યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ગુનેગારોને પકડવામાં ભારતને અમેરિકાનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલાને ૨૦૧૯ના પુલવામા હુમલા પછી કાશ્મીર ખીણમાં સૌથી ખતરનાક હુમલો માનવામાં આવી રહ્યો છે.
તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું, ‘પહલગામમાં ૨૬ હિન્દુઓને નિશાન બનાવતા આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ.’ મારી પ્રાર્થના અને સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકો સાથે છું. અમે તમારી સાથે છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં તમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને ગુનેગારોને સજા અપાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું.
પહેલગામ આતંકવાદી હુમલા સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે હતા. વાન્સે પણ આતંકવાદી હુમલાની નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જેડી વાન્સે કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને અમેરિકા સમર્થન આપશે. જેડી વાન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી અને આતંકવાદીઓ સામે ભારતના સંકલ્પને ટેકો આપ્યો હતો. વાન્સે કહ્યું હતું કે અમે આ જઘન્ય ગુના માટે જવાબદાર લોકોને પકડવા માટે એક થયા છીએ.