દિલ્હીમાં ૨૧ સપ્ટેમ્બરે આતિષીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. એલજી વીકે સક્સેના ૨૧ સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. આ સાથે આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર આમ આદમી પાર્ટીના તેઓ પ્રથમ મહિલા નેતા છે.
આ પહેલા મંગળવારે આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી એલજી વીકે સક્સેનાએ આતિશીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. માનવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓને ફરીથી શપથ લેવડાવવામાં આવશે. આ સિવાય બે નવા ધારાસભ્યોને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. આમાંથી એક દલિત સમુદાયનો હશે.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે કેજરીવાલ કેબિનેટમાં અગાઉ જે મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા તેઓને રિપીટ કરવામાં આવી શકે છે. ગોપાલ રાય, ઈમરાન હુસૈન, કૈલાશ ગેહલોત અને સૌરભ ભારદ્વાજ ફરીથી કેબિનેટ મંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત કુલ સાત મંત્રીઓ બનાવી શકાય છે.
આ પહેલા મંગળવારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલજીને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપતા પહેલા, મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કેજરીવાલે મુખ્યમંત્રી પદ માટે આતિશી માર્લેનાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, ધારાસભ્યોએ સર્વસંમતિથી આતિશીના નામને મુખ્યમંત્રી પદ માટે મંજૂરી આપી હતી.