“..અનિકેત ઇન્ડિયા આવ્યો એનાં પાંચ દિવસ સુધી એનુ માથું ભારે-ભારે લાગતું અને શરીર એ.સી. સિવાયની હવામાં રહી ન શકતું. પણ ૨૭ વર્ષથી તે કેનેડા, અમેરિકા, લંડન જેવાં દેશમાં જ જન્મ્યો, ભણ્યો અને મોટો થયો હોય. એટલે ઇન્ડિયાનું વતાવરણ તેનાં શરીરને માફક ન આવે. ચલો આ વાત તો હજમ થાય એવી છે. પણ તેને તો ઇન્ડિયાનું કલ્ચર કે લોકો કે ઇન્ડિયા જ નથી ગમતું. લો બોલો! ઊભા રહેજો હો હું મારી દાળ જરા ચેક કરી લઉં. એમાં છે ને એવું છે કે મારું કુકર સીટી વગાડવામાં બહુ ચીકણાસ કરે છે સાલું. અને તમારા ભાઈને બહુ ચડી ગયેલી દાળ ન ભાવે. અહીં જ બેસજો હમણાં આવું જ છું.”
“હા, તો હું ક્યાં હતી? હા અનિકેતને ઇન્ડિયા જ નથી ગમતું. શું અનિકેત મને શું થાય? હા એ મારાં દુરનાં માસીનાં જેઠજી ને એનાં સાળાનો છોકરો થાય. એટલે આપણે કંઈ એવી બહુ દુર દુરની લપ્પન છપ્પન કરવાની ટેવ નહીં. પણ મારા એ દૂરનાં માસી જ થોડાંક દિવસ પહેલાં આવેલાં તે વાત કરતાં હતાં. બાકી આપણે કંઈ પુછીયે બુછીયે નહિ. પછી છે ને મારો બેટો એ અનિકેત તો એ.સી. વાળા રૂમમાંથી બાર જ ના નીકળે. ત્યાં રૂમમાં જ જમે ને રૂમમાં જ સુએ. પછી એક દિવસ એનાં દાદાએ રૂમ ખખડાવ્યો. હા તે એવડાં છોકરાના દાદા હજી જીવે જ છે ને! જીવે છે શું એ તો જલસા કરે છે જલસા. કોઈ કયે નય કે આને ૨૭ વર્ષનો પૌત્ર હશે.”
“..પછી એને તો અનિકેતને મનાવી ફોસલાવીને એ.સી.માંથી બહાર કાઢ્યો. બાપ રે… શું ધોળી ચામડી એની…! જાણે ફોરેનનો ધોળીયો જ જોઈ લ્યો. ના…ના મેં જોયો નથી અનિકેતને કોઈ દિવસ. પણ આ તો મારા માસી એમ કેતા તાં. હા એકવાર માસીની દીકરી જલ્પા છે ને એને ફોટો બતાવેલો.”
“પછી તો એ અનિકેતને એનાં દાદા ખેતરમાં લઈ ગયાં, બજારમાં લઈ ગયાં ગામડાના રીત રિવાજ જોવા લઈ ગયાં સગા વ્હાલામાં ઘરે લઈ ગયાં ને પછી તો અનિકેતમાંથી અન્યો થઈ ગયો હો. ને એ અન્યા ને તો કોઈ ઇન્ડિયા ગમ્યું, કોઈ ઇન્ડિયા ગમ્યું. તે આંયથી છોકરી પસંદ કરી લીધી બોલો! ને એની હારે લગ્ન કરશે. ઇ અન્યાના ય હમણાં જ લગ્ન આવે છે. જોયું કેવા કેવા માણસો થયાં છે. ઇ અન્યાની મા તો આખા ગામમાં કેતી કે અમારો અનિકેત તો આમ ને અમારા અનિકેતને ઇન્ડિયા ન ફાવે ને… અરે તમે જુઓ તો….ને જો ઇન્ડિયાની છોકરી જ અન્યો ગોતી આવ્યો. લો મારુ મુકો હવે ને તમે કોની કંકોત્રી દેવા આવ્યા છો એ તો કહો?”
“દર્શનાબેન હું તમારા એ દુરનાં માસીનાં જેઠજીનાં સાળાનો દીકરો અન્યો છે ને એનાં દાદા છું. અને અન્યો ઉર્ફે અનિકેત મારો પૌત્ર. એનાં લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું. મને જોઈને કોઈ કહે નહીં કે આને ૨૭ વર્ષનો પૌત્ર હશે. એ જ હું. સારું ત્યારે લગ્નમાં ખાસ બધાએ પહોંચી જવાનું છે હોં. હવે હું નીકળું છું. આવજો.
હવે દર્શનાબેનને કાપો તો લોહી ન નીકળે.