તમિલનાડુના કુન્નુરમાં બુધવારે વાયુ સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સહિત સેનાના કેટલાય અધિકારીઓ હાજર હતા. કહેવાઈ રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા, જેમાંથી ૫ મૃતદેહો મળી આવ્યા છે. જણાવી દઈએ કે આઝાદી પછીથી અત્યારસુધીમાં કમર્શિયલ વિમાન દુર્ઘટનામાં કુલ ૨,૧૭૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ દુર્ઘટનામાં ૮૦ ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ મોટું કારણ બન્યું હોય તેવું સામે આવ્યું છે. આમાં પાયલટના એક્શન અને નિર્ણયો બંને મોજૂદ હોઈ શકે છે. આ આંકડા એવિએશન સેફ્ટી નેટવર્ક તરફથી જોરી આંકડાની મદદથી બનાવવામાં આવ્યા છે.
એવિએશન સેફ્ટી નેટવર્ક એક ખાનગી કંપની છે જે હવાઈ દુર્ઘટના, વિમાનોના અપહરણ કે હાઇજેક જેવી ઘટનાઓ પર નજર રાખે છે. એવિએશન સેફ્ટી નેટવર્કના વિશ્લેષણમાં ફક્ત પેસેન્જર ફ્લાઈટ અને એ દુર્ઘટનાને લેવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા એક મુસાફર કે એક પાયલટનું મૃત્યુ થયું હોય. આ એનાલિસીસમાં ચાર્ટર્ડ ફ્લાઈટ, પ્રશિક્ષિત ફ્લાઇટ્‌સ, કાર્ગો ફ્લાઇટ્‌સ અને નોન-પેસેન્જર ફ્લાઇટ્‌સ સામેલ નથી કરવામાં આવી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર, ૧૯૯૫-૯૬ થી લઈને અત્યારસુધી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે. જોકે, પહેલાની સરખામણીમાં વિમાન અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.૨૦૧૧-૨૦૨૦નો સમય હવાઈ દુર્ઘટનાઓને લઈને આઝાદી પછીનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દરમ્યાન ફક્ત કોઝિકોડ એરપોર્ટ પર પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. મે ૨૦૧૦માં એક એર ઈન્ડિયા એક્સપ્રેસને મેંગલોર એરપોર્ટ પર અકસ્માત નડ્યો હતો, જેમાં ૧૫૮ લોકોના મોત થયા હતા.
સમય સાથે એરક્રાફ્ટ ટેક્નોલોજી ખૂબ સુરક્ષિત બની છે. ૧૯૫૧થી ૧૯૮૦ સુધીના ૩૦ વર્ષમાં કુલ ૩૪ પ્લેન ક્રેશ થયા છે. આ વિમાન અકસ્માતોની તપાસ પરથી ખ્યાલ આવે છે કે આમાંના ૫૯ ટકા અકસ્માતો એટલે કે લગભગ ૨૦ અકસ્માતો પાયલટની ભૂલોને કારણે થયા છે. જ્યારે ૧૯૮૧-૨૦૧૦ સુધીમાં કુલ ૧૩ એરક્રાફ્ટ અકસ્માતો થયા, જેમાંથી ૧૨ અથવા ૯૨ ટકા અકસ્માત પાયલટની ભૂલોને કારણે થયા હતા. ભારતમાં આઝાદી પછીથી હમણાં સુધીમાં થયેલા વિમાન અકસ્માતોની વાત કરીએ તો કુલ ૨,૧૭૩ મૃત્યુમાંથી ૧,૭૪૦ મૃત્યુ પાયલટની ભૂલને કારણે થયા છે.