વિદેશ મંત્રાલયે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આતંકવાદ સામે લડવાના અમારા સંકલ્પને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે એક સાથે આવે.
તેમણે કહ્યું કે અમે વિશ્વને સરહદ પારના આતંકવાદ માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા વિનંતી કરવા માંગીએ છીએ. પાકિસ્તાન છેલ્લા ૪૦ વર્ષથી ભારત વિરુદ્ધ આતંકવાદ ચલાવી રહ્યું છે. તેના કાર્યોનો પર્દાફાશ થવો જાઈએ. ભારત સામે થયેલા આતંકવાદી હુમલાઓ માટે તેને જવાબદાર ઠેરવવો જ જાઇએ. તેથી સાત પ્રતિનિધિમંડળોની રચના કરવામાં આવી છે. ત્રણ પ્રતિનિધિમંડળો રવાના થઈ ગયા છે. આ એક રાજકીય મિશન છે.
ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો અંગે તેમણે કહ્યું કે અમે કેટલાક અહેવાલો જાયા છે. મારી પાસે આનાથી વધુ કંઈ કહેવાનું નથી. અમે વિદેશ મંત્રી ડા. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી વચ્ચે થયેલી વાતચીતની માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રીનો આભાર માન્યો. તેઓ અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે પણ સંમત થયા. વિદેશ મંત્રીએ ખોટા અને પાયાવિહોણા અહેવાલો દ્વારા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના તાજેતરના પ્રયાસોને મજબૂત રીતે નકારી કાઢવાનું પણ સ્વાગત કર્યું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, મેં મારી છેલ્લી બ્રીફિંગમાં આ વિશે વાત કરી હતી. મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી. તમે અમારા વલણથી સારી રીતે વાકેફ છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈપણ સંબંધ દ્વિપક્ષીય હોવો જાઈએ. વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલી શકે. આતંકવાદના કિસ્સામાં, અમે તે કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા અંગે ચર્ચા કરવા તૈયાર છીએ જેમની યાદી કેટલાક વર્ષો પહેલા પાકિસ્તાનને આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર પર કોઈપણ દ્વિપક્ષીય ચર્ચા ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવા પર જ હશે. સિંધુ જળ સંધિ પણ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે. જેમ આપણા વડા પ્રધાને કહ્યું છે કે પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી.










































