૨૦૦૮માં મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને ગુરુવારે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. તહવ્વુર રાણાને ખાસ વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એનઆઇએએ તેની ઔપચારિક ધરપકડ કરી હતી. ગુરુવારે રાત્રે તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાણાની ૧૮ દિવસની કસ્ટડી એનઆઇએને સોંપી હતી જ્યારે કેન્દ્રીય એજન્સીએ ૨૦ દિવસની કસ્ટડી માંગી હતી.
અગાઉ, વિમાન ભારતમાં ઉતર્યા પછી, તહવ્વુર રાણાને કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટથી પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેમને સ્પેશિયલ એનઆઈએ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેમેરા કાર્યવાહી કોર્ટના બંધ રૂમમાં થઈ હતી. તહવ્વુર રાણાને કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કોર્ટમાં સહાય પૂરી પાડવામાં આવી હતી. કોર્ટમાં તેમના વકીલ અને એનઆઇએ કાનૂની ટીમ ઉપરાંત, ન્યાયાધીશ અને તેમનો સ્ટાફ હાજર હતો.
દિલ્હી કોર્ટમાં એનઆઇએનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને ખાસ સરકારી વકીલ નરેન્દ્ર માન દ્વારા કરવામાં આવ્યું હતું. તે જ સમયે, દિલ્હી કાનૂની સેવા સત્તામંડળના વકીલ પીયૂષ સચદેવાએ કોર્ટમાં તહવ્વુર રાણાનું પ્રતિનિધિત્વ કર્યું. ન્યાયાધીશને સમગ્ર કેસની માહિતી આપવામાં આવી હતી અને રાણાના મેડિકલ રિપોર્ટની વિગતો પણ આપવામાં આવી હતી. કસ્ટડી મળ્યા બાદ, તહવ્વુર રાણાની હવે દ્ગૈંછ હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવશે.
તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તેઓ અમેરિકાના શિકાગોના નાગરિક પણ રહી ચૂક્યા છે. રાણા ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલીની નજીક હતો. તહવ્વુર રાણા અગાઉ લગભગ ૧૦ વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં ડાક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. આ પછી, તેણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. તહવ્વુર રાણાએ પાકિસ્તાની આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરી હતી, પરંતુ તે સમગ્ર આયોજનનો એક ભાગ પણ હતો.









































