આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. જેના કારણે ફિલ્મના મેકર્સને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, હવે એવા રિપોર્ટસ સામે આવ્યા છે કે, આમિર ખાન ફિલ્મ મેકર્સની વહારે આવ્યો છે. જણાવાયા મુજબ, આમિર ખાન નિર્માતાઓનું ૧૦૦ કરોડનું નુકસાન ભરપાઈ કરી આપશે. રિપોર્ટસ મુજબ, ખોટનો સોદો સાબિત થયેલી આ ફિલ્મના નિર્માતા, વાયકોમ ૧૮ સ્ટૂડિયોઝ માટે આમિર ખાને એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટસનું માનીએ તો લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા પછી હવે આમિરે પોતાની એક્ટિંગ ફી છોડવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, આમિરે ફિલ્મને લઈને થયેલા બધા નુકસાનોની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. આમિર ખાને આ ફિલ્મ માટે પોતાના જીવનના ચાર વર્ષ આપ્યા છે. કરીના કપૂરે પણ આ ફિલ્મમાં રોલ મેળવવા માટે ઓડિશન આપવું પડ્યું હતુ. જોકે, આ ફિલ્મ રિલીઝ થવાની હતી તે જ સમયે ‘બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેડ થવા લાગ્યું હતું. જેને પગલે રિલીઝ પહેલા જ આ ફિલ્મને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ જ્યારે થિયેટર્સમાં રિલીઝ થઈ તો ઊંધા માથે પછડાઈ અને અત્યાર સુધીમાં માંડ ૧૦૦ કરોડની કમાણી શકી છે. જેને પગલે આ ફિલ્મના નિર્માતાઓ અને વાયકોમ ૧૮ને ભારે નુકસાન થયું છે. બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ, આમિર ખાને હવે પોતે ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરી આપવાનો નિર્ણય લીધો છે. જેને કારણે નિર્માતાઓને ઘણું ઓછું નુકસાન સહન કરવાનું આવશે. સૂત્રોએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે ચાર વર્ષ આપવા છતાં આમિરને તેમાંથી એક ફૂટી કોડી પણ મળી નથી. લાલ સિંહ ચઢ્ઢામાંથી તેને ૧૦૦ કરોડ જેટલા રૂપિયા મળવાના હતા, પરંતુ હવે તેણે બધુ નુકસાન પોતે ઉપાડી લેવાનો નિર્ણય કરી ફિલ્મ ફ્લોપ રહેવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. અદ્વૈત ચંદન દ્વારા ડાયરેક્ટે ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રિમેક છે, જેમાં ટોમ હન્ક્‌સ મુખ્ય રોલમાં હતો. ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન ઉપરાંત, કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આમિર ખાન અને કરીના કપૂરે ભૂતકાળમાં આપેલા સ્ટેટમેન્ટ્‌સને કારણે આ ફિલ્મનો સોશિયલ મીડિયા પર બોયકોટ શરૂ કરાયો હતો અને તેના કારણે આ ફિલ્મ આમિર કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ બની ગઈ છે.