કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ પચાસ વરિષ્ઠ ડોકટરોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ડોકટરોએ જુનિયર ડોકટરો સાથે એકતા વ્યક્ત કરવા માટે આ પગલું ભર્યું છે. મહિલા ડાક્ટરની હત્યા અને બળાત્કારના મામલામાં ન્યાયની માંગણીને લઈને જુનિયર ડાક્ટરો ઉપવાસ પર છે. હેલ્થ ફેકલ્ટીના સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ સિનિયર ડોક્ટરોએ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અમારી હોસ્પિટલના તમામ ૫૦ વરિષ્ઠ ડોકટરોએ આજની બેઠકમાં સામૂહિક રીતે રાજીનામા પત્રો પર સહી કરવાનો નિર્ણય લીધો હતો, એમ એક વરિષ્ઠ ડાક્ટરે જણાવ્યું હતું. આ પગલું યુવા ડાક્ટરો સાથેની અમારી એકતાનું પ્રતીક છે જેઓ એક મહત્વપૂર્ણ હેતુ માટે લડી રહ્યા છે.
તેમણે કહ્યું કે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરો પણ આરજી કાર હોસ્પિટલમાં તેમના સાથીદારોના પગલે ચાલવાનું વિચારી રહ્યા છે. મહિલા તબીબના કેસમાં ન્યાયની માંગણી સાથે જુનિયર તબીબોએ પણ આરોગ્ય તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.
આ વરિષ્ઠ ડોકટરો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જુનિયર ડોકટરો તેમની માંગણીઓ માટે છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર છે, પરંતુ હજુ સુધી આ મુદ્દાના ઉકેલ માટે કોઈ યોગ્ય અધિકારી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ ડોકટરોએ આમરણાંત ઉપવાસ પર બેઠેલા લોકોની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ કેમ્પસમાં લોકશાહી અને દર્દી-મૈત્રીપૂર્ણ વ્યવસ્થા માટે લડી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિમાં અમે તેમની સાથે એક થઈને ઊભા રહીશું.