જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા અને આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીને લખેલા પત્રમાં મલિકે પોતાના જેલમાં બંધ પતિનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વિનંતી કરી છે. મુશાલે દાવો કર્યો છે કે તેના પતિ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રાહુલને લખેલા પત્રમાં તેણે કહ્યું છે કે મલિકને તેના વિરુદ્ધ બનાવટી કેસોમાં મૃત્યુદંડની માંગ કરવામાં આવી રહી છે.
માનવ અધિકાર અને મહિલા સશક્તિકરણના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનના સહાયક રહી ચૂકેલા મુશાલે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં ૩ દાયકા જૂના રાજદ્રોહના કેસમાં મલિક વિરુદ્ધ ચાલી રહેલા કેસ તરફ તેમનું ધ્યાન દોર્યું છે. જેને લઈને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએએ તેને ફાંસીની સજાની વિનંતી કરી છે.એનઆઇએએ આ કેસમાં મલિકને મૃત્યુદંડની સજાની માંગણી કરીને અપીલ દાખલ કરી છે. એજન્સીએ ૨૦૧૭ના આ કેસમાં મલિક સહિત અનેક લોકો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
૨૦૨૨માં નીચલી અદાલતે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. મુશાલે પત્રમાં લખ્યું, ‘મલિક જેલમાં અમાનવીય વ્યવહારના વિરોધમાં ૨ નવેમ્બરથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. આ ભૂખ હડતાલ મલિકના સ્વાસ્થ્ય પર વધુ ખતરનાક અસર કરશે. આ એક વ્યક્તિના જીવનને જાખમમાં મૂકશે જેણે શસ્ત્રો છોડવાનું અને અહિંસાના માર્ગને અનુસરવાનું પસંદ કર્યું છે.
મુશાલે કહ્યું, ‘ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા બદલ મલિક પર ૩૫ વર્ષ જૂના કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે એનઆઇએ તેની વિરુદ્ધ નોંધાયેલા બનાવટી કેસોમાં તેના માટે મૃત્યુદંડની માંગ કરી રહી છે. હું તમને (રાહુલ)ને વિનંતી કરું છું કે તમે સંસદમાં તમારા ઉચ્ચ નૈતિક અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરો અને યાસીન મલિકના કેસ પર ચર્ચા શરૂ કરો, જે જમ્મુ અને કાશ્મીરમાં ‘શામ’ નહીં પણ વાસ્તવિક શાંતિ તરફ દોરી શકે’