આંતકવાદી સંગઠન અલકાયદા તરપથી ગુજરાતમાં હુમલાની ધમકીને પગલે સમગ્ર ગુજરાત હાઈ
એલર્ટ પર છે. જેના પગલે દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો આમ તો ત્રણેય તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો છે. આથી સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલું હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે.
આતંકવાદી હુમલાની દેહશતને પગલે દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પરથી પ્રવેશ કરતા વાહનોનું પોલીસ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, સુદામા સેતુ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે. મંદિર પરિસરમાં પણ ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
મોહમ્મદ પયગંબર પર બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના વિવાદિત નિવેદનનો મામલો આખી દુનિયામાં છવાઈ ગયો છે. ઘણા ઈસ્લામિક દેશોએ તેની નિંદા કરી છે અને ભારતીય રાજદૂતોને બોલાવ્યા છે. આજ કડીમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ એ ભારતને ધમકી આપી છે. એકયુઆઇએસએ તેની ધમકીમાં કહ્યું છે કે, તે દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં હુમલા કરશે અને આમાં તે તેના આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગ કરશે.
આતંકવાદી વોચડોગ ફ્લેશપોઈન્ટના સ્થાપક ઈવાન કોલમેને તેમના ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, અલ-કાયદાએ ભારતને ધમકી આપતો સંદેશાવ્યવહાર જાહેર કર્યો છે. કોલમેને પોતાના ટ્‌વીટમાં અલ-કાયદાને ટાંકીને કહ્યું કે, ‘અમે એ લોકોને મારી નાખીશું જેમણે અમારા નબીનું અપમાન કર્યું છે. જેઓ અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો જાડીશું. તેઓને માફી કે દયા નહીં મળે, કોઈ શાંતિ અને સલામતી તેમને બચાવી શકશે નહીં.