ઊંઘ આમ તો એવી બલા છે કે તેમાં શારીરિક અને માનસિક બન્ને પ્રકારનો આરામ મળવો જાઇએ. જાકે, ઊંઘ દરમ્યાન શારીરિક આરામ તો મળે જ પરંતુ માનસિક આરામનું શું? અને આવી વિકટ પરિસ્થિતિમાં વળી સપના પણ આડોડાઇ કરતા હોય છે. હા, હવે દામલને પણ સપનાની વણજાર ચાલુ થઇ અત્યારે એ તો સપનાની અલગ જ દુનિયામાં ફસાઇ ગયો હતો.
આજે મધરાત પછી દામલે જ્યોતિના ગાલ પર મધમીઠું દીર્ધ ચુંબન કર્યુ એ સમયે જ્યોતિ જરા થડકી હતી. તેને જાણ થઇ હતી કે કોઇએ તેના ગાલે સ્પર્શ કર્યો. અને આ સમયે સ્પર્શ કરનાર દામલ સિવાય બીજુ કોઇ ન હોય, તે પણ તે જાણતી જ હતી. એટલે તો તેણે તેના આખા શરીર પર ગજબનો કાબૂ રાખી દીધો હતો. એમ ને એમ તેણે ઊંઘવાનો ડોળ કર્યો હતો ને પોતે વિચારતી હતી કે, દામલ મારા શરીર સાથે, મારા ચહેરા સાથે, મારી છાતી સાથે કે પછી કોઇપણ અંગ સાથે આવું મીઠું મીઠું અડપલું કે અટકચાળો કરે એ તો આવી રાહ સાથે ઊંઘવાનો ડોળ કરતી રહી.
પરંતુ…., દામલે તો તેના ગાલ પર માત્ર આવેશપૂર્વક ચુંબન જ કર્યું. ન તો તે છાતીને અડકયો કે ન તો તેણે બીજા કોઇ અંગને સ્પર્શ કર્યો બસ એક માત્ર તસતસતું દીર્ધ ચુંબન ગાલ પર કરી તે તો ચાલ્યો ગયો. આવું થતાં હવે જ્યોતિના શરીરની અનહદ ભૂખ ઊઘડતા વાર ન લાગી. તેનું રૂપાળું શરીર આમ – તેમ, ઉપર – નીચે, આડું – અવળુ એમ વળ ખાવા લાગ્યું તેની શરીરની તરસ છિપાઇ નહીં. રગરગમાં લોહીનો વેગ ઝડપથી વધવા લાગ્યો. છાતીના ઊભારોનો ઘેરાવ પણ જરા ઊંચો થયો. પરંતુ તે શું કરે…. ?
અંતે જ્યોતિ મનોમન વિચારવા લાગી. પોતે ટાઇમમાં એટલે કે માસિક – ધર્મમાં આવી તેને હજી માંડ ચોવીસ કલાક વીત્યા હતા. કદાચ આ કારણે જ તાવ આવ્યો હશે. હવે આજે બુધવાર તો જતો રહેશે. રહેશે માત્ર ગુરૂ અને શુક્રવાર ! શનિવારે તો છોકરાઓને લઇને પ્રવાસમાં જવાનું નક્કી જ છે. આજે જે થયુ તે, હવે શનિ, રવિ અને સોમવારના દિવસ અને રાત મારે તો દામલ સાથે જ રહેવાનું છે ને ? ત્યારે જાયું જશે….
આમ આવા અનેકાનેક વિચારો સવારના સાડા – ચાર વાગ્યા સુધી જ્યોતિ કરતી રહી. પલંગમાં આમ – તેમ ભીંસાતી રહી. પછી તેની આંખો કયારે મીંચાઇ હશે તેની તેને ખબર પણ ન હતી.
દામલ તેના રૂમમાં ને જ્યોતિ તેના રૂમમાં સવાર થઇ જતા હજી પણ ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. દામલના આચાર વિચાર ઊંચા હતા તો જ્યોતિ દામલના સહારે પોતાના શરીરમાં વિચિત્ર એવી જ્યોત પેદા કરવા જાણે થનગની રહી હતી. જા એવી કોઇ જ્યોત એવા જ કોઇ દીપકને પ્રગટાવે તો…તો અહોભાગ્ય ! પરંતુ એ જ્યોત, જ્યોત ન રહેતા અંગાર બની આગ પ્રગટાવે તો…? તો પછી બે માનવની જિંદગી સળગી ઊઠતાં વાર પણ ન લાગે. હર્યાેભર્યો આ સંસાર આવી આગમાં ભસ્મીભૂત પણ થઇ શકે છે.
સંસાર સાગરમાં માનવમાત્ર ચાવીવાળા રમકડાં જેવો જ છે. ચાવીનું યાંત્રિક બળ પૂરૂં એટલે ખેલ ખતમ. એવું જ કંઇક દામલનું હતું. તે અત્યંત વિવેકી, ખૂબ જ શરમાળ, અતિ વિચારશીલ, કોમળ હૃદય ધરાવનાર અને વધારે પડતો જ્ઞાની ઉપરાંત પારકાને પોતિકા બનાવી આનંદને વેચનાર જુવાન હૈયું ધરાવતો સાધુ હતો.
આવો આ થનગનતો યુવાન દામલ, છેલ્લા પાંચ – સાત દિવસમાં તો તદ્દન બદલાઇ ગયો. તેનું સઘળુ સાહિત્ય પણ જાણે હવામાં ઓગળી ગયું.
બસ…, હવે તો તેને માત્ર જ્યોતિનાં જ દર્શન થતાં હતાં.
પરોઢ પછી ક્યાંય મોડે મોડે મીઠી ઊંઘમાંથી દામલ અને જ્યોતિ જાગ્યા. સવારના સાડા આઠ થયા હતા. બા તો રોજની જેમ વહેલાં ઊઠી જઇ વાસી કામમાંથી પરવારી નવરા થઇ ગયા હતા. છોકરા ભલેને સૂતા… એમ મનમાં ગણગણી બાએ જરાપણ વધારે અવાજ કર્યો ન હતો. કારણ કે મોડી રાતે તાવ ઉતરતા જ્યોતિની આંખ માંડ મળી હતી ને…દામલ પણ મોડે સુધી હિંડોળા પર જાગતો બેઠો હતો.
જ્યોતિ ઊઠી ત્યારે સવાર સવારમાં થોડી સુસ્તી તેના અંગેઅંગમાં ભરેલી પડી હતી. તો પણ શૌચાદિ ક્રિયા પૂરી કરી તે સીધી બાથરૂમમાં ચાલી ગઇ. ઠંડા પાણીથી નાહી લીધા પછી તેને તેના શરીરમાં થોડી ચમક અને સ્ફૂર્તિ દેખાઇ રહી હતી. એ સ્વસ્થ હતી. બાથરૂમમાંથી બહાર નીકળી તેણે તેના નવા વસ્ત્ર પહેરવાનું કામ કર્યુ. અંગ પર વસ્ત્ર પરિધાન થયા પછી તે… આમદકદના આયના સામે ઊભી રહી…
જેવા હોઇએ તેવા જ ઊભરી આવીએ, તેવા જ દેખાઇએ તેનું નામ અરિસો કે આયનો. આયનામાં જ્યોતિએ… તેના ચહેરાના દર્શન કર્યા. ધોળા દૂધ જેવા, દૂધમાં કેસર ભળે તેવા કલરના, ગલગોટા જેવા ગાલમાં તેને એક લાલ લાલ ચકામું ઉપસેલુ દેખાયુ. એને જાતા જ એ થરથરી, થોડી ધ્રુજી પછી એ જગ્યાએ તેણે મૃદુતાથી એક આંગળી વહાલથી ફેરવી ત્યાં તો તેના મોઢામાંથી મીણ જેવા શબ્દો સરી પડયા, ‘દામલ…દામલ…!’
પરંતુ આવુ દ્રશ્ય, પોતાના રૂપાળા ગાલ પર અંકિત થયેલું લાલ ચકામું જાઇ પ્રથમ તો તે લજ્જાઇ ગઇ, શરમાઇ ગઇ. આ ચકામું, આ નિશાની તો દામલના હોઠોની મોંઘામાં મોંઘી પ્રસાદી હતી એટલે તો તે શરમાઇ ગઇ હતી.
પોતાના ગાલ પર આવી નિશાની જાઇ બા… મારા વિશે કેવું વિચારશે ? હવે જ્યોતિને ચિંતા વધવા લાગી. શું કરવું ? જા બીજી કોઇ જગ્યાએ આવું લાલ ચકામું થયું હોત તો… ઢાંકી દઇ શકાત, પણ આ ચહેરાને કેમ કરી ઢાંકવો ? આવી ચિંતાને લીધે થોડીવાર તો બસ તે આયનામાં જાતી જ રહી. અંતે સૌદર્ય નિખારના સાધનો વડે, લેપ અને પાઉડર વડે પેલા ચકામાને થોડું ઝાંખુ કરવામાં તે સફળ રહી. પછી મનને મનાવી લઇ છેવટે તે રૂમમાંથી બહાર નીકળી… ઓસરીમાં આવી.
બા… રસોડામાં નાસ્તો બનાવવાના કામમાં વ્યસ્ત હતા. આ સમયે જ્યોતિને રસોડામાં દાખલ થતી જાઇ બા…ખુશ થતાં બોલ્યાં: “અરે…, તું તો ઊઠીને તૈયાર પણ થઇ ગઇ ? બેસ…, ખુરશીમાં બેસ, હવે કેમ છે…?”
“ઘણું સારૂં છે બા ! સગી મા…ની જેમ રાતે તમે…” ત્યાં તો વચ્ચે જ જ્યોતિને અટકાવતાં બા ઝડપથી બોલ્યાં: “સગી મા… જ સમજ. હું તારી સંભાળ હું નહીં લઉં તો બીજું કોણ કરશે ? તું તો મારી સગી દીકરી જ છે બેટા…! બીજીવાર આવું ન બોલતી…” બાના આવા મમત્વભર્યા શબ્દો સાંભળી જ્યોતિ થોડી ઓછી ઓછી થઇ ગઇ. (ક્રમશઃ)