કોવિડ ૧૯ રસીકરણના બીજો ડોઝનો ગ્રાફ વધારવા માટે સ્વાસ્થ્ય વિભાગે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં મોટી રમત રમી છે. હકીકતમાં લોકોના મોબાઈલ ફોન પર રસી લગાવ્યા વગર જ કોવિડ ૧૯ના બીજો ડોઝના મેસેજ આવવા લાગ્યા હતા. આ મામલે લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સીએમઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ કરવામાં આવ્યા બાદ સીએમઓએ સીએચસીમાં રેડ કરી હતી. આ રેડમાં સ્ટોક રજિસ્ટરમાં રસીના વપરાશ અને ઉપલબ્ધતામાં પણ તફાવત જોવા મળ્યો છે. આ ઘટના ઉન્નાવ જિલ્લાના મિયાગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજો ડોઝ લાગુ કરવાના મામલે ઉન્નાવ જિલ્લાના પાછળ રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને રસીકરણ વધારવાના આદેશ આપ્યા હતા. જે બાદ સીએચસી મિયાગંજમાં નોંધાયેલા લોકોને રસી લીધા વગર જ બીજો ડોઝ લઇ લીધો હોવાના સંદેશ મળ્યા હતા. અહીં લોકોએ સફીપુરના ધારાસભ્ય બંબાલાલ દિવાકરને મોબાઈલ પર મેસેજ આવવા છતાં પણ રસી ન મળી હોવાની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ મળ્યા બાદ સફીપુરના ધારાસભ્ય બંબાલાલ દિવાકરે અધિકારીઓને પૂછપરછ કરી અને એક કર્મચારીએ પોર્ટલ પર નકલી રસીકરણ રેકોર્ડ અપડેટ કરવાની માહિતી આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યએ આને ગંભીર ગુનો ગણાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ, સીએમઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. જે દરમિયાન સીએમઓ ડો. સત્યપ્રકાશે સીએચસીમાં તપાસ કરી તો ત્યાં સ્ટોકમાં રસીના ચાર હજોર ડોઝ (ચારસો શીશીઓ) ન હતા. જે બાદમાં લોકોના રસીકરણ માટે આ ડોઝને કર્મચારીના ઘરેથી પરત લાવવાના હતા, પરંતુ આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો.
એસડીએમ હસનગંજ અને એસીએમઓ ડા. આર. કે. ગૌતમ તપાસમાં શામેલ હતા. સીએમઓએ કહ્યું કે, ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે તપાસ બાદ બંને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.