ભારત સરકાર તુર્કી સાથે અબજા ડોલરના વેપાર સોદાઓનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સરકાર ખાતરી કરવા માંગે છે કે આ સોદા ભારતના વ્યૂહાત્મક હિતો સાથે સુમેળમાં હોય. ભારત અને તુર્કી વચ્ચે ઓટોમોબાઈલ, આઈટી, મેટ્રો રેલ અને ટનલ જેવા ક્ષેત્રોમાં વેપાર થાય છે. તુર્કીની કંપનીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને દિલ્હી જેવા રાજ્યોમાં કાર્યરત છે. નાણાકીય વર્ષ ૨૪ માં બંને દેશો વચ્ચેનો વેપાર ૧૦.૪ બિલિયન હતો.
ઇન્ડિયા બ્રાન્ડ ઇકવીટી ફાઉન્ડેશનના ફેબ્રુઆરી ૨૦૨૫ ના અહેવાલ મુજબ, ભારતમાં એફડીઆઇમાં તુર્કી ૪૫મા ક્રમે છે. એપ્રિલ ૨૦૦૦ થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, તુર્કીએ ભારતમાં ૨૪૦.૧૮ મિલિયન યુએસ ડોલરનું રોકાણ કર્યું છે આઇબીઇએફએ વાણિજ્ય મંત્રાલયનું એક ટ્રસ્ટ છે. દેશમાં તુર્કી રોકાણો બાંધકામ, ઉત્પાદન, ઉડ્ડયન અને મેટ્રો રેલ જેવા મુખ્ય ક્ષેત્રોમાં છે. શિક્ષણ અને મીડિયા જેવા ક્ષેત્રોમાં પણ તેમનું યોગદાન છે. છેલ્લા દાયકામાં બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા છે. આમાં ખસખસના બીજના વેપારથી લઈને ટેલિકોમ્યુનિકેશન, સંસ્કૃતિ, શિક્ષણ, મીડિયા અને રાજદ્વારીમાં સહયોગનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘તુર્કી કંપનીઓ સાથે સંબંધિત તમામ પ્રોજેક્ટ્‌સની તપાસ કરવામાં આવી રહી છે.’ સરકાર બધા સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે, જેમાં સમાપ્ત થઈ ગયેલા સંબંધોનો પણ સમાવેશ થાય છે. સરકાર જાહેર અને ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટ્‌સ સંબંધિત તમામ ડેટા અને દસ્તાવેજા એકત્રિત કરી રહી છે. ૨૦૨૦ માં, એક તુર્કી કંપનીને જમ્મુ અને કાશ્મીરમાં અટલ ટનલના ઇલેક્ટ્રોમિકેનિકલ ભાગનું કામ મળ્યું. ૨૦૨૪ માં, આરવીએનએલએ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે બીજી તુર્કી કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
તુર્કીએ એક દાયકા કરતાં વધુ સમયથી ભારતનો વેપાર, ઉત્પાદન અને ટેકનોલોજી ભાગીદાર રહ્યો છે. પરંતુ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે વધેલા તણાવ અને આતંકવાદને ટેકો આપનાર દેશ તરફના તેના વલણને કારણે ભારતને તેની ભૂ-રાજકીય વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર પર તુર્કીએ વારંવાર કરેલી ટિપ્પણીઓ અને પાકિસ્તાન સાથેની તેની વધતી જતી નિકટતાને નવી દિલ્હીએ ગંભીરતાથી લીધી છે. સરકાર હવે ધીમે ધીમે તુર્કી સાથેના વેપાર સંબંધો ઘટાડી રહી છે. વાણિજ્ય મંત્રાલય સાથે કામ કરતા એક વરિષ્ઠ વેપાર નિષ્ણાતે જણાવ્યું હતું કે, “બધા કરારોની તપાસ કરવામાં આવી રહી છે.” પરંતુ કેટલાક એમઓયુ અથવા વ્યવસાયિક સોદા અથવા પ્રોજેક્ટ સંબંધો લાંબા ગાળાના ધોરણે કરવામાં આવ્યા હતા. વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને જાતાં તેઓ કદાચ પ્રભાવિત ન પણ થાય. જાકે, ઉભરતી પરિસ્થિતિ અને કાશ્મીર મુદ્દા પર તુર્કીએની સતત દખલગીરી રોકાણના વિકાસ અથવા ભવિષ્યના વેપાર સોદાઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
ભારતમાં મુખ્ય ટર્કિશ કંપનીઓમાં બાંધકામ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ લખનૌ, પુણે અને મુંબઈ જેવા શહેરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્‌સમાં સામેલ છે. એક કંપનીએ એક ભારતીય ઉદ્યોગ સાથે મળીને ગુજરાતમાં એક ઉત્પાદન એકમ સ્થાપ્યું છે. બીજી એક ઉડ્ડયન કંપની ભારતીય એરપોર્ટ પર કાર્યરત છે. ૨૦૧૭ માં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની ભારત મુલાકાત દરમિયાન અનેક સહયોગ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં મીડિયા સહયોગ અને રાજદ્વારી અકાદમીઓ વચ્ચે તાલીમ ભાગીદારીનો સમાવેશ થાય છે. પરંતુ હવે, લગભગ આઠ વર્ષ પછી, સહકારની આશાઓ આર્થિક અંતરમાં ફેરવાઈ રહી છે. અત્યાર સુધી, સરકારે કોઈપણ કરાર રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી. પણ ઈરાદો સ્પષ્ટ છે. ભારત વૈશ્ચિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી ભાગીદારી જે આર્થિક રીતે સધ્ધર હોય પણ તેના વ્યૂહાત્મક હિતો સાથે સુસંગત ન હોય, તેમને શાંતિથી બહાર નીકળવાનો દરવાજા બતાવી શકાય છે.