આપણી ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આધુનિકીકરણ થઈ રહયું છે. આજના ઝડપી યુગમાં અલગ અલગ ક્ષેત્રોમાં ખાસ કરીને ખેતીવાડીમાં નવીનતમ અભિગમો અને તકનીકોના ઉપયોગ ઝડપી વિકાસ પામી રહ્યા છે. પરંતુ ભારત જેવા દેશોમાં નવા અભિગમોનો ઉપયોગ ખેતીવાડીમાં ખુબ જ ઓછો થઇ રહ્યો છે. હાલમાં પણ મોટાભાગના ખેડૂતમિત્રો પરંપરાગત ખેતી પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જે આધુનિક અભિગમોથી વંચિત છે અથવા અપનાવવાનું ટાળી રહ્યા છે. ખેતીમાં પણ ખેડૂતમિત્રો નવીનતમ અભિગમો અપનાવી પોતાની ખેતીને ઓછી ખર્ચાળ બનાવી વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લઇ ખેતીના ક્ષેત્રે પણ આર્થિક રીતે મજબુત થઇ શકે છે. જે માટે પાકની વાવણીથી લઈને તેની કાપણી સુધી તથા માર્કેટ સુધીના મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ.
(૧) બીજ/ધરું/ રોપની પસંદગી:
કૃષિ યુનિવર્સિટી કે બજારમાંથી મળતી સારી અને નવીન જાતો/સંકર/હાઇબ્રીડ જાતોની પસંદગી કરવી. રીંગણ, મરચી, ટામેટાં, કોબીજ જેવા શાકભાજી તથા અન્ય પાકો કે જેમાં ફેરરોપણી થતી હોય તેવા પાકોમાં પ્લગ ટ્રેમાં તૈયાર કરેલ ધરૂનો ઉપયોગ કરવો ખુબ જ હિતાવહ છે કારણ કે આવા છોડ જમીનજન્ય રોગો રહિત હોય છે. કેળ, પપૈયા જેવા બાગાયતી પાકો કે જેમાં ટીસ્યુકલ્ચર/પેશી સંવર્ધન પધ્ધતિ દ્વારા તૈયાર થતા હોય છે. આવા પાકો ઝડપથી વૃધ્ધિ પામે છે અને તેનો ઉપયોગ કરવો લાભદાયી સાબિત થાય છે.
(૨) જમીનની જાણવણી:
વધુ પડતાં રસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો તેમજ ઉપયોગી એવા સૂક્ષ્મજીવો પર પણ વિપરીત અસર જોવા મળે છે. આથી તે અટકાવવા માટે સારૂ એવું કોહવાએલુ છાણિયું ખાતર, લીલો પડવાશ, મરઘાનું ખાતર, મોલસિસ વગેરેનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતામાં સુધારો કરીને વધુ પાક ઉત્પાદન અને વધુ નફો મેળવી શકાય.
(૩) બાયોચાર:
કૃષિ અવશેષો/કચરાના કાર્બોનાઇઝેશન પ્રક્રિયામાંથી મેળવવામાં આવતા ઘન પદાર્થને બાયોચાર કહેવામાં આવે છે. આ બાયોચાર કૃષિ અવશેષો/કચરામાંથી બનાવવામાં આવતું હોવાથી જમીનની ફળદ્રુપતામાં કોઈપણ આડઅસર ન કરતાં તેની ફળદ્રુપતામાં વધારો કરે છે. આથી બાયોચાર એ પર્યાવરણની સમતુલા જાળવવામાં ઉપયોગી થાય છે. બાયોચારના ઉત્પાદન માટે મોટા જથ્થામાં કૃષિ અવશેષો/કચરાની જરૂરિયાત રહે છે. બાયોચાર પર્યાવરણીય વ્યવસ્થાપન અને જમીનની સ્થિરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાયોચરની કેટલીક ફાયદાકારક ભૂમિકાઓ જોવામાં આવી છે. બાયોચર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ અને ઉપજ પર સકારાત્મક રીતે અસર કરે છે, ગ્રીનહાઉસ વાયુઓને ઘટાડે છે અને દૂષિત પદાર્થોમાંથી જમીન અને પાણીના નિવારણ માટે સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. જમીનની ટકાઉપણું, દૂષણ નિયંત્રણ અને કૃષિ ઉત્પાદન માટેનો કાળો હીરો એટલે બાયોચાર છે. બાયોચાર રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડી શકે છે.
(૪) યાંત્રિકીકરણ:
ખેતીમાં વિવિધ ખેતીકાર્યોમાં જેવા કે રોપણી, નીંદણ, ખેડ, કાપણી વગેરે જેવા કામો માટે ખેતમજૂરોની અછતનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં કૃષિ યાંત્રિકીકરણ ખેતીકાર્યો માટે એક મજબુત વિકલ્પ છે. વિવિધ ખેતઓજારો જેવા કે ઓટોમેટિક વાવણીયા/ફેરરોપણી માટે ટ્રાન્સપ્લાન્ટર, નિંદામણ નિયંત્રણ માટે પાવર ટીલર, ઘાસચારા કાપણી માટે બ્રશ કટર, થ્રેશિંગ માટે મલ્ટી થ્રેસર અને મીની ટ્રેક્ટર જુદા જુદા ખેતીકાર્યો માટે ઉપયોગ કરી ટુંકા સમયમાં ઘણું કામ કરી શકાય છે. હાલમાં જંતુનાશક દવાઓ તેમજ ખાતરોના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય અને ખર્ચનો બચાવ કરી શકાય છે.
(૫) નેનો ખાતર/નેનો જંતુનાશકો:
હાલની પરીસ્થિતિમાં પાક ઉત્પાદનમાં ખાતરોની ઓછી કાર્યક્ષમતા, સેન્દ્રિય તત્વનું ઘટતું જતું પ્રમાણ, એક કરતા વધુ પોષકતત્વોની ઉણપ વગેરે પડકારો છે. આ બધા પડકારો હોવા છતાં દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરૂ પાડવા માટે ટકાઉ ખેતીની જરૂરીયાત છે. નેનો ટેકનોલોજી એ એક એવી તકનીક છે કે જેના દ્વારા પદાર્થના અણું અને પરમાણુંના સ્તરમાં ફેરફાર કરવામાં આવે છે. જેનાથી તેના મૂળભૂત ગુણધર્મમાં ફેરફાર થાય છે. નેનો કોટિંગ ટેકનોલોજી દ્વારા ખેતીમાં ઉત્પાદકતા વધે છે અને ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી – બહુવિધ લાભકારક છે. આ તાંત્રિકતા દ્વારા જમીન ખરાબ થતી અટકે છે કારણ કે નેનો ફર્ટિલાઈઝર પાકમાં આપેલ પોષકતત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી બિનજરૂરી જમીન, પાણી અને સૂક્ષ્મજીવો ઉપર તેની વિપરીત અસરો ઉપર નિયંત્રણ કરે છે. જ્યારે નેનો જંતુનાશકોના ઉપયોગથી રોગ-જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
(૬) આચ્છાદન / ક્રોપ કવર:
કૃષિ કચરો જેવો કે નિંદામણ કરેલ ઘાસ અને પાકના અવશેષો અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ છોડની આજુબાજુ કરીને નિંદામણમાં નિયંત્રણ, પાણીની બચત અને ગુણવત્તાયુક્ત ખેતપેદાશ મેળવી શકાય છે. ક્રોપ કવર (નોન વુવન પ્લાસ્ટિક કવર)/ગ્રીન હાઉસના ઉપયોગ થાકી અન્ય ઋતુઓમાં પણ શાકભાજી પાકોનું વાવેતર કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
(૭) સંકલિત ખેતવ્યવસ્થાપન:
ખેડૂતમિત્રો પોતાના ખેતરમાં ધાન્ય પાકો અથવા બાગાયત પાકોની ખેતીની સાથે પશુપાલન કે મરઘાંપાલન, મધમાખી ઉછેર, રેશમના કીડા ઉછેર, મશરૂમની ખેતી કરીને આવકના નવા વિકલ્પો ઉભા કરી શકે છે.
(૮) નવીનતમ પાકોની ખેતી:
ખેતરમાં દર વર્ષે એક જ પ્રકારના પરંપરાગત પાકોના વાવેતર કરવાથી જમીનની ફળદ્રુપતા, રોગ-જીવાત, પાકની ઉત્પાદકતા અને તેના બજાર ભાવ જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જેથી આ પ્રકારની પરંપરાગત ખેતીના ખર્ચ સામે વળતર ઓછું થતું જાય છે. જેથી પરંપરાગત પાકોના સ્થાને વધુ આવક આપતા અને સ્થાનિક બજારમાં માંગ હોય તેવા બાગાયતી પાકો, ફૂલ પાકો, મરી-મસાલા પાકો, ઔષધિય પાકો વિગેરે જેવા નવીન પાકોની ઓળખ કરી શરૂઆતમાં નાના પાયે અને ધીરે ધીરે વિસ્તાર વધારી સારી અને વધુ આવક મેળવી શકાય છે.
(૯) પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ:
ફૂડ પ્રોસેસિંગ એ એક એવી પદ્ધતિ છે જેના ઉપયોગ થકી તાજા ખોરાકને ખાદ્ય ઉત્પાદનોમાં ફેરવવા માટે થાય છે. હાલમાં આ ક્ષેત્રએ હરણફાળ ભરી છે. ત્યારે ખેડૂતોએ પણ સાહસિક બની પોતાની ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરીને બજારમાં મૂકવી જોઈએ જેથી વધુ નફો મળી શકે. તે પહેલા તેનું ગ્રેડીંગ, સોર્ટિંગ તેમજ આકર્ષક પેકિંગમાં પેદાશોનું વેચાણ સૂકુ/પ્રવાહી, ડિહાઇડ્રેશન કે ફ્રોજન સ્વરૂપમાં કરવું જોઈએ છે. જેથી તેના ઉચ્ચતમ મૂલ્ય સાથે વધુ બજારભાવ મળી શકે.
(૧૦) ખેત બજાર વ્યવસ્થાપન:
જુદા જુદા માર્કેટિંગ પ્લેટફોર્મ જેવા કે ઈ-નામનો ઉપગોગ કરી ખેડૂતો ઘરે બેઠા રાજ્યના અથવા દેશના કોઈપણ ખૂણે રજીસ્ટર થયા હોય તેવા કોઈપણ ખેત બજારમાં પોતાની ખેત પેદાશ વેચીને પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. ઉપરાંત ખેડૂતમિત્રો સહકારી મંડળી તથા ખેડૂત ઉત્પદાન સંગઠન દ્વારા વેચાણ કરી સારો બજાર ભાવ મેળવી શકે છે. કરાર આધારિત ખેતી થકી વિવિધ ખેત/શાકભાજી/બાગાયતી પાકો, ફૂલ પાકો, ઔષધિય પાકો વગેરેના વાવેતરને પ્રોત્સાહન આપવું.
(૧૧) ખેડૂત ઉત્પાદન સંગઠન:
દેશના ખેડૂત અથવા ખેડૂત સંગઠનો દ્વારા બનાવેલ ઉત્પાદન સંગઠનને ખેડૂત ઉત્પાદન સંગઠન કહેવાય છે. જેમાં જુથમાં ભેગા થઈને ખેડૂતમિત્રો દ્વારા પાક મૂલ્યવર્ધન યુનિટ, ઉત્તમ બજાર વ્યવસ્થાપન ઉભી કરી શકે છે. ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર, રેશમના કિડાનો ઉછેર, મશરૂમ ખેતી જેવી અન્ય પ્રવૃત્તિ દ્વારા વધુ આવક મેળવી શકાય છે.
(૧૦) બાયોગેસ:
વર્ષોથી દેશના ખેડૂતમિત્રો કૃષિની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. જેના થકી દૂધ અને પશુઓના ગોબરનો ઉપયોગ આવકના સ્ત્રોત તરીકે કરતાં આવ્યા છે. પરંતુ હાલમાં ગાયના ગોબરની સાથે તેના મૂત્રનો પણ ઉપયોગ દવાઓમાં તેમજ સજીવ ખેતીમાં વધી રહ્યો છે. સાથે સાથે તેનો ઉપયોગ બાયોગેસ બનાવી તેને ઘરની રસોઈ કે અન્ય વપરાશમાં વાપરી શકાય છે. વધુમાં બાયોગેસથી ઉત્પન્ન થયેલ કોહવાયેલા ગોબરનો ઉપયોગ સેંદ્રિય ખાતર તરીકે કરી શકાય છે. આથી રાસાયણિક ખાતરોનો વપરાશ ધટાડી શકાય છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે .
(૧૨) કૃષિમાં ડિજિટલાઈઝેશન ઃ
આજના ડિજિટલ યુગમાં વિવિધ શ્રેત્રોમાં જુદી જુદી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે. સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં પણ ડિજિટલ ટેકનોલોજીનો વપરાશ જેમ કે હવામાનની આગાહી, કૃષિ વિષયક માર્ગદર્શન, કૃષિ પેદાશોના બજર, કૃષિને લગતી સરકારની યોજનાઓ વગેરે માહિતી ખેડૂતમિત્રો પોતાની આંગળીના ટેરવે જાણીને ઉપયોગ કરી શકે છે. તદુપરાંત સરકારની જુદી જુદી ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી તથા અન્ય જાણકારીઓ વિવિધ મોબાઈલ એપ્સ જેવી કે યુનિવર્સિટીની ખેડૂત મિત્ર, ઈન્ફો કિસાન, કિસાન સારથિ, કિસાન સુવિધા વગેરે દ્વારા મેળવીને આધુનિક ખેતીની દિશામાં આગળ વધી વધુ ઉત્પાદન અને વધુ બજાર ભાવ મેળવી શકાય.
(૧૩) સૌર ઉર્જા/પવન ઉર્જા અને કૃષિ:
કૃષિ અને સૌર ઉર્જા વચ્ચેનો બેવડો અભિગમ અનેક સકારાત્મક તાલમેલ પેદા કરી શકે છે.
સૌર ઉર્જા/પવન ઉર્જા એકમોની ગોઠવણી સાથે ખેતી પાકો અને ઘાસચારાના પાકો ઉગાડી શકાય છે. જેમાં ખેતી કાર્યો માટે ઉપયોગમાં લઇ વધારાની વીજળીનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવી શકાય છે. બદલાતા જતાં વાતાવરણથી ઉદ્‌ભવતી કુદરતી આફતો સામે પાકમાં થતાં નુકસાન સામે વર્ષ દરમ્યાન ઉત્પન્ન સૌર ઉર્જા/પવન ઉર્જા દ્વારા ચોક્કસ આવક ઉભી કરી શકાય છે.
(૧૪) કિચન ગાર્ડન:
આપના ઘર કે રહેઠાણની આજુબાજુ, પશુ બાંધવાના વરંડાની ખાલી જગ્યામાં અથવા ખેતરના કોઈ ભાગમાં રોંજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવા શાકભાજી અને ફળફળાદી ઉગાડી સ્વચ્છ અને તાજા શાકભાજી અને ફળફળાદી મેળવી શકાય તેને કિચન ગાર્ડન કહેવાય છે. વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓ મુજબ જુદા જુદા શાકભાજી અને ફળો ઉગાડીને તેનો વપરાશ કરી શકાય છે. આ પ્રકારના શાકભાજી અને ફાળો જંતુનાશક દવાઓ રહિત હોવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ કોઈ આડઅસર થતી નથી.