આજના દિવસે

ગામમાં લોકો આજે રોજ કરતાં થોડા વહેલા ઉઠ્યા હતાં કેમ કે ત્રણ મહિનાની બે જુડવા બાળકીઓ અને સાથે ૨૪ વર્ષેની માતાની અંતિમ વિધિ કરવાની હતી. મોડીરાતે એ ત્રણેય મા-દીકરીઓનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ એમની આઠમી વખતની સુવાવડ હતી જેમાં ડોક્ટરોએ સ્પષ્ટ ના પાડી હતી કે આટલી ઓછી ઉમરે આટલા બધાં બાળકોનાં જન્મથી માણસના શરીર તો શું કુતરાઓના શરીર પણ નિચોવાઈ જાય. પરંતુ જડ માનસિકતાના કચરામાં તો ગીધો જ મોટા થાય. એમ એ ગીધો એ કુમળી કાયાઓની લાશ પર એમને કદીએ ન સુંઘેલા ફુલો મોઢાં પર રાખ્યા. ગામના લોકો  જાણે કાપડના ટુકડાઓને બાળવા લઈ જવાની  તૈયારી કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું હતું.

ત્રણ દિવસ પહેલા

સવારે દસ વાગ્યા હતા. હું, ડો.છાયા અને અમારા ડ્રાઈવર સાથે એક ચકચકિત શહેરમાંથી ખુબજ ટ્રાફિક વચ્ચેથી પસાર થઈ રહ્યાં હતા. ડો.છાયાનાં ચહેરા ઉપર આવનાર પરિસ્થિતિનો ચિતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

ડો.છાયા છેલ્લાં ત્રણ વર્ષથી જરૂરિયાતમંદોની વસ્તીમાં જઈને નવા જન્મેલાં બાળકોનું અને સગર્ભાઓના સ્વાસ્થ્યના ચેકઅપ કરવાનું કામ કરી રહ્યાં હતાં. હું એમની સાથે દવા વિતરણ માટે ફાર્માસિસ્ટ તરીકે જોડાયાને હજી એક અઠવાડિયું જ થયું હતું. સરકાર અમને આ કામના પૈસા આપતી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ડો.છાયાએ ઘણાં જરૂરિયાતમંદ લોકોની સારવાર નોકરી તરીકે નહિ પણ સેવાના અર્થમાં કરી હતી. પરતું આજે એ સત્કાર્યો પણ તેમના વિચારોને શાંત કરવામાં અસમર્થ થતા લાગતાં હતા.

 

અમે છેલ્લા ત્રણ દિવસથી શહેરની ઝાકમઝોળથી દૂર એક નાના ગામની સતત મુલાકાત રહ્યાં હતાં કેમ કે ત્યાં એક પરિવારમાં જોડીયા બાળકીઓનો જન્મ થયો હતો. જન્મની ખુશી કે વધામણાં કરવાનો સમય જ નહોતો કેમે કે સુવાવડ ઘરે જ કરવામાં આવી હતી જેમાં માતાની પુરતી કાળજી લેવામાં આવી ન હોવાના કારણે માતાની તબિયત ખુબ જ ગંભીર હતી તેમજ અપૂરતાં પોષણને કારણે બાળકીઓનો વિકાસ પૂર્ણ થઇ શક્યો નહોતો. વધુ સારવાર માટે એમને બાજુના શહેરની હોસ્પીટલમાં તાકીદે મોકલવાની જરૂર હતી જો એમ ના થાય તો માતા અને બાળકીઓનું મૃત્યુ પણ થવાની સંભાવના હતી. આ વાત ડો.છાયા સતત તે બાળકીઓના પરિવારને સમજવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

‘પણ બેન અમારી ચિંતા અમે કરશું તમને અમારી ઘરની વાતમાં માથું મારવાનું નહિ’ ઘરનાં વડીલે ડો.છાયાને ગુસ્સામાં કયું.

‘મને એ સમજાતું નથી તમને એક પણ પૈસો આપ્યા વગર આ બન્ને ફુલની કળી જેવી છોકરીઓ અને માતાની સારવાર કેમ કરાવવાની ના કહો છો!?’ ડો.છાયાએ પ્રેમથી પણ મુરઝાયેલા સ્વરમાં કહ્યું.

‘આ લોકોને તો કોઈ કામ ધંધો જ નથી એટલે આમ દોડ્યા આવે તમે લોકો આ છોરીયું ને લઈને ઘરમાં જાઓ..’વડીલે ઘરની બીજી સ્ત્રીઓને કહ્યું.

‘બહેન બે ઘડી ખમ, બીજા તો ઠીક તું તો મારી વાત સાંભળ જો જલ્દીથી તમારા ત્રણેયની સારવાર કરવામાં ના આવી તો પછી આ બાળકીઓ આ દુનિયા નહિ જોઈ શકે’. ડો છાયાએ કપડાંના પોતાની જેમ જોડીયાં બાળકીઓને ઉપાડી રહેલી એમની માતાને કરગરતા કહ્યું.

માતાએ ડો.છાયા સામે એવી રીતે જોયું કે જાણે એ કહી રહી હોય કે જીવીને આવી જ દુનિયા જોવાની હોય તો બેન મરવું જ સારું નહી! પણ ડો.છાયાને આજે ત્રણ જીવને મોતના મુખમાંથી શસ્ત્રક્રિયા કર્યા વિઈના  બચાવી લેવાના હતાં એટલે એમને થયું કે મારી વાત આ લોકો નહિ જ માને એટલે ગામના સરપંચને સમજાવવા માટે બોલાવ્યાં પરંતુ એ પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો.

હું આખી ઘટનાને ભીષ્મસાક્ષીએ જોતો રયો અને વિકાસ, માનસિકતા, એકવીસમી સદી, રીતીરીવાજોના મારા સિલેબસના ફૂરચા ઉડી ગયાં. ડ્રાઈવર તો જાણે મનોમન કહિ રહ્યો હતો ‘બેન થાંભલામાં માથા પછાડો’માં નુકસાન થાંભલાને નહિ તમને જ થાશે’.

ડો.છાયા એ છેલ્લા પ્રયાસ સ્વરૂપે વડીલને કયું કે ‘જો આ ત્રણેયને સારવાર નહિ મળે તો ત્રણેય મરી જાશે, તમને કઈ ફર્ક પડશે કે નહી?’ વડીલે સામે જોયે રાખ્યું. વડીલે જવાબ ન આપ્યો.

ડો.છાયાને આ જોઈ હીંમત આવીને એ બોલવાનાં જ હતાં કે એમના મૃતદેહને લઇ જવા કરતાં આ જીવતા જીવને સારવાર માટે લઇ જાઓ અને જેવી એ આ વાત કહેવા જાય ત્યાં જ વડીલે કહ્યું ‘જો બેન છોકરીની મા મરી જાશે તો બે મહિનામાં નવી મા આવી જશે અને જો છોરીયું મરી જશે તો નવ મહિનામાં નવી છોરીયું આવી જાશે’.

આ સાંભળીને ડો.છાયાનું હૃદય ધબકારો ચુકી ગયું ને મારા શરીરમાંથી અદ્રશ્ય કંપારી છૂટી ગઈ. મારાથી હવે ઉભું ના રહેવાયું, મેં ડો.છાયાને કહ્યું હવે આપણે લોકોને અહીથી જવું જોઈએ કેમકે આ લોકોને દવાની નહિ દુઆની જરૂર છે, દુઆ કરો કે… મનમાં જે બોલાયું એ જીરવવું ખુદ માટે પણ અસંભવ હતું.

 

ડો.છાયાએ આખી ઘટનાની જાણ તાલુકાના હેલ્થ વડાને કરી. એમને આખી ઘટનાની ગંભીરતા સમજીને ખુદ પોતે તે ગામમાં જઈને એ પરિવારને સમજાવશે એવો દિલાસો આપ્યો તોય ડો.છાયાની આંખો સંતુષ્ટ જણાઈ રહી નહોતી. એમને એક એક પળ પસાર થાય એટલે મોત એ ત્રણેયને ભરખી ગયું હશે એવી જ પ્રતીતિ થઇ રહી હતી.

 

ઘરે પહોચ્યાં પછી પણ મને તો એ વાત જ સમજાતી નહોતી કે આટલાં બાળકોને જન્મ આપવાનું કારણ શું? સ્ત્રીઓ એટલે છોકરાઓ કરવાનું મશીનથી વિશેષ કઈ જ નથી? અને આ લોકો વગર પૈસે આટલી સારવાર મળતી હોવા છતાં સરકાર તરફથી સારવાર લેવા રાજી કેમ નથી? જવાબદાર કોણ? સરકાર કે સરકારમાં કામ કરનાર લોકો કે આપણે એટલે કે સમાજ? વિચારોના મનોયુદ્ધ વચ્ચે જ મારી નજર બાલ્કનીની બહાર ગઈ. ત્યાં એક ખિસકોલી સોલર લાઈટના થાંભલાની આસપાસ ફરી રહી હતી અને વારે વારે ઉપર નજર કરતી હતી. અને અચાનક મને યાદ આવ્યું થોડા સમય પહેલા અહી એક વ્રુક્ષ હતું એ કાઢીને ત્યાં સોલાર લાઈટનો થાંભલો નાખવામાં આવ્યો છે  કદાચ આ ખિસકોલી એ વૃક્ષતો નહિ શોધી રહી હોય ને?

વિકાસનાં નામે આપણે એટલાં આગળ નીકળી ગયા છીએ કે પાછળ રહી ગયેલા લોકોને વિકાસનાં નામથી જ આભડછેટ થઈ હોય. કેમ અમુક ચોક્કસ વર્ગ જ આગળ નીકળી ગયો; બીજા વર્ગમાં એવું તે શું થયું કે આઝાદીના આટલાં વર્ષો પછી પણ મનથી આઝાદ થઇ શકતા નથી.

 

આજના દિવસે

આરોગ્યની આખી ટીમ હેલ્થ વડા સાથે એ ગામે પહોચ્યાં ત્યારે કશુંક અજુગતું થયાના અણસાર આવી ગયો હતો. ડ્રાઈવર ગાડીને ઉભી રાખે એ પહેલા જ ડો.છાયા દરવાજો ખોલીને ઉતરી ગયા અને સમયને હંફાવે એવી ગતિએ દોડ મૂકી કે ગળામાં રહેલું સ્ટેથોસ્કોપ પણ ડોકટરના ધબકારા માપવામાં નિષ્ફળ નીવડ્યું હોય એમ પડી ગયું ને હાથમાં રહેલું એપ્રોન પણ. જેવા ઘરની ડેલી પાસે ડો.છાયા પહોચ્યાં ત્યાં સામે જનાજાની આગળ ફુલો વહેરવામાં આવી રહ્યા હતાં અને ત્રણેયના ફોટા મુકવામાં આવ્યાં હતાં એ ફોટાઓ જાણે ડો.છાયાને કહી રહ્યાં હતાં ‘બેન તારું સ્વાગત છે અમે તો નઈ પણ અમારી જેમ બીજું કોઈ ના જાય એનું દયાન રાખજે’. અમે બધા નિશબ્દ હતા.