બગસરા સ્વામિનારાયણ મંદિરમાં આજે યોજાનારા શ્રાદ્ધ પર્વને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે. મંદિર ટ્રસ્ટે એક નોટિસ જાહેર કરી છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજીના કાર્યક્રમમાં જ હરિભક્તોએ જોડાવાનું છે અને અન્ય કોઈ સંત દ્વારા મંદિરમાં સભા યોજવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ નોટિસથી વિવાદ સર્જાયો છે કારણ કે વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા પણ આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ મંદિરમાં કથા પારાયણ કરતા આવ્યા છે. બંને સંતોના અનુયાયીઓ આજે મંદિર પરિસરમાં એકત્ર થવાના હોવાથી નવાજૂનીની આશંકા સેવાઈ રહી છે. વધુમાં, મંદિર પરિસરમાં સ્થિત મહિલા સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ કોઈ કાર્યક્રમનું આયોજન થાય તો પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મંદિરમાં તણાવ સર્જાયો હતો, જેના કારણે ટ્રસ્ટે ૧૫ દિવસ માટે સાંજની આરતી દરમિયાન પોલીસ રક્ષણની માંગણી કરી હતી.