સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારના વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી વિકાસ કુમાર વિકાસ સામેના સસ્પેન્શનના આદેશને રદ કર્યો છે, જેમની સામે ગયા મહિને અહીં થયેલી ભારે ભાગદોડને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. ૪ જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સામે થયેલી ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ કેસમાં આયોજન અને ભીડ વ્યવસ્થાપનની તીવ્ર ટીકા થઈ હતી. સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ માટે સીએટીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જવાબદાર ઠેરવ્યું છે.
સીએટીએ કહ્યું કે ૪ જૂને બેંગલુરુમાં એકઠી થયેલી વિશાળ ભીડ માટે આરસીબી ક્રિકેટ ટીમ જવાબદાર છે. જેના કારણે ભાગદોડમાં ૧૧ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.સીએટીએ સ્ટેડિયમમાં તૈનાત પોલીસકર્મીઓનો બચાવ કર્યો અને કહ્યું કે તે કોઈ જાદુગર કે ભગવાન નથી.
પોતાની ટિપ્પણીમાં, ટ્રિબ્યુનલે કહ્યું, ‘પ્રથમ નજરે એવું લાગે છે કે આરસીબી લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ માટે જવાબદાર છે. આરસીબીએ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી ન હતી. અચાનક, તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને ઉપરોક્ત માહિતીના પરિણામે લોકો ભેગા થયા.’
ટ્રિબ્યુનલે આરસીબી દ્વારા ઉજવણીની છેલ્લી ઘડીની જાહેરાતની ટીકા કરી અને તેને ઉપદ્રવ પણ ગણાવ્યો. કોર્ટે આદેશમાં કહ્યું, ‘અચાનક, આરસીબીએ કોઈપણ પૂર્વ પરવાનગી વિના ઉપરોક્ત પ્રકારનો ઉપદ્રવ કર્યો. પોલીસ પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે ૧૨ કલાકથી ઓછા સમયમાં, પોલીસ પોલીસ કાયદા અથવા અન્ય નિયમો વગેરેમાં જરૂરી બધી વ્યવસ્થા કરશે.’
આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ તેની પહેલી આઈપીએલ જીત પછીના દિવસે, ૪ જૂને વિજય પરેડ ઉજવણી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ટ્રિબ્યુનલે પોલીસની ભૂમિકાનો પણ બચાવ કરતા કહ્યું કે, ‘પોલીસ કર્મચારીઓ પણ માણસો છે. તેઓ ન તો ‘ભગવાન’ છે કે ન તો જાદુગર અને ન તો તેમની પાસે ‘અલાદ્દીનના ચિરાગ’ જેવી જાદુઈ શક્તિઓ છે જે ફક્ત આંગળી ઘસીને કોઈપણ ઇચ્છા પૂરી કરી શકે છે.’