આટકોટથી ગરણી સુધીના ૬ મહિના પહેલા મંજૂર થયેલ માર્ગનું કામ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. આ રોડ ખખડધજ રોડના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ ૬ મહિના પહેલા જેતે વિભાગ દ્વારા ટેન્ડરથી પાસ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી આ રોડનું કામ ચાલુ થયું નથી. આ રોડ જસદણ તાલુકાના આટકોટ, ગુંદાળા(જામ), ગરણી, થોરખાણ સહિતના ગામોને જોડતો મુખ્ય રોડ છે. છતાં આ રોડ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. હાલ આ રોડ તૂટીને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ એટલી હદે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે કે આ રોડ પરથી પસાર થતા વાહનોના ટાયરો ફાટી જવા સુધીની હેરાનગતી ચાલકોને સહન કરવી પડી રહી છે. આ રોડ પરથી જસદણ તાલુકાના પાંચ જેટલા ગામોના લોકોનો સતત વાહન વ્યવહાર રહે છે અને આ રોડ અતિ ખરાબ હોવાના કારણે નાનામોટા અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. આ રોડનો ૬ મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ કામ પૂર્ણ કરવાના સમયે હજુ કામ શરૂ પણ થયું નથી. જસદણના કહેવાતા રાજકીય આગેવાનો દ્વારા આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે આ રોડનું કામ શરૂ કરાવવાની તસ્દી લેવામાં આવે તેવું પાંચ ગામના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.