આર્થિક સંકડામણનો સામનો કરતાં ઘણા લોકો અવિચાર્યુ પગલું ભરી બેસે છે. જેના કારણે તેમના પરિવારજનોને આખી જિંદગી સહન કરવાનો વારો આવતો હોય છે. ગોંડલ તાલુકાના એક યુવકે બાબરાના ફુલઝર ગામે આવી આપઘાત કર્યો હતો. આ અંગે રાજકોટના ગોંડલના માંડણ કુંડલા ગામના ભાવિકભાઈ અરવિંદભાઈ કોચરા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, કેવલ અરવિંદભાઈ કોચરા (ઉ.વ.૨૨) ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતા. જેનાથી કંટાળી ફુલઝર ગામે આવેલા ૬૬ કેવી સબ સ્ટેશનમાં આવેલી સિક્યુરિટી ઓફિસની પાછળ આવેલા લોખંડના ઝુલાના આડા પોલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.