અમરેલી જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે પધારી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે જુદા-જુદા તાલુકામાં ર૯ર કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. અમરેલીમાં સવારે ૯-૩૦ વાગે એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આગમન થશે ત્યારબાદ અમરેલી શહેરમાં પ્રસિધ્ધ નાગનાથ મહાદેવનાં દર્શન કરી મુખ્યમંત્રી બસ સ્ટેશનનું કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરશે અને શહેરનાં લોકોને જૂના બસ સ્ટેશનનાં કાદવ-કિચડમાંથી મુકિત મળશે. તેવી જ રીતે ર૪.૯૮ કરોડનાં ખર્ચે રાજમહેલનાં નવીનીકરણ અને લાલાવદર ખાતે ૧૩.૬૪ કરોડનાં ખર્ચે નવનિર્મિત થનાર સ્પોર્ટસ સંકુલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. સાવરકુંડલા બાયપાસ ખાતે રસ્તા પર પ્રસ્તાવિત રેલ્વે ઓવરરબ્રિજનું ખાતમુહૂર્તઅને લીલીયા પંચાયત કચેરીનાં જેટીંગ મશીન તથા ત્રણ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ તથા રાજુલામાં તિરંગા ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ ધારી ખાતે નવનિર્મિત ડી.વાય.એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન ધારી અને ખાંભા પોલીસ કવાર્ટરનું લોકાર્પણ કરશે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આંબરડી સફારી પાર્કની અને ધારાસભ્ય કૌશિક વેકરિયાનાં વતન દેવરાજીયા ગામની પણ મુલાકાત લેશે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશ કસવાલા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા સાંસદ ભરત સુતરીયા સહિત રાજકીય આગેવાનો કાર્યકરોમાં કાર્યક્રમને લઈ ભારે દોડધામમાં જોવા મળી રહ્યા છે.
સિંચાઈ માટે યોજના અંગે જાહેરાતની જનતાને આશા
ઔદ્યોગિક ક્ષેત્રે પછાત અને ખેતીવાડીના જિલ્લા તરીકે ઓળખાતા અમરેલીમાં મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન સાતલડી નદી પર ડેમ બનાવવાની યોજના જાહેર થાય તેવું લોકો રહ્યા છે. એક વખત યોજના જાહેર થયા બાદ ખર્ચના અભાવે આ યોજના રદ કરવી પડશે ત્યારે પાણી માટે સતત ટળવળતા આ જિલ્લામાં સાતલડી નદી પર જો ડેમ બનાવવામાં આવે તો જિલ્લાનો પાણી પ્રશ્ન અને ખેતીવાડીમાં સિંચાઈ પણ થઈ શકે તેમ છે જેથી જિલ્લાની જનતા મુખ્યમંત્રી આજના કાર્યક્રમમાં આ યોજના વિશે કંઈક જાહેર કરે તે ઈચ્છી રહી છે.