હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી બુધવારે આમરણાંત ઉપવાસ પર કલેક્ટર ઓફિસ ખાતે બેસવાના હતા. પરંતુ પોલીસે અટકાયત કરી હતી. જે બાદ મોડી રાતે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.પોલીસે કલેક્ટર ઓફિસ પર ઉપવાસ ન કરવામાં આવતાં રાતે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. પ્રદેશ કાર્યાલય બહાર કમ્પાઉન્ડમાં જ તેઓ ગાદલા નાખી ઉપવાસ પર બેઠા છે. મોડી રાતે પેપરલીક કૌભાંડ સામે લાવનાર યુવરાજસિંહ પણ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગુલાબસિંગ અને મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો-નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી. હવે સુરતમાં ઝપાઝપી થઈ છે.આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને મળીને આવેદનપત્ર પણ આપતા પહેલા જ અંદરના ગેટ ખાતેથી તેમને ડિટેઈન કરી લેવાયા હતા. પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.