ભારતે સંયુક્ત રાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા માટે દરિયાઈ અને આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે. આતંકવાદ અને દરિયાઈ સુરક્ષાના મુદ્દા પર પણ ભારતે આખી દુનિયાને અરીસો બતાવ્યો છે. આતંકવાદ સામે અને દરિયાઈ સુરક્ષાના પક્ષમાં ભારતની ગર્જનાએ દુશ્મન દેશોને પણ તણાવમાં મૂકી દીધા છે.

ભારતે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે તે દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી કાર્યવાહીને તેની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતો માટે મહત્વપૂર્ણ માને છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ઉભરતા જોખમો અને ભૂ-રાજકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને આપણો દેશ તેની વ્યૂહરચના સતત મજબૂત બનાવી રહ્યો છે.

સુરક્ષા પરિષદમાં ‘વૈશ્વીક સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવી’ વિષય પર ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાને રાજદૂત હરીશે સંબોધન કર્યું. તેમણે કહ્યું, “ભારત પાસે લાંબો દરિયાકિનારો છે અને તે દરિયાઈ મુસાફરી અને મજબૂત નૌકાદળ ક્ષમતાઓ ધરાવતો દેશ છે. તેથી, ભારત એક જવાબદાર દરિયાઈ શક્તિ તરીકે તેના હિતોનું રક્ષણ કરવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.”

રાજદૂત હરીશે જણાવ્યું હતું કે ભારતની દરિયાઈ વ્યૂહરચના મજબૂત સંરક્ષણ ક્ષમતાઓ, પ્રાદેશિક રાજદ્વારી, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સ્થાનિક માળખાગત વિકાસના સંતુલન પર આધારિત છે. ભારત માને છે કે દરિયાઈ સુરક્ષા એ આર્થિક પ્રગતિનો આધારસ્તંભ છે કારણ કે મુખ્ય વેપાર માર્ગો, ઉર્જા પુરવઠો અને વ્યૂહાત્મક હિતો મહાસાગરો સાથે જોડાયેલા છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે તે દરિયાઈ ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લા અને નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન ઓન ધ લો ઓફ ધ સી ના સિદ્ધાંતોનું સંપૂર્ણ સમર્થન કરે છે.

આ પ્રસંગે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, બધા દેશોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનું પાલન કરવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે ચાંચિયાગીરી, દાણચોરી, સંગઠિત ગુના અને આતંકવાદ જેવા જોખમો વૈશ્વીક શાંતિ, વેપાર અને આર્થિક સ્થિરતા માટે ગંભીર પડકારો ઉભા કરે છે. સુરક્ષા પરિષદ આનો સામનો કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.