ કોઈ કેસ ના નોંધાયો ? એનસીબીએ અનન્યાના ત્યાંથી લીધેલાં લેપટોપ વગેરેમાંથી શું મળ્યું તેનો પણ કોઈ ખુલાસો આજ દિન સુધી નથી કર્યો.
વાનખેડે મોટો હાથ મારવા અનન્યાને ફસાવવા મથતા હોય એ શક્ય છે.
////////////////////
સૌથી મોટો સવાલ એ છે કે, વાનખેડેએ પોતાની રીતે આ બધો ખેલ કર્યો ?
વાનખેડે મોટા અધિકારી હતા, એનસીબીના મુંબઈના ઝોનલ ડિરેક્ટર હતા તેથી તેમની પાસે ઘણી બધી સત્તાઓ હતી પણ સામે શાહરૂખ પણ રેંજીપેંજી માણસ નથી, બોલીવુડનો સુપરસ્ટાર છે, રાજકીય વગ ધરાવતો માણસ છે. તેના દીકરા પર કોઈ પણ પ્રકારના પુરાવા વિના હાથ નાંખવાનાં ગંભીર પરિણામો આવી શકે એ વાતની ખબર વાનખેડે જેવા ઘાટ ઘાટનાં પાણી પી ચૂકેલા ને જાત જાતના ખેલ કરી ચૂકેલા માણસને ના હોય એ શક્ય નથી.
આ સંજોગોમાં વાનખેડે પોતાની રીતે આખું ઓપરેશન હાથ ધર્યું હોય એ વાત ગળે ઉતરે એવી નથી. વાનખેડેની પાછળ કોઈનો દોરીસંચાર હોવાની પ્રબળ શક્યતા છે. એનસીબી કેન્દ્ર સરકારની એજન્સી છે એ જોતાં કેન્દ્રમાંથી કોઈના આદેશથી વાનખેડે શાહરૂખના દીકરાને ફસાવવા હાથ ધોઈને પડી ગયો હોય એ શક્ય છે. કેન્દ્રમાં અત્યારે ભાજપની સરકાર છે ને શાહરૂખ ખાન ભાજપનો પ્રસંશક નથી જ એ જગજાહેર છે.
શાહરૂખ ભૂતકાળમાં ‘મોદી સરકારના શાસનમાં દેશાં અસિહષ્ણુતા વધી છે’ એ પ્રકારનાં નિવેદન આપીને ભાજપના નેતાઓનો ખોફ વહોરી ચૂક્યો છે. શાહરૂખના દીકરાનો ડ્રગ્સના કુંડાળામાં પગ પડ્યો હોવાની બાતમી વાનખેડેએ ઉપર આપી હોય ને તેના કાણે ભાજપ સરકારમાંથી કોઈએ શાહરૂખનો દાવ લેવા કહ્યું હોય એ પણ શક્ય છે. .કેન્દ્રમાં હોદ્દા પર ના હોય પણ ભાજપનું મોટું માથું હોય એ પણ શક્ય છે.
////////////////////
એક બીજી પણ શક્યતા છે.
આર્યન પાસેથી ખરેખર ડ્રગ્સ મળ્યું હોય પણ પછી બધું રફેદફે કરી દેવાયું હોય. શાહરૂખે પોતાના દીકરાની વકીલાત કરવા માટે ધુરંધ વકીલ મુકુલ રોહતગી ને લઈ આવેલો. દેશમાં કાયદા તંત્રમાં સર્વોચ્ચ હોદ્દો મનાતા એટર્ની જનરલ રહી ચૂકેલા મુકુલ રોહતગી ભાજપ સાથે નિકટતા ધરાવે છે. બલ્કે નરેન્દ્ર મોદી સાથે નિકટતા ધરાવે છે અને મોદીની મહેરબાનીથી જ એટર્ની જનરલ બનેલા. કોર્ટના દાવપેચના ચેમ્પિયન રોહતગી મેદાનમાં ઉતર્યા પછી જ આર્યન ખાનનો જેલમાંથી છૂટકારો થયો, બાકી એ પહેલાં આર્યનને જામીન પણ નહોતા મળતા. રોહતગીએ પોતાના ક્લાયન્ટને બચાવવા બધી ગોઠવણ કરી દીધી હોય એ પણ શક્ય છે.
ભારતમાં ગમે તે બની શકે.
આ સવાલોના જવાબ તપાસ થાય તો મળે પણ એવી તપાસ થવાની શક્યતા છે નહીં એ જોતાં આર્યન ખાનના કેસમાં ખરેખર શું રંધાયું એ રહસ્ય જ રહી જશે.