ભાજપમાં આંતરિક કકળાટ ચારેતરફ ફેલાયો છે. ત્યારે આ વચ્ચે બોટાદના ગઢડા તાલુકામાં ત્રણ મહિના પહેલા જ નિયુક્ત થયેલા ભાજપ પ્રમુખ પાસેથી એકાએક રાજીનામું માંગી લેતા રાજકારણ ગરમાયું છે. ચર્ચા છે કે, આ પ્રમુખે સંઘના નેતા સંજય જાશીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલતા તેમનું રાજીનામું માંગી લીધું છે.
મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા અચાનક જ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તાલુકા ગઢડા તાલુકા પ્રમુખ પ્રકાશ સાંકળિયાનું રાજીનામું માંગી લીધું હતુ. પ્રકાશ સાંકડિયા હજી ત્રણ મહિના પહેલા જ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખના પદે બિરાજ્યા હતા. બીજી તરફ, હાઈકમાન્ડ તરફથી તેમને રાજીનામાનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે અચાનક વાત ચર્ચામાં આવી કે, પ્રકાશ સાંકડળિયાએ સંઘ અને ભાજપના નેતા સંજય જાષીને તેમના જન્મદિવસ નિમિતે ચાર દિવસ પૂર્વે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હતી. જેને કારણે તેમનું રાજીનામું લઈ લેવાયું છે. ત્યારે સમગ્ર મામલે બોટાદ ભાજપમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે કે, આખરે કેવી રીતે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને સંજય જાશીને ‘હેપી બર્થ ડે’ કહેવું ભારે પડ્યું અને પદ ગુમાવવું પડ્યું. હાલ આ ઘટનાને પગલે બોટાદ ભાજપ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. બીજી તરફ પ્રકાશ સાંકળિયાએ પોતે પાર્ટી વિરુદ્ધ કંઈ પણ કર્યુ ન હોવાનું કહેતા રાજીનામું ધરી દેવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જાકે, સંઘના નેતા સંજય જાશીને જન્મદિવસ વિશ કરવા જેવી સામાન્ય બાબત પર ભાજપ રાજીનામું માંગી તે ચર્ચાને કારણે બોટાદમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.










































