આઇપીએલ ગવ‹નગ કાઉન્સીલે ૧૨ મેની રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝનની બાકી રહેલી મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર બગડતી પરિસ્થિતિને કારણે ૯ મેના રોજ  આઇપીએલ એક અઠવાડિયા માટે અધવચ્ચે જ સ્થગિત કરવામાં આવી હતી. હવે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સાથે,આઇપીએલના બાકીના લીગ સ્ટેજ અને નોકઆઉટ મેચોનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે, જેમાં પહેલા ૨૫ મે ના રોજ રમાનારી ટાઇટલ મેચ હવે ૩ જૂન ના રોજ રમાશે. દરમિયાન, આ વખતે શાનદાર પ્રદર્શન કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હજુ પણ લીગ સ્ટેજમાં ત્રણ મેચ રમવાની બાકી છે, જે તેમના માટે ટોપ-૨ માં સ્થાન મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની છેલ્લી મેચ ૩ મેના રોજ રમી હતી, ત્યારબાદ તેમને આ સિઝનમાં હજુ ત્રણ વધુ મેચ રમવાની છે, જેમાં, બહાર આવેલા નવા શેડ્યૂલમાં, આરસીબી તેમની આગામી મેચ ૧૭ મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમશે. આ પછી, ૨૩ મેના રોજ, તેમને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે મેચ રમવાની છે. આ બંને મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી,આરસીબી ટીમ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમનો સામનો કરશે, જેમાં બંને ટીમો વચ્ચે આ મેચ ૨૭ મેના રોજ રમાશે. ટોપ-૨ માં સ્થાન મેળવવાના દૃષ્ટિકોણથી આરસીબી માટે આ ત્રણ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, ઘણા વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા ફર્યા હતા, જેમાંથી હવે કેટલાક ખેલાડીઓના પાછા ફરવાની આશા ખૂબ જ ઓછી છે. તે જ સમયે, આ સિઝનમાં આરસીબી તરફથી રમી રહેલા ફાસ્ટ બોલર જાશ હેઝલવુડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ખભાની ઈજાને કારણે આ સિઝનની બાકીની મેચોમાં રમશે નહીં, જે ચોક્કસપણે આરસીબી  માટે મોટો આંચકો છે. બીજી તરફ, સીએસકે  સામેની મેચ દરમિયાન ઘાયલ થયેલા આરસીબી ટીમના કેપ્ટન રજત પાટીદારની ફિટનેસ અંગે હજુ પણ સસ્પેન્સ છે.