પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહે ગૃહમાં જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં ખેડૂતોને નવા ટ્યુબવેલ કનેક્શન આપવા માટે કૃષિ પંપ સેટ નીતિ શરૂ કરશે. તેઓ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રશ્ન-જવાબના કલાક દરમિયાન આપ ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
શાસક પક્ષના ધારાસભ્ય લાલપુરાએ સરકારને સવાલ કર્યો હતો કે કેટલા ખેડૂતોએ નવા ટ્યુબવેલ માટે સિક્યોરિટી જમા કરાવી છે અને કનેક્શન આપવામાં આવ્યા નથી. મંત્રીએ તેમના જવાબમાં ગૃહને માહિતી આપી હતી કે ૨૦૧૮માં પાછલી સરકારે નવા કનેક્શન આપવાનું બંધ કરી દીધુ હતુ અને તે પછી તેને ફરી શરૂ કરવામાં આવ્યુ ન હતુ. રાજ્યમાં પહેલેથી જ ૧૪ લાખથી વધુ ટ્યુબવેલ છે.
અન્ય એક પ્રશ્નનો જવાબ આપતા વન અને વન્યજીવ પ્રધાન લાલચંદ કટારુચાકે જણાવ્યુ હતુ કે અમુક લોકોએ રોપર જિલ્લાના કરુરન ગામમાં પંજાબ લેન્ડ પ્રિઝર્વેશન એક્ટ, ૧૯૦૦ની કલમ ૪ અને ૫ હેઠળ આવતી જંગલની જમીન વેચી દીધી હતી. જા કે, જમીનની માલિકી ખાનગી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે સરકારે વિભાગના ચાર વરિષ્ઠ અધિકારીઓ સામે વેચાણની રકમની વસૂલાત અને રજિસ્ટ્રી રદ કરવા માટે કેસ કર્યો છે અને રોપર પોલીસને તેમની સામે એફઆઈઆર નોંધવા અને કાયદા મુજબ પગલાં લેવા કહેવામાં આવ્યુ છે. આપ ધારાસભ્ય મનવિન્દર સિંહ ગિયાસપુરાના પ્રશ્ન પર, ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યુ હતુ કે, ‘અગાઉની સરકારો દ્વારા લાંબા સમય પહેલા સ્થાપવામાં આવેલા કેન્દ્રીય બિંદુઓ સામે કોઈપણ પ્રકારની તપાસ કરવી શક્ય નથી. તેના બદલે આપણે ફરીથી ઉદ્યોગો સ્થાપવા માટે તેમને વ્યવહારુ બનાવવા માટેની નીતિ લાવવા માટે ચર્ચા કરવી જાઈએ.’
અબોહરના કોંગ્રેસના ધારાસભ્ય સંદિપ જાખરના પ્રશ્નના જવાબમાં, મુખ્યંત્રી ભગવંત માને જણાવ્યુ હતુ કે અબોહર ખાતે બસ સ્ટેન્ડના નવીનીકરણનુ ૨૫% કામ પૂર્ણ થઈ ગયુ છે અને સરકાર દ્વારા ૨.૯૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સીએમનો વિરોધ કરતા જાખરે કહ્યુ કે માત્ર ૫% કામ જ પૂર્ણ થયુ છે. વળી, તેમણે કામની ગતિને ઝડપી બનાવવા કહ્યુ. બસ સ્ટેન્ડનુ બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપતા મુખ્યમંત્રીએ આૅફર કરી હતી કે તેઓ સ્થાનિક ધારાસભ્યને તેનુ ઉદ્‌ઘાટન કરવા આમંત્રણ આપશે