ચલાલા પંથકમાં ડિજિટલ ફ્રોડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઠગબાજોએ આર્મી ઓફિસરની ખોટી ઓળખ આપી ‘બાપા સીતારામ ટુર એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલકને વિશ્વાસમાં લઈ તેમના બેંક ખાતામાંથી હજારો રૂપિયા પડાવી લીધા હતા.ગરમલી (ચરખા) ગામે ભીમનાથ લોજ સામે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રવિરાજભાઇ ચંપુભાઇ જેબલીયાએ આ મામલે આનંદકુમાર તથા કેપ્ટન પ્રવીણકુમાર નામના ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ ૦૨/૦૩/૨૦૨૬ના રોજ ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ અમરેલી એરપોર્ટ પર ફરજ બજાવતા આર્મી ઓફિસર આનંદકુમાર તરીકે આપી હતી. તેણે અમરેલી એરપોર્ટથી અમદાવાદ હનુમંત આર્મી કેમ્પ સુધી જવા માટે લકઝરી બસ ભાડે રાખવાની વાત કરી રૂ. ૪૦,૦૦૦ ભાડું નક્કી કર્યું હતું.
બીજા દિવસે વિશ્વાસ કેળવવા માટે ઠગબાજે તેના ‘વરિષ્ઠ અધિકારી’ તરીકે કેપ્ટન પ્રવીણકુમાર સાથે વાત કરાવી હતી.આરોપીઓએ એડવાન્સ પેમેન્ટ કરવાના બહાને વેપારી પાસે QR કોડ સ્કેનર માંગ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ વેપારીના ખાતામાં રૂ. ૨ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ઠગબાજોએ વોટ્સએપ પર અલગ-અલગ રકમના સ્કેનર મોકલ્યા હતા. વેપારીને એમ હતું કે આ સ્કેન કરવાથી પૈસા જમા થશે, પરંતુ જેવા તેમણે QR કોડ સ્કેન કર્યા કે તરત જ તેમના SBI ખાતામાંથી કુલ રૂ. ૩૪,૪૯૯.૯૭ કપાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ આ મામલે ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એચ. રતન વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































