મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ના રોડ શો અંગે હાલ મુંબઈમાં છે. તેઓએ રોડ શો પહેલા મુંબઈના તાજ પેલેસમાં અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી આ દરમિયાન ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખર મળ્યા હતા. તેમણે ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવું જણાવ્યું હતુ. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એક્સપાન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઇઓઉદય કોટકે વન ટુ વન બેઠક કરી હતી. ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટેની સુવિધાઓ આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇÂન્ડયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્‌સ વિશે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે.
વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુંબઇ રોડ-શોમાં સીએમએ સંબોધન આપ્યું હતુ. જેમાં કહ્યું હતુ કે, કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગો માટે ગુજરાત અનૂકૂળ રાજ્ય,ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફની વિકાસ યાત્રામાં સહભાગી બનવા વાઇબ્રન્ટ સમિટ સક્ષમ પ્લેટફોર્મ છે.
મહત્વનું છે કે, રાજ્યની ૧૦મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ એમઓયુ કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. ૨૫ નવેમ્બર એટલે કે ગયા ગુરુવારે મુખ્યમંત્રી પટેલે દિલ્લીમાં ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. અને કરોડો રૂપિયાના એમઓયુ કર્યા હતા. તો અત્યાર સુધીમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના એમઓયુ સંપન્ન કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.