આજે લાભ પાંચમ દિવાળી પછીના પાંચમા દિવસે કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમીની તિથિ પર લાભ પાંચમનો તહેવાર ઉજવવામાં આવ્યો  આ તહેવાર સામાન્ય રીતે  વેપારી પેઢીઓ માટે તેમજ આજના દિવસે સંપત્તિની ખરીદી કરવાને લઈને પણ શુભ માનવામાં આવે છે. જેથી લાભ પાંચમના દિવસે મોટા ભાગના વેપારીઓ નવા વર્ષના વેપારના શ્રી ગણેશ, માતા લક્ષ્મી, શિવ અને ગણપતિની પૂજાથી કરતા હોય છે.આજે લાભ પાંચમનો તહેવાર છે. દિવાળીના દિવસો બાદ કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમીની તિથિ પર આવતી લાભ પાંચમ વેપાર ધંધા અને મિલકત તેમજ સોનું ખરીદવા માટે આજના દિવસને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી દિવાળીના તહેવારો બાદ આજે પ્રથમ દિવસે વેપારીઓ તેમના નવા વર્ષના વેપાર ધંધાની શરૂઆત કરશે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી કે કેટલાક વિસ્તારોમાં તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે નવા વેપાર ધંધા શરૂ કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી દિવાળીના તહેવારો બાદ આજથી વેપારીઓ વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે વેપાર ધંધાની શરૂઆત પણ કરશે.શ્રી પંચમીના દિવસે વહેલી સવારે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીના પૂજન સાથે નવા વેપાર ધંધાની શરૂઆત શુભ મુહૂર્તમાં થતી હોય છે. આજના દિવસે નવી ખાતાવહીમાં શુભ અને લાભ લખીને વેપારીઓ વર્ષના પહેલા વેપારની શરૂઆત પણ કરતા હોય છે. સવારે ૬ઃ૨૯ મીનીટ થી લઈને સવારના ૧૦ઃ૧૩ મિનિટ સુધી શ્રી પંચમીનું શુભ મુહૂર્ત હોવાથી આ સમય દરમિયાન નવા વર્ષના વેપાર ધંધા શરૂ કરવા અને કોઈ મિલકત કે સુવર્ણની ખરીદી પણ શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો પ્રત્યેક વ્યક્તીને વર્ષ પર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.લાભ પાંચમના દિવસે પ્રત્યેક વ્યક્તીએ વહેલી સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યા બાદ શિવ, ગણેશ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું જાઈએ, વધુમાં પૂજન કરતી વખતે મંત્ર જાપ, આરતી અને ત્રણેય દેવી દેવતાઓને ધૂપ અર્પણ કરીને શ્રી પંચમીના દિવસના પ્રથમ વેપારની શરૂઆત પણ કરવી જાઈએ. વધુમાં પ્રત્યેક વ્યાપારિક સંકુલ અને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને ડાબે અને જમણે બંને તરફ સ્વસ્તિક કંકુથી બનાવવામાં આવે તો તેને પણ લાભપ્રદ માનવામાં આવ્યું છે. શ્રી પંચમીના દિવસે શરૂ થયેલો પ્રત્યેક વેપાર સફળતા તરફ દોરી જાય છે, અને આજના દિવસે કોઈ પણ નૂતન કાર્યની શરૂઆતને શુભ માનવામાં આવતી હોવાથી લાભ પાંચમના દિવસે વેપાર ધંધા અને નવા શુભ કાર્યો શરૂ થતા હોય છે.