એક વખત ચાણક્ય રાજા સાથે નગર ચર્ચાએ જઈ હતા. રાજા પ્રજાની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકે માટે તે પહેરવેશ બદલીને જતા હતા.

રસ્તા પર જરા આગળ ચાલતા રાજાના પગમાં એક કાંટો વાગ્યો. કાંટો વાગવાથી રાજાના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. ચાણક્યએ કાંટાને રાજાના પગ માથી દૂર કરીને પાટો બાંધી દીધો. જેથી તરત જ લોહી નીકળવાનું બંધ થઈ ગયું. હવે ચાણક્ય રસ્તા પરના બધા જ કાંટાઓ દૂર કરવા લાગ્યા. થોડા એવા કાંટા દૂર કર્યા ત્યાં તરત જ રાજાએ ચાણક્યને કહ્યું અહીં તો ઘણા બધા કાંટાઓ છે. આપણે બધા જ કાંટા દૂર કરવા નથી અને આપણે કાળજી પૂર્વક ચાલીશુ એટલે આપણને કાંટા લાગશે નહીં અને તમારે આ બધા જ કાંટાઓ દૂર પણ નહીં કરવા પડે.

રાજા અને ચાણક્ય બંને સમગ્ર નગર ફરીને પરત રાજમહેલ આવવા નીકળે છે. રાજમહેલ પરત આવતાં તે જ રસ્તામાં પેલા જે કાંટા વાગ્યા હતા તે કાંટા ફરીવાર ચાણક્ય અને રાજા બન્નેના પગમાં વાગે છે. આ કાંટા એ શરીરના અંદરના ભાગ સુધી ઇજા પહોંચાડી હતી અને બંનેના પગમાંથી લોહી નીકળવાનું બંધ થતું જ નહોતું.

રાજ્યના વૈદ્યજી ને બોલાવીને ચાણક્ય અને રાજા બંનેને સારવાર કરવામાં આવી. જેવી સારવાર પૂર્ણ થઈ કે તરત જ ચાણક્ય બધા કાંટાઓ ત્યાંથી દૂર કરવા લાગ્યા. ત્યાર પછી ચાણક્યએ તે કાંટાવાળા વૃક્ષને કાપીને બાજુમાં ખસેડી દીધુ, ઉપરાંત એ વૃક્ષના મૂળ ખોદી ને ત્યાં એક જ્વલન-શીલ પ્રવાહી નાખવામાં આવ્યું. અને આ કાર્ય કર્યા પછી ચાણક્ય રાજા પાસે પરત આવ્યા.

આ સમગ્ર ઘટના રાજા જોઈ રહ્યા હતા એટલે રાજાએ ચાણક્ય ને પૂછ્યું કે ; તમે આ કાંટા દૂર કર્યા અને પેલું કાંટાવાળું વૃક્ષ કાપીને બાજુમાં ખસેડ્યું એ વાત તો મને સમજાઈ ગઈ. પરંતુ, તમે તે જ વૃક્ષના મૂળ ખોદીને ત્યાં જ્વલનશીલ પ્રવાહી નાખ્યું તે વાત મને સમજાતી નથી. માટે મને આ જ્વલનશીલ પ્રવાહી નાખવાનું કારણ જણાવો.

ચાણક્યએ રાજાને સુંદર જવાબ આપતા કહ્યું ; રાજા આ વૃક્ષના મૂળ ખોદીને તેમના પર જ્વલનશીલ પ્રવાહી નાખવાનું કારણ એ હતું કે મેં પેલી કાંટાવાળી વનસ્પતિના મૂળ કાપ્યા જેથી તે સ્થાને હવે કાંટાવાળી વનસ્પતિ ફરીવાર ઉગશે જ નહીં. અને કદાચ જો તે વનસ્પતિના નાના એવા મૂળ પણ જમીનમાં રહી જાય અને ત્યાં પાણી મળે તો તે મૂળ વિકસિત થઇ ને ફરીવાર ત્યાં કાંટાળી વનસ્પતિ ઊગે. જેથી તે જગ્યાએ જ્વલનશીલ પ્રવાહી નાખવામાં આવ્યું છે. જેથી તે પ્રવાહી બધા જ મૂળોને નષ્ટ કરી દે અને ફરીવાર ત્યાં કોઈ કાંટાળી વનસ્પતી ઉગે જ નહીં.

મિત્રો આપણા જીવનમાં પણ ઘણી બધી આફતો તો આવતી જ હોય છે. ક્યારેક રાયના દાણા જેવડી નાની આફત આવે છે, તો ક્યારેક પર્વત જેવી મોટી આફત આવે છે. પરંતુ જો રાયના દાણા જેવડી નાની આફતને મૂળમાંથી જ નષ્ટ કરવામાં નહીં આવે તો.., એ જ રાયના દાણા જેવડી નાની આફત એક દિવસ મોટા પર્વત જેવડી બનીને આપણી સમક્ષ આવશે. તે માટે દરેકે દરેક આફતનો સામનો કરીને તેને મૂળમાંથી જ નષ્ટ કરવામાં આવે તો સફળતા પણ સરળતાથી પ્રાપ્ત થાય છે અને જીવનમાં હંમેશા આનંદની પ્રાપ્તિ થાય છે. આવો સૌ સાથે મળીને નાની આફતો ને મૂળ માંથી જ નષ્ટ કરી ને ભારત ને ભવ્ય બનાવીએ. વંદેમાતરમ.