આણંદમાં સુંદલપુરા ગ્રામ પંચાયતમાં ૩૫ લાખથી વધુની ગેરરીતિ સામે આવતાં નાયબ ચિટનીશે ફરિયાદ નોંધાવી છે. સરપંચ વિનય ઝાલા, તલાટી મહેન્દ્ર રાઠોડ, સરપંચનાં ભાઈ જયરાજ ઝાલા વિરૂદ્ધ ઉમરેઠ પોલીસમાં ગુનો નોંધાયો છે.
આણંદ જીલ્લાનાં ઉમરેઠ તાલુકામાં સુંદલપુરા ગ્રામ પંચાયતમાં નાણાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. સુંદલપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ રૂપિયા ૩૫.૬૭ લાખની ગેરરીતિ આચરી હતી. તાલુકા પંચાયતે રૂપિયા ૬૩.૧૮ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ગ્રાન્ટના નાણામાંથી સરપંચે રૂપિયા ૩૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા. સરપંચે તેના ભાઇના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૧૧ વાઉચારમાં સહીઓ કરી ઉચાપત કરી હતી. ઓડિટમાં ઉચાપત સામે આવતા નાયબ ચિટનીશે ફરિયાદ નોંધાવી છે.
ઉમરેઠ પોલીસ મથકે ૩ લોકો સામે ગુનો નોંધ્યો છે, સરપંચ વિનય ઝાલા, તલાટી મહેન્દ્ર રાઠોડ, સરપંચના ભાઇ જયરાજ ઝાલા વિરુદ્ધ પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આણંદમાં રહેતા બી.એન. પટેલે ૧૧ જુલાઈ ૨૦૨૨નાં રોજ ઉમરેઠ તાલુકા પંચાયતમાં અધિકારીને ૬૦ લાખ રૂપિયા જેટલાની ઉચાપત કરી વાઉચરોમાં ૧૬૭૧૫૦ રૂપિયાની ગેરરીતિ આચરી હતી. તેમજ ઈલેક્ટ્રીક માલસામાન, રસ્તા રિપેરીંગ, મોટર રિવાઈન્ડીંગ, મોટર કાઢવાની મજૂરીની સફાઈ જેવા જુદા જુદા બહાના બતાવી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
૨૦ જૂન, ૨૦૨૨નાં રોજ સુંદલપુરા ગામને ૬૩ લાખની ગ્રાન્ટ ફાળવાતાં ૧૬ જેટલા કામોનાં સુધારણા માટે ઉમરેઠ તાલુકા પંચાયતમાં ઠરાવ મોકલવામાં આવ્યો હતો. ઠરાવ બાદ કામો પૂરા કરવા ગેરંટી કે કોઈ બોન્ડ પણ મેળવ્યા નહોતા. અરજીનાં આધારે અધિક મદદનીશ ઈજનેર તપાસ કરતા ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ૧૨ પૈકીના એકપણ કામો પૂરા થયેલા નહોતા. તેથી આ અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના નાયબ ચિટનીશે ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ગુનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.









































