આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસસી)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન તેમને સીઓએસસીનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિના અધ્યક્ષનું આ પદ દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતના ૮ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું.
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે નવા સીડીએસ વિશે હજુ કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ત્રણેય સેવાઓના વડાઓમાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે જનરલ નરવણેને સીઓએસસી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને એનાથી આગામી સીડીએસ બનવાનો તેમનો દાવો મજબૂત બન્યો છે.
આઇએએફ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ૩૦ સપ્ટેમ્બરે, જ્યારે નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે ૩૦ નવેમ્બરે પોતાનું પદ સંભાળ્યું હતું. એનાથી વિપરીત જનરલ નરવણેને આર્મી-પ્રમુખ બનાવ્યાને લગભગ બે વર્ષ થઈ ગયાં છે. ૬૧ વર્ષીય જનરલ નરવણેએ જનરલ બિપિન રાવતની નિવૃત્તિ પછી અને દેશના પ્રથમ CDS તરીકે પ્રમોશન પછી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે આર્મી ચીફની જવાબદારી સંભાળી હતી.
સીઓએસસીએ ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિ છે, જે ઓપરેશન અને અન્ય મુદ્દાઓને લઈને ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવવાનું કામ કરે છે. જનરલ નરવણેને પણ એ જ રીતે જૂની પરંપરા હેઠળ COSCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે સીડીએસના પદની રચના પહેલાં અમલમાં હતી. આ પરંપરા હેઠળ, ત્રણેય સૈન્યના વડાઓમાં સૌથી વરિષ્ઠ અધિકારીની સીઓએસસી અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી હતી.
દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું ૮ ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું, જ્યારે તેઓ પોતાની પત્ની અને ૧૨ અન્ય સૈન્ય અધિકારીઓની સાથે તામિલનાડુના કુન્નુરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઇ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાના સ્થળથી માત્ર ૭ કિલોમીટર દૂર જંગલોમાં અચાનક જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવત, તેમનાં પત્ની અને ૧૧ અન્ય અધિકારી શહીદ થયા હતા, જ્યારે એકમાત્ર ઇજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું ૮ દિવસની હોસ્પિટલમાં સારવાર બાદ બુધવારે નિધન થયું હતું.