કોઈ એક મોટા સમૂહને જાગ્રત કરવા મોટા પ્રયત્નો કે ઘટના અકસ્માતની જરૂર પડે છે. ભૂતકાળમાં જે ક્રાંતિઓ થઇ તેમાં સમૂહે જે જાગરૂકતા કરી એ જાગરૂકતા લાંબા ગાળાના કે સઘન કારણો અને પરિબળો બાદ ઉદભવી હતી. ત્યારબાદ તેને ભડકાવવા માટે એક સ્પાર્ક કાફી હોય છે. ભારતમાં ૧૮૫૭નો વિપ્લવ લાંબાગાળાની યાતનાઓ બાદ કારતૂસની ચરબીના કારણસર ભડકી ઉઠ્‌યો. અઢારમી સદીના અંત ભાગે જયારે ફ્રાન્સમાં પડેલ ભયંકર દુષ્કાળથી આમ જનતાની, ખેડૂત વર્ગની યાતનાઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. અન્ન માગતા ખેડૂતોને એક પ્રાંતના ગવર્નરે કહ્યું કે ‘હવે ઘાસ ઊગવા માંડ્‌યું છે, ખેતરમાં જઈને ચરી ખાવ’. અર્ધ ભૂખમરાથી પીડાતા અને સડેલા બટાકા ખાઈને નભતા ખેડૂતોના ધૈર્યનો અંત આવ્યો અને ક્રાન્તિનો પ્રારંભ થયો. એ પહેલા વિલાસી રાજવીઓ, અસહ્ય કરવેરા, લાંચીયુ રાજ્યતંત્ર, સામાજિક અસમાનતા જેવા કારણો પ્રજામાનસમાં પડ્‌યા જ હતા. ધર્મગુરુ, ઉમરાવ અને રૈયત જેવા ત્રણ વર્ગો હતા. દેશમાં આશરે સાડા ત્રણસો કાયદાઓ હતા જેમાંથી ઉપલા બે વર્ગને ખુબ ઓછા લાગુ પડતા. પ્રજાએ બળવો કરવા માટેના તમામ કારણો હાજર હતા. જૂની વ્યવસ્થા સામે પ્રજાની બૌદ્ધિક ચેતના પ્રગટી રહી હતી. વીસમી સદીની શરૂઆતની રશિયન ક્રાંતિ ઝાર શાસન સામે હતી. રશિયન ક્રાંતિ માટે પણ ફ્રાંસની રાજ્યક્રાંતિની જેમ, રાજકીય દમન, આર્થિક શોષણ, સામાજિક અસમાનતા વગેરે કારણો જવાબદાર હતાં. શાસક આપખુદ અને અત્યાચારી હોવા ઉપરાંત નમાલા હોવા ઉપરાંત રાજાના દૈવી અધિકારોમાં માનતા હતા. નિર્બળ શાસન અવ્યવસ્થિત અને બિનકાર્યક્ષમ વહીવટીતંત્ર તેમજ નમાલા ન્યાયતંત્રનું જનક છે.
નહેરુએ એક વખત કહેલું કે કાળાબજારીયાઓને નજીકના લેમ્પ પોસ્ટ પર ફાંસી મારી દેવી જોઈએ, ત્યારે ભાગવત શરણ ઉપાધ્યાયે એક કટાક્ષ લખ્યો કે જયારે લીડર પાસે ફાંસી મારવાની સત્તા આવશે ત્યારે લીડર કાળાબજારિયાના ખિસ્સામાં હશે. મેકિયાવેલીએ કહેલું કે પ્રજાને વચ્ચે વચ્ચે સર્કસ બતાવતા રહેવા જોઈએ કે જેથી જો પ્રજામાં વિરોધ હોય તો બીજી તરફ ચાલ્યો જાય. પ્રજાના દૈનિક જીવન કે શ્રદ્ધામાં કોઈ દિવસ હસ્તક્ષેપ કરવો નહિ. મેકીયાવેલીની સલાહ અને નહેરુનું વિધાન તેમજ વિધાન પર ભાગવતશરણનો કટાક્ષ કઈક અંશે આજનો સિનારિયો સિદ્ધ કરે છે. ફાંસી આપવાની વાત કરતો નેતા કાળાબજારિયાઓના ખિસ્સામાં બેઠો છે, પ્રજાના વિરોધને ઠંડો કરવા નવા તમાશાઓ હાજર કરી દેવામાં આવે છે. બળવાખોર પ્રજાને એક કામચલાઉ બેહોશીમાં સરકાવી દે તેવા તમાશાઓ પ્રગટ કરી દેવામાં આવે છે. જનતાને ટોળા તરીકે જોવાની નેતાઓની આદત જનતાએ દરેક વખતે સાચી ઠેરવી છે. ટોળાને યાદશક્તિ નથી હોતી.
ગુજરાતમાં થોડા વર્ષોમાં જે માનવસર્જિત મોટા અકસ્માતો થયા, ત્યારબાદ તુરંત જનતા જાગી પણ ખરી. પણ જનતાએ જે બિંદુએ સમાધાન સ્વીકારી લીધું એ બિંદુ અંતિમ નહોતું. ક્યારેય નથી હોતું. જનતાએ હમેશા સરકારનો અને તંત્રનો જ માત્ર જવાબ માંગ્યો, માંગવો જોઈએ, પણ તેનાથી પ્રજા તરીકેની સામૂહિક જવાબદારી પૂરી નથી થઇ જતી. જે સ્થળે આ ગંભીર ઘટનાઓ ઘટી એ શું કોઈ જાગૃત પ્રજાજનના ધ્યાને પણ નહોતી ? સુરતના બનાવ બાદ એક ઝુંબેશ ચાલી હતી, એ કોઈ બિંદુ પર અધુરી છૂટી, રાજકોટની ઘટના સુરતની ઘટનાની કડીરૂપ ઘટના જ છે. કરુણતા એ છે કે બધા એ ચર્ચા પણ કરી લે છે કે તંત્ર અને સરકાર થાગડથીગડ જેવા પગલા ભરી લેશે, ઘટના માટે જવાબદારને ધરી લેશે, થોડા સમયમાં બધું ભુલાઈ જશે. ભવિષ્યમાં આવું ન બને એ માટે શું કરવામાં આવ્યું ? થોડા સમય બાદ કોઈ નહિ પૂછે. આપને દેશને અમેરિકા અને અન્ય વિકસિત દેશો સાથે સરખામણી કરતા હોઈએ છીએ, સરકારને સંભળાવવા માટે આ સરખામણી દરેક નાગરિકને હાથવગી હોય છે. ક્યારેય એ દેશોની પ્રજાનું કાયદાપાલન શિસ્ત જોઈ ? ટ્રાફિક સેન્સ જોઈ ? સ્વચ્છતા માટેનો આગ્રહની નોંધ લીધી ? ભારત કરતા ત્રણ ચાર ગણો વિસ્તાર ધરાવતો દેશ માટે સરકારના પ્રયત્નોથી જ સ્વચ્છ રહી શકે ? આપણે હેલ્મેટ નહિ પહેરવા સરકારના કાયદા સામે રેલીઓ કાઢીને વિરોધ કરીએ છીએ. હીટ એન્ડ રન જેવા બનાવોમાં સરકારે ઘડેલા કડક કાયદા સામે હડતાળનું શસ્ત્ર ઉગામી લઈએ છીએ અને કાયદો રદ્દ કરવાની સરકારને ફરજ પણ પાડીએ છીએ. જયારે કોઈ ફરજપાલનની બાબત આવીને ઉભી રહે ત્યારે આપણે કાયર થઇ જઈએ છીએ. કોઈ જાહેર સ્થળે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યા ઈમરજન્સી એક્ઝીટ કે ફાયર સેફટી કોઈ ચેક નથી કરતુ. એ એક ત્યાંના વ્યવસ્થાપક અને રાજ્યના કાયદા પરનો વિશ્વાસ છે કે કાયદો છે તો એ પ્રમાણેની વ્યવસ્થા પણ હશે. હવે આ ચેક કરવાનો સમય આવી ગયો છે, કોઈ પર ભરોસો મુકતા પહેલા જાત ખરાઈ કરતા થઇ જશું તો એ બધી વ્યવસ્થા આપમેળે ગોઠવાતી જશે. વ્યવસ્થા કે સલામતી વિનાની જગ્યાએ કોઈ જતું જ બંધ થશે તો બીજા કોઈ વિકલ્પો બચતા જ નથી. કોઈની જિંદગીની કીમત ચાર લાખ રૂપિયા માત્ર નથી હોતી. આપણી જિંદગીની કિમત આપણાથી વિશેષ કોઈ જાણતું નથી હોતું. ભોગ બનનાર માટે સરકારના પગલાઓ, આર્થિક સહાય, પ્રજાના આશ્વાસનો કોઈ કામના નથી હોતા. આ એક સ્થાપિત વ્યવસ્થાના ભાગરૂપે તેને મળે છે.
આપણા પ્રજા જીવનની સૌથી મોટી નિષ્ફળતા કદાચ એ છે કે માણસ સામૂહિક જવાબદારી મોટાપાયે ચુકી રહ્યો છે. કારણ કે આરોપ મુકવા માટે તંત્ર અને સરકાર તુરંત ઉપલબ્ધ છે. તંત્રને કે સરકારને ફરજ પાડી દેવાય એવી જાગરૂકતા અકસ્માતે જ પ્રગટે છે. જો એ જાગરૂકતા કાયમી પ્રગટી રહે તો કોઈ ક્રાંતિ કે મોટા બદલાવની માંગ નહિ રહે, એ આપોઆપ આવી જશે.
ક્વિક નોટ – ચીનમાં એક વખત ચુ-તેહ નામના એક માણસના પૌત્રને ભ્રષ્ટાચાર બદલ ફાંસી મારી દેવામાં આવી, ચુ-તેહ ચીનના સરસેનાપતિ હતા. માઓ અને ચાઉં સાથે ચીનના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી હતા.